મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ ખાતે, રોગનિદાન સારવાર અને શસ્ત્રક્રિયાઓ સહિતની આરોગ્ય સેવાઓનો વિનામૂલ્ય લાભ આપનારી સ્વામિનારાયણ જનરલ હોસ્પિટલનું લક્ષ્મીનારાયણ દેવ સંસ્થાના અધિષ્ઠાતા પ.પૂ. રાકેશપ્રસાદજી મહારાજશ્રી તેમજ વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ગુરૂપૂર્ણિમા પર્વની પાવન સભામાં જણાવ્યું હતું કે લોક આરોગ્યનું રક્ષણ કરવું એ સરકારનું મુખ્ય કર્તવ્ય છે. જે સમાજ અને ધર્મ સંસ્થાઓના પીઠબળથી જ સુપેરે અદા કરી શકાશે. તેમણે સંસ્થા વડતાલધામ ખાતે ૫૦૦ બેડની હોસ્પિટલ અને મેડીકલ કોલેજ શરૂ કરવાનું આયોજન કરે, રાજય સરકાર જરૂરી જમીન ફાળવવાનું સૌજન્ય દાખવશે. એવો મહત્વપૂર્ણ સધિયારો આપ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ભાવપૂર્વક રાકેશપ્રસાદજી મહારાજ અને સંતોની ગુરૂવંદના કરી હતી. તથા લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ દેવના દર્શન, પૂજન, અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વિનમ્રતાપૂર્વક જણાવ્યું હતું કે ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે ગુજરાતના તમામ સાધુ સંતો મહંતોની આ મંચ પરથી વંદના કરૂં છું અને સાડા છ કરોડની જનતા વતી, ભારત જગતગુરૂ બને અને ગુજરાત રોલ મોડેલ તરીકે દેશમાં મોખરે રહે તેવા આશિર્વાદ માગું છું.
આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજીએ ટૂંકાગાળામાં રાજયની કાયાપલટ કરવાના ભગીરથ કામ માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને વધાવ્યા હતા તથા મુખ્યમંત્રીશ્રી તરીકે નવી ટર્મમાં તેઓના હાથે જ વડતાલધામમાં મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ખુલ્લી મુકાય એવી આશિષસભર શુભકામનાઓ પાઠવી હતી. શ્રી નૌતમ સ્વામી, જ્ઞાનજીવનદાસ સ્વામી સહિતના સંતોએ પણ મુખ્યમંત્રીશ્રીના યશસ્વી નેતૃત્વને બિરદાવતા, રાજય સરકારના લોકલક્ષીતા અને જનકલ્યાણ આયોજનો માટે આશિષ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે આરોગ્ય સેવાઓ માટે છુટા હાથ દાન આપનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આચાર્ય મહારાજે આશિર્વાદનો હાર પહેરાવીને મુખ્યમંત્રીશ્રીને હેતપૂર્વક આવકાર્યા હતા.
અમારી સરકાર ગરીબોને સમર્પિત છે અને ગરીબ માણસને સસ્તી દવાઓ મળે એ સરકારનો સંકલ્પ છે. એવી લાગણી વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે લોકોને સસ્તી દવાઓ મળે તે માટે વ્યાપક સ્તરે જેનેરીક મેડીકલ સ્ટોર્સની રાજયવ્યાપી શ્રુંખલા સ્થાપવામાં આવી રહી છે અને સ્ટોર્સમાં ગુણવત્તાયુકત દવાઓની ખાત્રીબધ્ધ વ્યવસ્થા કરવામાં આવી છે. દવા ખરીદનારોઓને બીલમાં બ્રાન્ડેડ દવાની કિંમત અને જેનેરીક દવાના ભાવના ફરક જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે જે લધુત્તમ ૭૦ ટકા જેટલું થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રીએ હ્રદયના અવરોધ નિવારણ માટે સ્ટેન્ટના ભાવ નિર્ધારણની કરેલી વ્યવસ્થાને વધાવતા કહયું કે કેન્સર, હાર્ટ, કિડની, લિવર જેવા રોગોની મોંઘી સારવાર અને શસ્ત્રક્રિયાને અનુલક્ષીને રાજય સરકારે રૂા.૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા ૩૫ લાખ જેટલા પરિવારો માટે, વાર્ષિક રૂા.૨ લાખ સુધીની વિનામૂલ્યે સારવારની જોગવાઇ કરી છે. સરકારે રૂા. ૭૦૦ કરોડના ખર્ચે આ જવાબદારી ઉપાડી છે.
સમય ઓછો છે અને જાણે કે ૨૦-૨૦ રમવાની છે એવી ભાવના વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અમે નિર્ણાયક સરકાર તરીકે સર્વાંગી અને સૌના વિકાસની કાળજી લઇને પદ નહીં જવાબદારી અને પ્રતિષ્ઠા નહીં પણ પડકારને સ્વીકારીને, જાડી ચામડીની નિસ્ક્રીયતા નહીં પણ સંવેદનશીલતા અને રૂજુતા સાથે કામ કરી રહયા છે. રોજરોજ લોકહિતના નિર્ણયો લેવામાં આવી રહયા છે. આ સરકારને તા.૦૮મી ઓગષ્ટ, ૨૦૧૭ના રોજ એક વર્ષ પૂર્ણ થશે. પરંતુ એ પહેલા જ લોકહિતના ૪૫૦ જેટલા નિર્ણયો લીધા છે. એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગૌવંશની હત્યા અને ગૌમાસની હેરફેરને ડામી દેતા અત્યંત કડક કાયદો, ગાંધી અને ભગવાન સ્વામિનારાયણનું ગુજરાત વ્યસન મુકત બને તે માટે અત્યંત કડક નશાબંધી નીતિ, શાળાઓ દ્વારા વાજબી ફી લેવાય તે માટે ફી નિર્ધારણ સમિતિની જોગવાઇ, યુએલસીની જમીનમાં મકાન બાંધનારાઓના મકાનોને કાયદેસર કરવા માટેનો કાયદો તેમજ હુકકાબાર જેવા દુષણો ડામી દેવાની જોગવાઇ જેવા લોકલક્ષી નિર્ણયો અને તેના અમલીકરણની વિગતવાર જાણકારી આપી હતી.
નર્મદા યોજનાનું ભગીરથ કામ પૂરૂ કરવામાં સહાયતા માટે પ્રધાનમંત્રીશ્રીનો ઋણ સ્વીકાર કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે હવે સરદાર સરોવરમાં ચારગણું વધુ પાણી એકઠું થશે અને તૃપ્ત ગુજરાતની પરિકલ્પના સાકાર થશે.
ગુરૂનો અદકેરો આદર એ ભારતીય સંસ્કૃતિ અને સમાજની અતિ લાક્ષણિક વિશિષ્ટતા છે એવી લાગણી વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહયું કે એક માત્ર ભારતમાં ગુરૂને ઇશ્વર ગણીને આદર આપવામાં આવે છે. ગુરૂ-શિષ્યના નિસ્વાર્થ સંબંધની અદકેરી પરંપરા આપણી વિરાસત છે. તેમણે શિવાજીના ગુરૂ સમર્થ રામદાસ, રામકૃષ્ણ પરમહંસ, વિશ્વામિત્ર અને ઋષી સાંદિપનીની ગુરૂ પરંપરાને વંદન કર્યા હતા. આરોગ્ય સેવાઓ માટે છુટે હાથે દાન આપનારા દાતાઓને બિરદાવ્યા હતા.
આ પ્રસંગે ખાણ અને ખનીજ મંત્રીશ્રી રોહિતભાઇ પટેલ, ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક શ્રી પંકજભાઇ દેસાઇ, સાંસદ સર્વશ્રી દિલીપભાઇ પટેલ, દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી કેસરીસિંહ, મહેશભાઇ, લાલજીભાઇ, મથુરભાઇ સવાણી, રાજેશભાઇ સહિત દાતાઓ, સંત સમુદાય, વડતાલના સરપંચશ્રી જગદિશભાઇ, વડતાલ ટેમ્પલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટીઓ અને ખૂબ વિશાળ સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહયા હતા.
Source: Information Department, Gujarat