Latest News

જીતો આવાસ યોજના અંતર્ગત ૩૬ લાભાર્થીઓની આવાસ સહાયનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ ખાતે જીતો (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગનાઇઝેશન) ના જીતો આવાસ લોકાર્પણ કાર્યક્રમમાં કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના દરેક નાગરિક પાસે ઘરનું ઘર હોય તે નિર્ધાર કરવામાં આવ્યો છે. જીતો દ્વારા જૈન સમાજના ૩૬ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ સહાય આપીને પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પમાં સહભાગી બનવા બદલ ની પહલને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આવકારવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રી એ આ કાર્યક્રમમાં રાજ્યના સંત-મહંતો, સાધુઓને પણ કોરોના રસીકરણ કરાવવા માટેની વ્યવસ્થા ઉભી કરવા માટેની જાહેરાત કરતાં કહ્યુ કે, રાજ્યના ધારાસભ્યશ્રીઓ પોતાના વિસ્તારના અગ્રણીઓ તેમજ તમામ સંતો-મહંતો, સાધુઓની યાદી તૈયાર કરીને તેમના રસીકરણની વ્યવસ્થા ઉભી કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી એ કહ્યું કે, પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે જેના પર કાબુ મેળવવા સરકાર તમામ પ્રયત્નો કરી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતુ. છેલ્લા એક વર્ષથી રાજ્ય સરકારની કોરોના સામેની લડત ચાલુ હોવાથી ગુજરાત રાજ્યમાં અન્ય રાજ્યની સરખામણીએ કોરોના મૃત્યુદર ઓછો રહ્યો હોવાનું તેઓએ ઉમેર્યુ હતુ.

વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યના દરેક નાગરિકને કોરોના સંદર્ભે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ દિશાનિર્દેશોનું પાલન કરવાની અપીલ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, કોરોના સામેની લડતમાં માસ્ક અને વેક્સિન જ હાલ શ્રેષ્ઠ હથિયાર અને ઇલાજ છે. દરેક નાગરિકે માસ્ક અચૂક થી પહેરવું અને વહેલી તકે કોરોના રસીકરણ કરાવવા મુખ્યમંત્રી શ્રી એ અપીલ કરી હતી.

કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રી એ કહ્યું હતુ.

મુખ્ય મંત્રી શ્રી “જીતો આવાસ યોજના” અંતર્ગત લાભ મેળવી રહેલા ૩૬ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે, જીવનપર્યત સંઘર્ષ કરતાં ગરીબ પરિવારો માટે ઘરનું ઘર એ એક સ્વપ્ન સમાન હોય છે. વ્યક્તિ દિવસ રાત મહેનત કરીને ઘરના માલિક બનવાની ઝંખના સેવતો હોય છે અને આવનારી પેઢીને વારસામાં તે ઘર આપી શકે તે દિશામાં પ્રય્તનો કરતો હોય છે ત્યારે જીતો દ્વારા કરવામાં આવેલી જીતો આવાસ યોજનાની આ પહેલ આવા ઘણાંય પરિવારો માટે એક આશીર્વાદ સ્વરૂપ બની રહેશે

સમાજોત્થાન માટે “જીતો સંસ્થા” અનેકવિધ કાર્યો કરી રહી હોવાનું જણાવી સંસ્થા દ્વારા સમાજના વિકાસ લક્ષી વિવિધ પ્રોજક્ટ કાર્યાન્વિત હોવાનું મુખમંત્રીશ્રીએ જણાવ્યુ હતું. આવાનારા સમયમાં ખૂબ જ ટૂંકા ગાળામાં ૧૦૦૦ થી વધુ જરૂરિયાતમંદ લોકોને આ સંસ્થા દ્વારા લોકભાગીદારીથી આવાસોની સહાય આપી શકાય તે મુખ્યમંત્રી શ્રી એ આશા વ્યક્ત કરી હતી.

ઘર નુ ઘર મેળવ્યા બાદ વ્યક્તિઓએ પ્રગતિ કરવા હેતુ આત્મનિર્ભર બનવા તરફ પ્રેરણા આપી મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે, આત્મનિર્ભર અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સ્કીલ લોકો માટે અનેકવિધ પ્લેટફોર્મ તૈયાર કરાવમાં આવ્યા છે. તકસાધુઓને આ તમામ પ્લેટફોર્મનો લાભ લઇ જીવનમાં પ્રગતિ કરવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહાવીર સ્વામિના વિવિધ સિધ્ધાંતો વિશે જણાવી કહ્યું કે, જૈન સમાજના લોકો હરહંમેશથી અપરિગ્રહી એટલે કે બલિદાન અને સમર્પણ ભાવનાને વળગીને સહધાર્મિક ભાઇ-બહેનોને સહિત સમાજના અનેક લોકોને મદદ કરતા રહ્યા છે. સમાજના સુખે સુખી અને સમાજના દુખે દુખી તેવી ભાવનાને જૈન સમાજે અંત:કરણ પૂર્વક અપનાવ્યુ છે.

ધર્મ અર્થ કામ અને મોક્ષમાં અંતિમ લક્ષ્ય મોક્ષને રાખવામાં આવ્યુ છે જે વિશે જણાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યુ કે , મોક્ષની પ્રાપ્તિ માટે વ્યક્તિએ જીવનમાં દયા, અનુકંપા , કરૂણાનો ભાવ અપનાવવો જરૂરી બની રહે છે. આ તત્વોના કારણે જ આપમેળે મોક્ષની પ્રાપ્તિ થઇ શકે છે તેમ ગ્રંથોમાં કહેવાયુ છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ માં આઇ.આઇ.એમ, એન.આઇ.ડી, નીફ્ટ જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના કારણે અમદાવાદ શહેર એજ્યુકેશનનું હબ હોવાનું જણાવ્યુ હતુ.

તેઓએ જૈન સમાજના અગ્રણિઓને અમદાવાદ તેમજ અન્ય શહેરમાં સમાજના દિકરા-દીકરીઓ માટે છાત્રાલય બનાવવા માટેની દિશામાં પ્રયત્ન કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે જીતો સંસ્થાના ચેરમેન, પ્રમુખ શ્રી, જૈન સમાજના અગ્રણિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat