Latest News

CM highlights Gujarat’s all-round growth in Governing council meet of NITI Aayog

  • ગુજરાતમાં કૃષિ ઉત્પાદન ક્ષેત્રે પાંચ ગણો વધારો
  • મજૂર કલ્યાણ, ઉદ્યોગસાહસિક્તા અને કૌશલ્ય વર્ધનને જોડવા વિવિધ પગલા ભરવામાં આવ્યા
  • નાગરિકો તરફથી સેવા સેતુ કાર્યક્રમને અભૂતપૂર્વ સકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો
  • શહેરી વિસ્તારોમાં ૧૦૦% ઓડીએફ (ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત ક્ષેત્ર) હાંસલ કરવામાં સર્વોચ્ચ સ્થાનની પ્રાપ્તિ
  • ડિજીટલ ઇકોનોમી અને આધાર બેઝડ ડિજીટલ વ્યવહારોના અમલીકરણમાં ત્વરીત કાર્યવાહી

આજે નવી દિલ્હી ખાતે યોજાયેલી નીતી આયોગની ત્રીજી ગવર્નીંગ કાઉન્સિલ બેઠકમાં ઉપસ્થિત રહેલા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું હતું કે, ગુજરાત રાજ્યમાં ઔદ્યોગિક, કૃષિ અને સામાજીક ક્ષેત્રોમાં સાતત્યપૂર્ણ સમતોલ વિકાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ગુજરાતે દેશમાં ઉચ્ચતમ પ્રગતિશીલ ક્ષેત્ર તરીકે નામના મેળવી છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતે દેશમાં “સુશાસન” અને “વિકાસ મોડેલ” તરીકેની નવી વ્યાખ્યા ઉજાગર કરી છે.

શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રજાની વધુ સારી રીતે સેવા કરવામાં ગુજરાત સુશાસન અને સાતત્યપૂર્ણ રીતે પ્રજાલક્ષી કાર્યક્રમોની ડિઝાઇન માટેના ઉચ્ચતમ માનદંડો વિક્સીત કરવા પ્રતિબદ્ધ છે. કેન્દ્ર સરકારના વિવિધ કાર્યક્રમો અને અભિયાનોના અમલીકરણમાં તેની સાથે કદમથી કદમ મિલાવતું ગુજરાત આગળ ધપી રહ્યું છે.

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આહવાનથી યોજાયેલી નીતી આયોગના ગવર્નીંગ કાઉન્સીલના સભ્યોને સંબોધતાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યે કૃષિ ક્ષેત્રે બાગાયત અને રોકડ પાકમાં સાતત્યપૂર્ણ ઉચ્ચતર વિકાસ હાંસલ કર્યો છે.

કૃષિ ક્ષેત્રે પાક, ઉત્પાદક્તામાં વધારો અને કૃષિ રોકાણમાં ઘટાડો, સંશોધન ક્ષમતામાં વિકાસ, હાઇ-ટેક સિંચાઇ પ્રણાલીઓ, ડેરી વિકાસ વગેરે જેવા ૧૭ વિષયો પરત્વે સંશોધન માટે વૈજ્ઞાનિક આકારણી અને પ્રમાણભૂત અવકાશનો પ્રારંભ ગુજરાત કરી જ ચૂક્યું છે.

કૌશલ્ય વર્ધન વિશે બોલતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતે મજૂર કલ્યાણ, ઉદ્યોગસાહસિક્તા અને કૌશલ્ય વર્ધનના જોડાણ માટે વિવિધ પગલા ભર્યા છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૯માં ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશનની સ્થાપના કરી હતી, રાજ્યના દરેક જિલ્લાઓમાં કૌશલ્ય વર્ધન તેમજ ઉદ્યોગ સાહસિક્તાની પ્રવૃત્તિઓની દેખરેખ, સંકલન અને કેન્દ્રીકરણનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે. તેમણે રાજ્યમાં ઉદ્યોગલક્ષી તાલીમ કાર્યક્રમ અને એપ્રેન્ટીસશીપ અધિનિયમના અસરકારક અમલીકરણ વિશે વિસ્તૃત છણાવટ કરી હતી.

ઉચ્ચતર શિક્ષિત અને કુશળ યુવાનોની પેઢી તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્તાં શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે આર્થિક વિકાસના અમારા આ મોડેલમાં ગ્રામીણ ક્ષેત્રે આજીવિકા તેમજ રોજગારીના સર્જન માટેની ખાતરી રાખવામાં આવે છે. રોજગારી પુરી પાડવામાં ગુજરાત રાજ્ય અગ્રેસર છે. વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન રોજગાર વિનીમય કચેરીઓ મારફતે ૬ લાખ ઉપરાંત ઉમેદવારોને રોજગારી પ્રદાન કરવામાં આવી હતી. ફેબ્રુઆરી ૨૦૧૭માં રાજ્ય સરકાર દ્વારા આયોજીત મેગા જોબ ફેર્સમાં પણ સમગ્ર રાજ્યમાં ૧ લાખથી વધુ યુવાનોને રોજગારી પ્રદાન કરવામાં આવી હતી.

કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ (સીએસએસ)ના સુયોજન વિશે ઉલ્લેખ કરતાં શ્રી રૂપાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અમે વર્ષ ૨૦૧૭-૧૮નું ગુજરાતનું પરિણામલક્ષી બજેટ બહાર પાડ્યું છે, જેમાં  સીએસએસ તેમજ રાજ્ય સરકારની ૫૦૦ જેટલી વિવિધ યોજનાઓ માટે ક્ષેત્રીય પરિણામો અને ચોક્કસ ભૌતિક લક્ષ્યાંકો વર્ણવવામાં આવ્યા છે.

સ્વચ્છ ભારત અભિયાનમાં ગુજરાતે તેના શહેરી વિસ્તારોમાં ૧૦૦% ઓડીએફ (ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત ક્ષેત્ર) તેમજ પ્રાઇમરી તથા સેકન્ડરી કલેક્શન માટે ટીપીઆઇની સાથે-સાથે ૭૫,૮૦૦ વાહનો/સાધનો દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શનની ૧૦૦% સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગુજરાતના દરેક જિલ્લાઓમાં વિશેષ મુખ્યમંત્રી શ્રી સ્વચ્છતા નીધિનું ગઠન કરવામાં આવ્યું છે અને તેમાં દાન દ્વારા રૂ. ૩૨.૧૫ કરોડની પ્રાપ્તિ પણ થવા પામી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવા જીએસટી પ્લેટફોર્મ સાથે તેના પ્રવર્તમાન ટેક્સ માળખાના સંધાન માટે ગુજરાત સરકાર સંપૂર્ણ સજ્જ છે. તેના કરદાતા ટ્રેડીંગ સમુદાયમાં કોઇપણ પ્રકારની તકલીફ વિના ગુજરાત સરકારે ૮૭% એટલેકે ૪,૬૬,૦૦૦ જેટલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સપેયર્સની નોંધણી કરી છે. રાજ્ય સરકાર ટ્રેડ એસોસિએશન્સના સહયોગથી નાના વેપારીઓ અને કારોબારીઓને આ વ્યવસ્થા સાથે સાંકળવામાં મદદરૂપ બની રહી છે.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ડિજીટલ ઇકોનોમી અને આધારના અમલીકરણ બાબતે રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવેલા નક્કર પગલા વિશે પણ જણાવ્યું હતું. તેમણે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા સેવા સેતુ, જી-દવા, મુખ્યમંત્રી અમૃતમ અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના, જમીન સુધારણા, ડિજીટલ ટાઉનશીપ વગેરે જેવા ચાવીરૂપ અભિયાનો વિશે પણ છણાવટ કરી હતી.

શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે આદરણીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા નિયત કરવામાં આવેલા રૂ. ૨૫૦૦ કરોડના ડિજીટલ વ્યવહારોના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ગુજરાત સરકારે વિવિધ ઝુંબેશો ચલાવી છે. તેમણે જણાવ્યું હતું કે આધાર બેઝડ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમના ઉપયોગથી ૭૦,૦૦૦ વ્યાજબી ભાવની દુકાનોનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આવી સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે તેમ જણાવતાં તેમણે ગુજરાતની ૫૧ ટાઉનશીપ્સ, ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકા તેમજ ૪૫૦થી વધુ ગામડાઓ સો ટકા ડિજીટલ પેમેન્ટ ઇનેબલ્ડ બનાવવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

“સેવા સેતુ” દ્વારા નાગરિકોએ તાલુકા કે જિલ્લા કક્ષાની કચેરીઓમાં રઝળપાટ કર્યા વિના આવકના દાખલા, જાતિના પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ વગેરે જેવી રાજ્ય સરકારની વિવિધ સેવાઓ નાગરિકોના ઘર આંગણે પુરી પાડવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. આ અભિયાનને પ્રજા તરફથી અભૂતપૂર્વ સકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો છે અને તેનાથી સરકાર તથા નાગરિકો વચ્ચેના વાર્તાલાપ તેમજ નિકટતામાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું.

જ્યારે જેનરિક-ડ્રગ અવેરનેસ ફોર વાઇડર એક્સેપ્ટેબિલીટી (જી-દવા), એક એવી વિનામૂલ્ય મેડીકલ એપ છે કે જેને રાજ્ય સરકારે સાર્વત્રિક ધોરણે ઉપલબ્ધ જેનરિક મેડીસીન્સ પુરી પડાતી હોવાનો ડેટાબેઝ લોન્ચ કર્યો હતો, જેથી કરીને તબીબો દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતી મોંઘી દવાઓના વિકલ્પો (તેના જેવા મોલેક્યુલ્સ ધરાવતી સસ્તી દવા) નાગરિકો શોધી શકે.

આ બેઠકમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવશ્રી ડૉ. જે. એન. સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat