Latest News

અમદાવાદ સિવીલ હોસ્પિટલની કોરોના કોવિડ હોસ્પિટલમાં મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીએ ધમણ-૧ વેન્ટીલેટરનું કર્યુ નિરીક્ષણ

  વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-૧૯ ના રોગગ્રસ્તોને સારવાર દરમ્યાન શ્વાચ્છોશ્વાસ માટે અત્યંત જરૂરી વેન્ટીલેટરની વ્યાપક વૈશ્વિક માંગના તારણોપાય રૂપે ગુજરાતે આગવી ગૌરવ સિદ્ધિ મેળવી છે.

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના વતન શહેર-રાજકોટની એક ખાનગી ઉત્પાદન કંપનીએ માત્ર ૧૦ દિવસમાં જ તૈયાર કરેલા વેન્ટીલેટર ‘ધમણ-૧’ની સફળતાનું નિરીક્ષણ અમદાવાદ સિવીલ હોસ્પિટલ સંકુલની કોરોના કોવિડ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે શનિવારે કર્યુ હતું.

  શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ધમણ-૧ વેન્ટીલેટરનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું કે, પ્રવર્તમાન કોરોના વાયરસની બિમારીના દરદીઓની સારવાર માટે જરૂરી એવા વેન્ટીલેટરની માંગ વિશ્વભરમાં વધી છે અને આની પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધિ માટે સૌ ચિંતીત છે.

  એટલું જ નહિ, અનેક જગ્યાઓએ વેન્ટીલેટર, પ્રોટકશન કિટ, N-95 માસ્ક વગેરેની અછત છે ત્યારે ગુજરાતે જનઆરોગ્ય રક્ષામાં એક નવી સિદ્ધિ મેળવી છે.

  મુખ્યમંત્રીશ્રીએ આ સિમાચિન્હ સિદ્ધિની ભુમિકા આપતાં કહ્યું કે, ગુજરાતમાં રાજકોટની ખાનગી કંપની જ્યોતિ CNC એ માત્ર ૧૦ જ દિવસના ટુંકાગાળામાં રૂ. ૧ લાખથી ઓછી કિંમતનું વેન્ટીલેટર ધમણ-૧ નું નિર્માણ કર્યુ છે.

  તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, સૌરાષ્ટ્રનું રાજકોટ સ્મોલ સ્કેલ યુનિટનું હબ છે અને રાજકોટના અનેક નાના ઊદ્યોગો દેશ-વિદેશમાં અન્ય મોટા ઊદ્યોગો માટે સ્પેરપાર્ટસ આનુષાંગિક ઉત્પાદન તરીકે બનાવી આપે છે. ખાસ કરીને રેલ્વે, ડિફેન્સ અને નાસામાં ઉપયોગમાં લેવામાં આવતી મશીનરીના પૂર્જા રાજકોટ સ્થિત કંપનીઓ બનાવે છે.

  મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, હવે રાજકોટની ખાનગી કંપની જ્યોતિ CNC એ જનઆરોગ્ય સુખાકારી માટે વેન્ટીલેટર-ધમણ-૧ બનાવીને પ્રવર્તમાન પરિસ્થિતીમાં દિશાદર્શક કામગીરી કરી છે.

  તેમણે ઉમેર્યુ કે, ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર ગુજરાતે કોરોનાની વૈશ્વિક મહામારીથી વિશ્વને બચાવવા આ સસ્તા વેન્ટીલેટરના ઉત્પાદનથી નવી દિશા ચીંધી છે.

  એટલું જ નહિ, રાજકોટના સ્થાનિક ઊદ્યોગકાર શ્રી પરાક્રમસિંહ જાડેજા અને જ્યોતિ CNCની તેમની ટીમે આ વેન્ટીલેટર ધમણ-૧ ના નિર્માણથી ‘‘મેઇક ઇન ઇન્ડીયા મેઇક ઇન ગુજરાત’’નો ધ્યેય સાકાર કર્યો છે. એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.

  નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે કોરોનાની બિમારીની સારવામાં વેન્ટીલેટર અત્યંત અગત્યનું છે. રાજ્યની ખાનગી હોસ્પિટલોના વેન્ટીલેટરનો ઉપયોગ કરવા માટે આયોજન હાથ ધરાયું છે પરંતુ રૂ. ૬ લાખ જેટલી કિંમતમાં ઉપલબ્ધ થતું વેન્ટીલેટર રાજકોટની જ્યોતિ CNC કંપની દ્વારા એક લાખથી પણ ઓછી કિંમતમાં નિર્માણ પામશે અને કોરોનાના દરદીઓ ઉપરાંત અન્ય દરદીઓ માટે પણ ઉપયોગી પૂરવાર થશે.

  તેમણે કહ્યું કે, જ્યોતિ CNC એ આ ધમણ-૧ વેન્ટીલેટરના પ્રથમ ૧ હજાર વેન્ટીલેટર મશીન્સ રાજ્ય સરકારને વિનામૂલ્યે આપવાનું સામાજીક સેવા દાયિત્વ પણ જાહેર કર્યુ છે.

  કંપનીના સ્થાપક ઊદ્યોગકાર શ્રી પરાગક્રમસિંહે જણાવ્યું હતું કે અમારી કંપનીના શ્રી રાજેન્દ્ર પરમાર પાંચ વર્ષ અમેરિકામાં રહી ચુકયા છે અને છેલ્લા ૧પ વર્ષથી અહીં રાજકોટમાં સ્થાયી થયા છે. તેમના સફળ પ્રયાસોના કારણે માત્ર ૧૦ દિવસમાં અમે ધમણ-૧ નું નિર્માણ કર્યુ છે. ૧પ૦ જેટલા વિવિધ ઇજનેરના ટીમ વર્કથી આ મિશન પાર પડયું છે. ર૬ જેટલી કંપનીઓ પાસેથી વિવિધ પાર્ટસ મેળવીને તેને અંતિમ ઓપ આપ્યો છે. આ પ્રેશર કન્ટ્રોલ્ડ વેન્ટીલેટરની કોરોનાના દરદીઓને વિશેષ જરૂર પડે છે. હવે પછી ધમણ-ર અને ધમણ-૩ રૂપે હાઇવર્ઝન બનાવવાનું ધ્યેય છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા પ્રથમ ૧ હજાર ધમણ-૧ વેન્ટીલેટર ગુજરાત સરકારને દાનમાં અપાશે. સત્વરે ૩ વેન્ટીલેટર બનાવ્યા છે અને પ્રતિદિન ૧૦ વેન્ટીલેટર મશીન બનાવવાની ક્ષમતા છે તેમ તેમણે કહ્યું હતું.

  સિવીલ હોસપિટલના ડૉ. કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું કે કોરોનાના દરદીઓની સંખ્યા વધી રહી છે ત્યારે તેની સામે વેન્ટીલેટરની જરૂરિયાત પણ વધી છે. ધમણ-૧ વેન્ટીલેટરનો આજે સિવીલ હોસ્પિટલના એક દર્દી પર સફળ પ્રયોગ કરાયો છે સફળ પરિણામ મળ્યું છે.

  Source: Information Department, Gujarat