Latest News

વનબંધુ વિસ્તાર તાપીના ઉચ્છલમાં ૬.૮૨ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી વિનિયન કોલેજનો ઈ-લોકાર્પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો

  વનબંધુ-સાગરખેડૂ –ગ્રામીણ-શહેરી ક્ષેત્ર સહિત રાજ્યની યુવાશક્તિને શિક્ષિત-દિક્ષીત કરી તેના બાવડાના બળે નયા ભારતનું નિર્માણ કરવું છે : મુખ્યમંત્રીશ્રી

  વનબંધુ વિસ્તાર તાપીના ઉચ્છલમાં ૬.૮૨ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી વિનિયન કોલેજનો ઈ-લોકાર્પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો

  શિક્ષણમંત્રીશ્રી-શિક્ષણ રાજ્યમંત્રીશ્રીની ઉચ્છલમાં પ્રેરક ઉપસ્થિતિ

  …………

  :: મુખ્યમંત્રીશ્રી ::

  • શિક્ષણ એ સમાજ-રાષ્ટ્રના વિકાસની સમૃધ્ધિનો પાયો છે.
  • હોનહાર યુવાશક્તિને કારકીર્દી ઘડતર માટે વિશાળ તકો સરકારે આપી છે.
  • વિશ્વના પ્રવાહોને અનુરૂપ સેક્ટરલ યુનિવર્સિટીઓથી રાજ્યના યુવાનને ગ્લોબલ યુથ બનાવ્યો છે
  • યુવા પેઢીને ઘર આંગણે જ શિક્ષણ આપવા જ્યાં કોલેજ નથી તેવા તાલુકાઓમાં સરકારી કોલેજો શરૂ કરી છે.
  • શિક્ષણ એ આ સરકારની પ્રાથમિકતા છે, રાજ્યના બજેટમાં ૩૧ હજાર કરોડ રૂપિયા શિક્ષણ વિભાગને ફાળવ્યા છે

  …………….

  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નયા ભારતના નિર્માણ માટે વનબંધુ સાગરખેડૂ, ગ્રામીણ, શહેરી ક્ષેત્ર સહિતની યુવાશક્તિને શિક્ષિત-દિક્ષિત કરી તેના બાવડાના બળે આગળ વધવાની નેમ વ્યક્ત કરી છે.

  મુખ્યમંત્રીશ્રીએ વનબંધુ વિસ્તાર તાપી જિલ્લાના ઉચ્છલમાં રૂ. ૬.૮૨ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી વિનિયન કોલેજના ઈ-લોકાર્પણ પ્રસંગે આ નેમ દર્શાવી હતી.

  આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રી જિતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, મુકેશભાઈ પટેલ અને ધારાસભ્યો, પદાધિકારીઓ ઉચ્છલ ખાતે કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા.

  શ્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણને સમાજ અને રાષ્ટ્રના વિકાસ તથા સમૃધ્ધિનો પાયો ગણાવતાં કહ્યુ કે, શિક્ષણ ચેતનાની ખેતી છે.

  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગુજરાતમાં મુખ્યમંત્રીપદના કાર્યકાળ દરમિયાન જ્ઞાનશક્તિના મહિમાથી શિક્ષણનો જે મજબૂત પાયો સિંચ્યો તેના પરિણામ સ્વરૂપે અઢી દાયકામાં ભાજપાની સરકારે કે.જી થી પી.જી સુધીના શિક્ષણમાં સમયાનુકુલ સગવડો અને ટેકનોલોજી અપનાવી યુવાશક્તિને ગ્લોબલ યુથ બનાવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં વિશ્વના પ્રવાહોને અનુરૂપ સેક્ટરલ યુનિવર્સિટીઓ શરૂ કરીને રાજ્યના યુવાઓને વિશ્વકક્ષાના જ્ઞાન અવસર સરકારે ઘર આંગણે પૂરા પાડ્યા છે.

  તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, શિક્ષણને સરકારે પ્રાથમિકતા આપી છે અને રાજ્યના બજેટમાં ૩૧ હજાર કરોડ જેવી માતબર રકમ શિક્ષણ વિભાગ માટે ફાળવી છે.

  એટલું જ નહિ, રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગ્રોસ એનરોલમેન્ટ રેશિઓ વધે તથા યુવાશક્તિને સરળતાથી ઉચ્ચશિક્ષણ મળે તે માટે જે તાલુકાઓમાં એકપણ કોલેજ નથી તેવા ૧૦ તાલુકાઓમાં સરકારી કોલેજો શરૂ કરવામાં આવી છે.

  મુખ્યમંત્રીશ્રીએ વનબંધુ વિસ્તારમા શરૂ થયેલી આ નવિન વિનયન કોલેજનું “દેવમોગરા સરકારી વિનિયન કોલેજ” નામાભિધાન કરાવ્યુ હતું.

  તેમણે ઉમેર્યું કે, વનબંધુ યુવાઓના શિક્ષણ રોજગાર માટે સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે. વનબંધુ તાલુકાઓમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ પાંચ આદિજાતિ જિલ્લામાં PPP ધોરણે મેડીકલ કોલેજ તથા આદિજાતિ યુવાઓને પાયલટ બનવાની તાલીમ સુધીની સમયાનુકુલ સુવિધા સરકારે આપી છે.

  શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે,નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- નેશનલ એજ્યુકેશન પોલિસી જે પ્રધાનમંત્રીશ્રી એ દેશને આપી છે તેના આધારે હવે શિક્ષણ સાથે સંસ્કૃતિ અને દેશની ધરોહર જોડાશે અને નવી ક્ષિતિજો સર થઈ શકશે.

  શિક્ષણમંત્રીશ્રી જિતુભાઈ વાઘાણીએ આ નવિન કોલેજ ભવનને વધુ વૃક્ષો-ફૂલ છોડ વાવીને હરિયાળુ ભવન બનાવવાનું આહવાન કર્યું હતું.

  તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની આ સરકાર યુવાશક્તિની સ્કીલને બહાર લાવી તેને નિખારવા સ્ટેજ અને પ્લેટફોર્મ પૂરા પાડવાના નિર્ધાર સાથે કાર્યરત છે.

  શિક્ષણમંત્રીશ્રીએ યુવાશક્તિના સામર્થ્યને ઝળકાળવવા સ્ટાર્ટઅપ ઈનોવેશનની તકો ઈજનેરી વિદ્યાશાખા સિવાયની અન્ય શાખાઓ માટે આપવાની નેમ પણ દર્શાવી હતી.

  શ્રી જિતુભાઈ વાઘાણીએ એમ પણ કહ્યુ કે, અમે મતની નહિ સેવાની રાજનિતીને વરેલા છીએ અને એટલે જ શિક્ષણ, આરોગ્ય સહિત સર્વગ્રાહી વિકાસ માટે પૂરી સંવેદનાથી કર્તવ્યરત છીએ.

  આ ઈ-લોકાર્પણ અવસરે ધારાસભ્યશ્રી સુનિલભાઈ, તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ વસાવા, આદિજાતિ વિકાસ નિગમના નિયામકશ્રી સહિત અગ્રણીઓ, જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ યુવા વિદ્યાર્થીઓ અને કોલેજ પરિવાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

  Source: Information Department, Gujarat