Latest News

મુખ્યમંત્રીશ્રીએ ૭૬૩ લાભાર્થીઓને વ્યવસાય માટે કર્યું રૂ. ૬.૪૨ કરોડથી વધુની ધિરાણ સહાયનું વિતરણ

  • સમાજમાં કોઈને માટે “અતિ પછાત” શબ્દ વાપરવાના બદલે જેમાંથી સ્વાભિમાન ઝળકે તેવો બીજો શબ્દ વાપરવો જોઈએ તેવો સંવેદનાસભર અભિગમ દર્શાવતા મુખ્યમંત્રીશ્રી
  • કેશલેસ વ્યવહારનો પ્રચાર-પ્રસાર કરતી વાનનું પ્રસ્થાન, વાન દરેક જિલ્લામાં ફરીને કેશલેસ વ્યવહાર અંગે માહિતી આપશે
  • સામાજિક સમરસતા દ્વારા સમાજના સૌ વર્ગના કલ્યાણ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
  • સામાજિક ઉત્કર્ષ માટે શિક્ષણ અપનાવવા તથા વ્યસનોથી દૂર રહેવા ઉપર મૂક્યો ભાર

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતે ગુજરાત અનુસૂચિત જાતિ અતિપછાત વિકાસ નિગમના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં ૭૬૩ લાભાર્થીઓને મહિલા સમૃદ્ધિ યોજના તથા માઈક્રોક્રેડીટ ફાઈનાન્સ, પેસેન્જર ઓટોરીક્ષા સહિતની યોજનાઓ અંતર્ગત વ્યવસાય માટે રૂ. ૬.૪૨ કરોડથી વધુની ધિરાણ સહાયનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે લોકભાગીદારીથી તૈયાર કરવામાં આવેલ કેશલેસ વ્યવહારનો પ્રચાર-પ્રસાર કરતી વાનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફરીને કેશલેસ નાણાકીય વ્યવહાર અંગે લોકોને માહિતી આપશે.

ગુજરાત અનુસૂચિત જાતિ અતિપછાત વિકાસ નિગમના નામમાં  “અતિ પછાત” શબ્દ વાપરવાના બદલે જેમાંથી સ્વાભિમાન ઝળકે તેવો બીજો શબ્દ વાપરવો જોઈએ તેવો સંવેદનાસભર વિચાર આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ રજૂ કર્યો હતો. આ અંગે આવનાર દિવસમાં નવો શબ્દ લાવવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ બાબાસાહેબ આંબેડકરનું સ્મરણ કરીને સામાજિક સમરસતા દ્વારા સમાજના સૌ વર્ગના કલ્યાણ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમાજના સૌ વર્ગના લોકોને વિકાસના સમાન અવસરો આપીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “સૌનો સાથ, સૌનો વિકાસ” ના મંત્રને સાકાર કરવાનો સંકલ્પ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

કોઈપણ સમાજે આગળ આવવું હોય તો શિક્ષણ અત્યંત અગત્યનું પરિબળ છે તે બાબત પર મુખ્યમંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત સામાજિક ઉત્કર્ષ માટે વ્યસનોથી દૂર રહેવા ઉપર પણ મુખ્યમંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો અને વ્યસનમુક્તિ માટે તાજેતરમાં જ રાજ્ય સરકારે બનાવેલા દારૂબંધીના કડક કાયદાઓની ભૂમિકા આપી હતી.

લાભાર્થીઓને આ સહાય આપવાનો સુંદર કાર્યક્રમ આયોજિત કરવા બદલ મુખ્યમંત્રીશ્રીએ નિગમના અધિકારીઓને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી આત્મારામ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat