• ૫૦ આદિજાતિ તાલુકાઓની ૨૫૮૪ ગ્રામ પંચાયતો હેઠળની ૪૫૦૩ ગ્રામસભાઓને ગૌણ વન પેદાશો અને ગૌણ ખનિજો
• સહિત વિકાસના નિર્ણયોનો મળ્યો વિશેષ અધિકાર
• પુનિયાવાંટમાં રૂા. ૧૮ કરોડથી વધુ રકમની એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલનું લોકાર્પણ
• વન આદિજાતિ અને પંચાયત વિભાગની યોજનાઓ હેઠળ રૂા. ૨૦ કરોડના ચેક્સ અને મંજુરીપત્રોનું લાભાર્થીઓને વિતરણ
શ્રી વિજયભાઇ રૂપાણી:
• આદિજાતિ વિસ્તારોમાં મેડીકલ કોલેજીસ શરૂ કરાશે-આગામી દસ વર્ષમાં આદિજાતિ તબીબો- ઇજનેરો-વૈજ્ઞાનિકો રાજ્યના વિકાસમાં આગવું યોગદાન આપશે
• આ સરકાર વંચિતો-પીડિતો-આદિજાતિઓના સર્વાંગી હિતને સમર્પિત સરકાર છે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના પ૦ આદિજાતિ તાલુકાની ૨૫૮૪ ગ્રામ પંચાયતોની ૪પ૦૩ ગ્રામસભાઓને ગૌણ વન પેદાશો, ગૌણ ખનિજો સહિત વિકાસના બહુધા નિર્ણયો સ્થાનિક કક્ષાએ જ લેવાના વિશેષાધિકાર આપ્યા છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યની આદજાતિ- વનબંધુઓના વિકાસના સ્વર્ણિમ યુગનો પ્રારંભ આ સરકારે કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત પંચાયતની જોગવાઇઓ (અનુસૂચિત વિસ્તારોમાં વસ્તરણ) અધિનિયમ હેઠળના પેસા નિયમો-ર૦૧૭નું અમલીકરણ છોટાઉદેપૂરમાં યોજાયેલા વન અને વનબંધુ કલ્યાણમેળાથી કરાવ્યું હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ વનબંધુ વિસ્તારના આઠ જિલ્લાઓના આ કલ્યાણ મેળામાં જણાવ્યું કે, ‘‘કુદરત અને જંગલ એ આદિજાતિઓની જીવનધારા છે. પોતાના વિકાસ માટે તેના ઉપયોગના નિર્ણયો લેવાના વિશેષ અધિકારો આદિજાતિ બાંધવોને આપવા આજે આ સરકાર આવી છે.
તેમણે પુનિયાવાંટ ખાતે આદિજાતિ વિદ્યાર્થીઓના શિક્ષણ દ્વારા સશક્તિકરણ માટે ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા રૂા. ૧૮ કરોડથી વધુ રકમના ખર્ચે સ્થાપિત અને આધુનિક શૈક્ષણિક સગવડોથી સુસજ્જ એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલનું લોકાર્પણ કર્યુ હતું અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આવી એકલવ્ય શાળાઓ ૮૦ સ્થળોએ શરૂ કરીને રાજ્ય સરકારે ૨૮ હજારથી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણની શ્રેષ્ઠત્તમ વ્યવસ્થાઓ કરી છે. તેમ તેમણે ઉમેર્યુ હતું.
રાજ્ય સરકારે રાજ્યના આદિવાસી વિસ્તારોમાં મેડીકલ કોલેજીસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આવનારા દિવસોમાં આ મેડીકલ કોલેજીસ કાર્યાન્વીત થતાં આગામી દસ વર્ષમાં આદિજાતિ વિદ્યાર્થીઓ તબીબો, ઇજનેરો અને વૈજ્ઞાનિકો બનીને રાજ્યના વિકાસમાં આગવું યોગદાન આપશે.
મુખ્યમંત્રીશ્રીએ પેસા એક્ટનું અમલીકરણ રાજ્યના આદિજાતિઓ માટે વિકાસનો સૂર્યોદય બનશે એવી શ્રધ્ધા વ્યક્ત કરી હતી.
તેમણે આ કાયદાથી આદિજાતિ વિસ્તારોના ગામોની ગ્રામસભાઓને જે તે વિસ્તારમાં થતી ગૌણ વન પેદાશો, ગૌણ ખનિજોના ઉપયોગ અને વેચાણ તેમજ નફાના વિતરણના, તેને લગતા કોન્ટ્રક્ટ મેળવવાના, પોતાના ઉપયોગ માટે વન પેદાશોના વપરાશના, જે તે તાલુકામાં મળતી ગૌણ ખનિજોની આવકના આદિજાતિ વિકાસ માટે વપરાશના, ૭૩એએની મંજુરી તેમજ જમીન સંપાદનમાં ગ્રામસભાના અનિવાર્ય પરામર્શના, ગામ માટે અલાયદુ સુરક્ષા દળ બનાવવાના, ક્વોરી લીઝ સ્થાનિક આદિજાતિ અને નિવાસીઓને પ્રદાન કરવાના તેમજ વ્યસનમુક્ત સમાજ રચના માટે નિર્ણયો લેવાના મળનારા વિશેષાધિકારોની ખૂબ જ વિગતવાર જાણકારી આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, આ કાયદાના અમલથી ખાનગી શાહુકારોનો નાણાં ધીરધાર માટેનો વ્યાજ દર જાતે નક્કી કરવાનો અધિકાર સમાપ્ત થશે. લેવા પાત્ર વ્યાજનો દર પણ ગ્રામસભા જ નક્કી કરશે. આ ઉપરાંત આદિજાતિ વિસ્તારોના તળાવોના પાણીનો ઉપયોગ કરવા અને કાંસોના સમારકામ જેવા નિર્ણયો પણ ગ્રામસભા જ લઈ શકશે..
પેસા એક્ટનું અમલીકરણ ગૌણ ખનીજો, ગૌણ વન પેદાશો ઇત્યાદીના વેચાણની બાબતમાં વચેટિયાઓ અને દલાલોની દખલનો ખાત્મો કરશે એમ તેમણે ઉમેર્યુ હતું.
રાજ્ય સરકાર સંપૂર્ણ દારૂબંધી માટે કટીબધ્ધ છે એવી લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, દારૂના વ્યસનથી પરિવારો અને મહિલાઓને વેઠવી પડતી વેદનાઓનો અંત આણવા દારૂબંધીના કાયદાને અત્યંત કડક બનાવ્યો છે અને દારૂના ઉત્પાદન, વેચાણ સહિત વ્યસનનો વેપાર કરનારાઓને નાથવા માટે કડકમાં કડક સજાઓની જોગવાઇ કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ આદિવાસી વિસ્તારોમાં જોવા મળતા અને રોગીને નબળો બનાવતા સિકલસેલ એનીમિયાની દવાખાનાઓમાં મફત સારવારની અને તેના રોગીઓને પેન્શન આપવાની વ્યવસ્થા સહિતની વિવિધ લોક કલ્યાણલક્ષી નિર્ણયોની વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી.
તેમણે જણાવ્યુ હતું કે, અંતરિયાળ આદિજાતિ વિસ્તારોની શિક્ષણ સંસ્થાઓમાં ખૂટતા શિક્ષકોની અગ્રતાક્રમે નિમણૂંક કરાશે અને ભોજન વગર શિક્ષણની સુવિધાઓ આપતી ડ્રાય હોસ્ટેલની સુવિધાને સ્થાને ભોજન સહિતની હોસ્ટેલ શિક્ષણ સુવિધાઓ આપી છે. આદિવાસી ખેડૂતોના સશક્તિકરણ માટે શરૂ કરવામાં આવેલી સિંચાઇ-પીવાના પાણીની સુવિધાઓ આપતી રૂા. ૪૮૦૦ કરોડની યોજનાની તેમણે જાણકારી આપી હતી
મુખ્યમંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે આ કાર્યક્રમમાં વન આદિજાતિ અને પંચાયત વિભાગની સહાય યોજનાઓ હેઠળ રૂા. ૨૦ કરોડથી વધુ રકમના ચેક્સ અને મંજુરીપત્રોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત રૂા. ૯૮ કરોડથી વધુ રકમના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની જાહેરાત કરવામાં આવી હતી. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ૦૬ જિલ્લાઓના ૫૧૧૨ લાભાર્થીઓને એફ.આર.એ.ના લાભો સુલભ બનાવવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ પેસા એક્ટ-૨૦૧૭ના નિયમોની સરળ જાણકારી અને માર્ગદર્શન આપતી વિશેષ પુસ્તિકાનું વિમોચન કર્યુ હતું.
આ અવસરે કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રીશ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતું કે આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી તેઓના સપનાઓ સાકાર કરવામાં આવ્યા છે.
રાજ્યના વન અને આદિજાતિ વિકાસ વિભાગના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યુ હતું કે, આદિવાસી વિસ્તારમાં વનબંધુ યોજનાને લીધે આદિજાતિઓના જીવનમાં બદલાવ આવ્યો છે. સાથોસાથ રસ્તા, પીવાના પાણી, આરોગ્ય અને વીજળી સગવડ પુરી પાડવામાં આવી છે. આદિવાસી વિસ્તારના બાળકોમાં કુપોષણ મટાડવા દૂધ સંજીવની યોજનાને લીધે અસરકારક પરિણામો આવ્યા છે એટલું જ નહીં આદિવાસી સમાજ સંગઠિત બની કુરિવાજો અને વ્યસનમુક્ત બનવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે રાજ્યકક્ષાના વન અને આદિજાતિ વિકાસ વિભાગના મંત્રીશ્રી શબ્દશરણ તડવી, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી જ્યંતીભાઇ કવાડિયા, રાજ્યના વન અને આદિજાતિ વિકાસ વિભાગના સંસદીય સચિવશ્રી જ્યંતીભાઇ રાઠવા, પશુપાલન અને ગૌસંવર્ધનમંત્રીશ્રી બચુભાઇ ખાબડ, સાંસદ રામસિંહ રાઠવા, મનસુખ વસાવા, ધારાસભ્યશ્રીઓ નીમીષાબેન સુથાર, મોતીસિંહ વસાવા, રમેશભાઇ કટારા, જિલ્લા પદાધિકારીશ્રી જશુભાઇ ભીલ, વન વિકાસ નિગમના ચેરમેન શ્રી રમીલાબેન બારા, તેમજ કુબેરભાઇ ડીંડોર, આદિજાતિ વિકાસ વિભાગના અગ્રસચિવશ્રી આર.સી.મીના, વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અગ્રસચિવશ્રી રાજગોપાલ, હેડ ઓફ ફોરેસ્ટના તેમજ અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી કુલદીપ ગોયલ, જિલ્લા કલેકટરશ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઔરંગાબાદકર, પદાધિકારી-અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આદિજાતિ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat