આ સરકારે દલિત-વંચિત-શોષિત-પીડિત સૌના કલ્યાણનો જ ધ્યેય રાખ્યો છે: મુખ્યમંત્રીશ્રી
સંશાધનો પર પહેલો અધિકાર ગરીબોનો છે-અમારી સરકાર ઉદ્યોગપતિ-કોર્પોરેટ જગતની નહિ, ગરીબ-ગામડું-દલિતો-વંચિતોની સરકાર છે: વિજયભાઈ રૂપાણી
મતબેંક-તુષ્ટિકરણની રાજનીતિ નહિ, ગરીબને ઓટલો-રોટલો-રોજગાર મળે તેવી પારદર્શી શાસન ભાવના છે: મુખ્યમંત્રીશ્રી
સૂરત, બુધવાર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગામડું, ગરીબ, દલિત અને વંચિતોની ચિંતા કરનારી આ સરકાર છે. સંશાધનો પર સૌ પ્રથમ અધિકાર આવા વર્ગોનો છે. વોટબેંક કે તુષ્ટિકરણની રાજનીતિ કરનારી નહિ, પરંતુ સૌના સાથ અને સૌના વિકાસની સંસ્કૃતિને વરેલી સરકાર છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ ગરીબોને ગેસકિટ, પોતીકું આવાસ, ઉજ્જવલા યોજના અન્વયે LED બલ્બ, આરોગ્ય સહાય જેવી અનેકવિધ સહાયથી સર્વાંગી વિકાસ માટે પ્રેરિત કર્યા છે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અન્વયે સુરત શહેર ગ્રામીણ વિસ્તારની ૧૦ હજાર નારીશક્તિને ગેસ કનેક્શન આપવાની જનસુખાકારી યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યુકે ગરીબ પરિવારની માતા-બહેનોને ચૂલાના ધુમાડાથી મુક્તિ અપાવી રોગમુક્ત રાખવા પાંચ વર્ષમાં પાંચ કરોડ ગેસ કનેક્શન ઉજ્જવલા યોજના અન્વયે આપવાની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રતિબદ્ધતામાં ગુજરાત સૂર પૂરાવે છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ તેમની સરકારના ગરીબલક્ષી નિર્ણયોની ભૂમિકા આપતા કહ્યું કે, મા વાત્સલ્ય કાર્ડથી ગરીબ પરિવારોને બે લાખનું આરોગ્ય કવચ મોંઘીદાટ દવાઓ સરળતાથી સસ્તાભાવે ઉપલબ્ધ કરાવવા જનઔષધિ સ્ટોર્સ શરૂ કર્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગરીબ પરિવારોને રોટલા સાથે ઓટલો પણ આપવાની નેમ સાથે ગ્રામીણ ગરીબોને અફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત પાંચ લાખ આવાસો આપવાના છીએ. ‘અમે ઘરનું ઘરના સપના બતાવીને લોકોને છેતરનારા નથી’ તેમ સ્પષ્ટપણે જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસની મતબેંકની રાજનીતિની આલોચના કરી હતી.
તેમણે ઉમેર્યુ કે, ગરીબ પરિવારના યુવાનો સહિત યુવાપેઢીને રોજગારી આપી આર્થિક સક્ષમ બનાવવા ૧ લાખ યુવાનોને રોજગાર અવસર આપીશું. રોજગાર મેળા દ્વારા દોઢ લાખ લોકોને રોજગારી આપી છે. હવે મહિલા રોજગાર મેળા દ્વારા બહેનોને પણ રોજગારી આપવાનો ઉપક્રમ શરૂ કર્યો છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ બાંધકામ શ્રમિકો-મજદૂરો માટે અન્નપૂર્ણા યોજના અન્વયે માત્ર રૂ.૧૦ માં ભોજનથાળી આપવાની યોજનાની વિશદ ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગરીબ-મધ્યમવર્ગીય પરિવારોના સંતાનોને ઉચ્ચ શિક્ષણ પરવડે તેવી ફી થી મળે તે માટે ફી રેગ્યુલેશન એક્ટ લાવ્યા છીએ તેની સમજ આપી હતી.
આ વેળાએ રાજ્યના મહેસુલ અને શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, આઝાદી પછી પહેલીવાર ઉજ્જવલા જેવી ગરીબલક્ષી યોજના પ્રજાને મળી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમાજની ગરીબ પરિવારોની મહિલાની ચિંતા કરી મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અમલી બનાવીને મહિલાઓને ચૂલા પર રસોઇ કરવામાંથી મુક્તિ આપવાની સાથે લાકડા, છાણા અને ધૂમાડામાંથી મુક્તિ આપી તેના અને પરિવારના આરોગ્યની કાળજી લીધી છે. દેશના દોઢ કરોડ ઉપરાંત સંપન્ન પરિવારોએ પ્રધાનમંત્રીશ્રીની અપીલથી ગેસની સબસીડી જતી કરી છે. જેના નાણાંમાંથી ગેસ જોડાણથી વંચિત બીપીએલ પરિવારોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ઘરેલુ ગેસ જોડાણ પૂરા પાડવામાં આવી રહ્યા હોવાનું જણાવી રાજ્ય સરકાર ગરીબો માટે આજીવન મા-બાપની ભૂમિકા નિભાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સ્વાગત પ્રવચન કરતા કલેકટરશ્રી મહેન્દ્ર પટેલે સુરત જિલ્લામાં ઉજ્જવલા યોજનાની કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં પુરવઠાતંત્ર દ્વારા ગામ અને તાલુકાવાર ટીમો બનાવી ૨,૪૦,૦૦૦ પરિવારોના ઘરે ઘરે જઈ લાયક લાભાર્થીઓનો સર્વે હાથ ધરી માત્ર ૨૦ દિવસમાં જ ૧૦ હજાર મહિલા લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપ્યા હોવાનું જણાવી રાજ્ય સરકારના જનહિતલક્ષી અભિયાનો અને મહિલા સશક્તિકરણની દિશામાં લીધેલા સર્વગ્રાહી પગલાંની વિગતો આપી હતી.
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી નાનુભાઈ વાનાણી, સંસદીય સચિવશ્રી પૂર્ણેશભાઈ મોદી, મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયા, સાંસદ સર્વશ્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશ, સી.આર.પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરેશભાઈ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી હર્ષ સંઘવી, શ્રીમતી ઝંખનાબેન પટેલ, શ્રીમતી સંગીતાબેન પાટીલ, ઈશ્વરભાઈ પરમાર, પ્રફુલભાઇ પાનશેરીયા, શ્રી મુકેશભાઈ પટેલ, મોહનભાઈ ઢોડિયા, પક્ષ પ્રમુખ નીતિનભાઈ ભજિયાવાલા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.રાજેશ, ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ., ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ., હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.ના અધિકારીઓ સહિત મહિલા લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat