મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ફેસબુકના માધ્યમથી રાજ્યના સૌ નાગરીકોને સંબોધન કરતાં કોરોના વિરોધી વેક્સિન અવશ્ય લેવા અપિલ કરી છે.
તા. ૧લી એપ્રિલથી રાજ્યભરમાં ૪૫થી વધુ વયના તમામ નાગરિકો માટે કોરોના વિરોધી રસીકરણની શરૂઆત થશે. રાજ્ય સરકાર દ્વારા આ માટે સંપૂર્ણ વ્યવસ્થા અને આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યા છે ત્યારે સૌ તેનો લાભ લે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર, એન.જી.ઓ, વ્યાપારી સંગઠનો, રાજકીય પક્ષના કાર્યકરો તથા અન્ય સંગઠનો સૌ સાથે મળી રસીકરણના અભિયાનને વ્યાપક બનાવશે તો જ ‘સ્વસ્થ ગુજરાત, તંદુરસ્ત ગુજરાત અને કોરોનામુક્ત ગુજરાત’ શક્ય બનશે. કોરોના સામે લડવાના બે અમોઘ શસ્ત્ર વેક્સિન અને માસ્ક છે ત્યારે લોકો સત્વરે રસી મેળવે અને તેઓમાં એન્ટીબોડી ડેવલપ થાય તે કોરોનાને નાથવાનો શ્રેષ્ઠ રસ્તો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં ૬ હજાર રસીકરણ કેન્દ્રો અને ૧.૫ લાખથી વધારે આરોગ્ય કર્મીઓ રસીકરણના મહાઅભિયાનમાં જોડાયેલા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ૫૫ લાખથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આ સમગ્ર વ્યવસ્થાને કારણે ગુજરાત દેશભરમાં રસીકરણ અભિયાનમાં અગ્રીમસ્થાન ધરાવે છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઈચ્છાશક્તિ અને દેશના વૈજ્ઞાનિકોના પરિશ્રમથી કોવિશિલ્ડ અને કોવેક્સિન એમ બે સ્વદેશી વેક્સિનનું ઉત્પાદન શક્ય બન્યું. આત્મનિર્ભર ભારત અંતર્ગત બનેલી આ બંન્ને રસી સંપૂર્ણ સુરક્ષિત છે અને અન્ય દેશો પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, કોરોના સામે લડવાનું બીજું અમોઘ શસ્ત્ર માસ્ક છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સ્વચ્છતા જેવી તકેદારી થકી જ પરિવાર અને સમાજની સુરક્ષા આપણે સુનિશ્ચિત કરી શકીશું. રાજ્યની સમગ્ર જનતા આ નિયમોનું પાલન કરે, રસી મેળવે અને રસી લેવા માટે અન્યને પણ પ્રેરણા આપે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ ધન્વંતરી રથ, સંજીવની રથ, ૧૦૪ સેવા, કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો વગેરેનો ઉલ્લેખ કરતાં કહ્યુ કે, રાજ્યમાં કોરોનાના પ્રથમ દર્દી મળી આવ્યા ત્યારથી આજસુધી સરકારે સંક્રમણને નાથવાના સઘન પ્રયાસો સરકારે હાથ ધર્યા છે. અમદાવાદ ખાતે ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરવા સહિતના અનેક આગોતરાં પગલાંને કારણે આપણે દરેક તબક્કે સંક્રમણને અટકાવવામાં સફળ રહ્યા છીએ તેમ તેમણે ઉમેર્યું હતું.
Source: Information Department, Gujarat