Latest News

જામનગરના જોડીયામાં સી વોટર ડીસેલિનેશન પ્લાન્ટ ની પ્રાઈસ ડિસ્કવરી માટે મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી

  • દૈનિક ૧૦ કરોડ લીટર સમુદ્રનું ખારાશવાળું પાણી ડીસેલિનેશનથી પીવા યુક્ત બનશે
  • જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, કચ્છના શહેરી ગ્રામ્ય ક્ષેત્રોમાં પાણી પહોંચાડવાનું પ્રજાભિમુખ કદમ  

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્ર-કચ્છના શહેરી ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની આંશિક જળસલામતિ માટે એક નવતર અભિગમ રૂપે જામનગરના જોડીયામાં સી વોટર ડીસેલિનેશન પ્લાન્ટની રચના માટે પ્રાઈસ ડિસ્કવરી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ વિસ્તારોમાં નર્મદા જળ આધારિત સિંચાઈ અને પાણીની જરૂરિયાતો ઉપરાંત જળસલામતિ માટે આ ડીસેલિનેશન પ્લાન્ટ રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમની પ્રતિબદ્ધતા રૂપે ભવિષ્યમાં સાકાર થશે.

આ પ્લાન્ટથી સમૂદ્રના ખારાશવાળા ૧૦ કરોડ લીટર પાણીનું દૈનિક ડી સેલિનેશન કરીને જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, કચ્છ જિલ્લાઓના શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં પહોંચાડાશે.

રાજ્ય સરકાર પબ્લિક પ્રાયવેટ પાર્ટનર શીપના ધોરણે આ પ્લાન્ટ કાર્યરત કરવાની છે. જોડીયાના આ ડીસેલિનેશન પ્લાન્ટનું પાણી કનેક્ટિંગ પાઈપલાઈનથી ૫૫ કિમી દૂર મોરબીના હીરાપર સંપ ખાતે પહોંચાડવામાં આવશે. ત્યાંથી સંબંધિત જિલ્લાઓના ગામો-શહેરોને પહોંચાડાશે.

આ ડીસેલિનેશન પ્લાન્ટના પરિણામે હાલ દરિયાના ખારા પાણીને પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવાની પ્રક્રિયા હાથ ધરી સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારમાં પેય જળ ભવિષ્યમાં પૂરૂં પાડવાનું રાજ્ય સરકારનું દિશાદર્શક આયોજન છે.

Source: Information Department, Gujarat