Latest News

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને VGGS-2022ની પ્રિ-સમિટ અંતર્ગત ‘‘લોકલ ગોઝ ગ્લોબલ’’ વિષયક વિચાર-પરામર્શનું આયોજન

  -: શ્રી ભૂપેન્દ્ર પટેલ :-

  • વોકલ ફોર લોકલથી આત્મનિર્ભર ભારતની પ્રધાનમંત્રીશ્રીની નેમ સાકાર થશે
  • વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટથી નિકાસ માટે રાજ્યમાં વિશેષ સવલતો અને સહાય ઉપલબ્ધ
  • નિકાસ માટે વેલ્યુચેઇન ઊભી કરી MSME ઉદ્યોગ અને નાનામોટા એકમોનેલોકલ ગોઝ ગ્લોબલબનાવીએ
  • રોડ, રેલ્વે, વોટર-વે, એર-વે ની ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝ સાથે ગુજરાત વિશ્વના બજારો સુધી પહોચવાનો ગેટ-વે

  ગુજરાત પીન થી પ્લેન અને ટેન્ક સુધીના ઉત્પાદનમાં આત્મનિર્ભર બન્યું છેઉધોગ મંત્રી શ્રી જગદિશભાઇ વિશ્વકર્મા

  ……

  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત આયોજીત ‘‘લોકલ ગોઝ ગ્લોબલ’’ વિષયક પ્રિ-સમિટમાં નિકાસ પ્રેરિત વિકાસ’ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.

  મુખ્યમંત્રીશ્રીએ  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘વોકલ ફોર લોકલ’ના નિર્ધારથી આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પને રાજ્યમાં ઉત્પાદિત સ્થાનિક વસ્તુઓને વિદેશી બજારોમાં નિકાસ કરી ભારતીય બજારમાં  વિદેશી હૂંડિયામણમાં વધારા કરી ચરિતાર્થ કરી શકાશે તેમ પણ ઉમેર્યુ હતું.

  આ સંદર્ભમાં તેમણે વિશ્વના બજારોમાં ભારતીય પ્રોડક્ટસની ગ્લોરીને ફરી ઊજાગર કરી વૈશ્વિક બજારો રિ-કેપ્ચર કરવાના ધ્યેય સાથે રાજ્યના ઉદ્યોગકારોને વિકાસ સાધવા અનુરોધ કર્યો હતો.

  મુખ્યમંત્રીશ્રીએ ફાર્માસ્યૂટિકલ્સ, એગ્રો કેમિકલ્સ, પ્લાસ્ટિકની કાચી સામગ્રી, કાપડ,જેમ્સ અને જ્વેલરી, ઓર્ગેનિક કેમિકલ્સ, ડાઈ, સિરામિક વગેરેની નિકાસમાં ગુજરાત મોખરે હોવાનું જણાવી પાટણના પટોળા, કચ્છની એંબ્રોઇડરી,સંખેડાનું ફર્નીચર, જામનગરની બાંધણી જેવા પરંપરાગત ઉત્પાદનોને જી.આઇ. ટેગ અપાવી તેના એક્સપોર્ટમા પણ ગુજરાત સફળ રહ્યુ છે તેમ ઉમેર્યુ હતું.

  “વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ” એટલે કે જીલ્લાવાર વિશેષ પ્રોડક્ટની નિકાસ માટે રાજ્યમાં વિશેષ સવલતો અને સહાય ઉપલબ્ધ કરાવવાના પરિણામ સ્વરૂપે દેશના કુલ એક્સપોર્ટમાં ૩૦ ટકાના યોગદાન સાથે ગુજરાત અગ્રેસર છે તેમ શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

  ગુજરાતમાં દેશના કોઇપણ ઉદ્યોગકારને ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ સ્થાપવા અનુકૂળ વાતાવરણ અને ઇઝ ઓફ ડૂઇંગ ઓફ બિઝનેસની સાનુકૂળ સુવિધાઓ અને તકો પ્રાપ્ત થઇ છે. આજે ગુજરાત કાર્ગો હેન્ડલીંગ અને લીડ્સ ઇન્ડેક્સ અને એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સમાં મોખરે છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પેરિશેબલ ગુડ્સ એક્સપોર્ટ કરવાની સુવિધાયુકત ૧૦ એર ફ્રેઇટ ટર્મિનલ ઉપરાંત રોડ, રેલ્વે, એર-વે અને વોટર-વે કનેક્ટીવીટી સાથે ગુજરાત વિશ્વના બજારો સુધી પહોચવા માટેનું ગેટ-વે બની શકે તેમ છે.

  તેમણે આવી ઉત્કૃષ્ટ આંતરમાળખાકીય સેવાઓના પરિણામે ગુજરાતના સ્થાનિક ઉત્પાદનોને વિશ્વ બજારમાં સરળતાએ પહોચાડી શકાય છે તેવો વિશ્વાસ પણ દર્શાવ્યો હતો.

  મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિવિધ પ્રોડક્ટ્સના ઉત્પાદનો થકી ‘નિકાસ પ્રેરિત વિકાસ’ – ‘એક્સપોર્ટ લેડ ગ્રોથ’ને સિદ્ધ કરીને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો મંત્ર સાકાર કરવા સહિયારા પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતુ.

  વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આ માટે એક સક્ષમ પ્લેટફોર્મ પુરૂં પાડે છે એમ તેમણે કહ્યું હતું.

  ઉધોગ રાજ્ય  મંત્રી શ્રી જગદિશ વિશ્વકર્માંએ આ પ્રિ-સમિટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દૂરંદેશીતાનું પ્રમાણ હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભમાં તેઓએ એમ પણ કહ્યું કે, રાજ્યમાં વાઇબ્રન્ટ સમિટના આયોજન થકી વિદેશી રોકાણમાં મોટી સંખ્યામાં વધારો થયો છે. આજે રાજ્યમાં પીન થી પ્લેન અને ટેન્ક સુધીના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય આત્મનિર્ભર બન્યું છે.

  આ સદંર્ભમાં તેઓએ કોરોનાની વેશ્વિક મહામારી પહેલા દેશમાં 33 હજાર N-95માસ્ક અને 4.25 લાખ પી.પી.ઇ. કીટનું ઉત્પાદન થતું હોવાનું જણાવી આત્મનિર્ભરની નેમ થકી આજે 50 લાખથી વધુ પી.પી.ઇ. કીટ દર મહિને વિદેશમાં નિકાસ થતી હોવાનું કહ્યું હતું.

  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર દેશમાં આરંભાયેલી PM-ગતિશક્તિ, પી.એલ.આઇ., સ્ટાર્ટ અપ, મેક ઇન ઇન્ડિયા જેવી વિવિધ યોજનાઓ દેશની અર્થવ્યવસ્થાને પાંચ ટ્રીલિયન ડોલર અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં પ્રયાસ હોવાનું કહ્યું હતું.

  ગુજરાતમાં યોજાતી વાઇબ્રન્ટ સમિટના અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની સુવિધાઓના પરિણામે રાજ્યમાં આજે 21.89 અમેરિકન ડોલર FDI (વિદેશી મૂડીરોકાણ) આવતું થયું છે. વર્ષ 2014 માં 1.89 લાખ કરોડનું રોકાણ વર્ષ 2021માં 4.42 લાખ કરોડે પહોંચ્યું છે. નિકાસ શેરમાં પણ 10 ટકાનો વધારો થયું હોવાનું જણાવીને મંત્રીશ્રીએ ગુજરાતમાં આજે 30,000 નિકાસ યુનિટ કાર્યરત હોવાનું કહ્યું હતું.

  સમગ્ર વિશ્વમાં નિકાસ થતા ઇસબગુલમાંથી 85 ટકા ગુજરાતમાંથી થાય છે તેમ પણ મંત્રીશ્રીએ કહ્યું હતું. રાજ્યમાં દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર કાર્યરત થયા બાદ ટ્રાન્સપોર્ટીંગ કોસ્ટમાં ઘટાડો થયો હોવાનું પણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

  GIDCના મેનેજિંગ ડિરેકટર શ્રી થેન્નારસને આ પ્રિ-ઇવેન્ટનો હેતુ સ્પષ્ટ કરી સ્વાગત પ્રવચનથી સૌને આવકાર્યા હતા.

  કાર્યક્રમમાં ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂત, મુખ્યમંત્રી શ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે.કૈલાસનાથન, કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના સંયુક્ત સચિવ શ્રી અમિતાભ કુમાર, CIIના પદાધિકારીઓ સહિત ઉધોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

  Source: Information Department, Gujarat