ગુજરાતમાં જનઆરોગ્ય સુખાકારીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો નવતર અભિગમ
હેલ્થ સર્વિસીસ મેનેજમેન્ટ સેન્ટર HSMC નું મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ
ગુજરાત એપિડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઇન્ફરમેશન સિસ્ટમ પોર્ટલ લોન્ચીંગ:-
રાષ્ટ્રિય અને રાજ્ય સ્તરની વિવિધ આરોગ્યલક્ષી યોજના-સેવાઓના ત્વરિત મોનિટરીંગ માટે HSMC સક્ષમ માધ્યમ
……
ગુજરાતમાં PMJAY અને મા કાર્ડ સહિતની રાષ્ટ્રિય અને રાજ્ય સ્તરની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનું મોનિટરીંગ હવે વધુ સુદ્રઢ અને સરળ બન્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના હેલ્થ સર્વિસીસ મેનેજમેન્ટ સેન્ટર HSMCનો શુભારંભ કરાવ્યો હતો.
રાજ્યના નાગરિકો, જરૂરતમંદ પરિવારો અને વ્યક્તિઓની આરોગ્ય સુખાકારીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો અભિનવ પ્રયોગ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે શરૂ કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રારંભ કરાવેલી આ સેવાના પરિણામે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ જેવી સગર્ભા માતા અને બાળકોની આરોગ્ય સેવા સુરક્ષાની યોજનાઓના લાભાર્થીઓને મળેલા લાભનું મોનિટરીંગ થઇ શકશે.
આ નવિન સેવા અન્વયે અર્લી ચાઇલ્ડ હૂડ ડેવલપમેન્ટ અંતર્ગત સગર્ભા માતાને પ્રસુતિ સુધી દર મહિને એક કોલ કરીને તેમજ બાળકના બે વર્ષ સુધી દર ૩ મહિને એક કોલ કરીને માતા-બાળકની આરોગ્ય સેવાઓ માટે કાઉન્સેલીંગ કરવામાં આવવાનું છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આરોગ્યલક્ષી સેવાઓમાં આ નવતર અભિગમનો પ્રારંભ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતીમાં કરાવ્યો હતો.
આ સેવાઓમાં કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમમાં લાભાર્થીઓને મળેલ લાભ, સેવાની ગુણવત્તા વગેરેનું પણ મોનિટરીંગ થશે.
રાજ્યમાં બિનચેપી રોગોના નિદાન સારવાર કેમ્પ અંતર્ગત બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સરના દર્દીઓને જે મફત નિદાન સારવાર અપાય છે તેનું પણ મોનિટરીંગ, સમીક્ષા આ HSMC દ્વારા કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ HSMCના નેજા તળે ગુજરાત એપિડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઇન્ફરમેશન સિસ્ટમ પોર્ટલ પણ લોંચ કર્યુ હતું.
આ પોર્ટલ રાજ્યની સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં ઉપલબ્ધ વેન્ટીલેટર, ઓક્સીજન બેડ અને અન્ય સામાન્ય બેડ ઉપલબ્ધિ વગેરેની સાચી જાણકારી-માહિતી લોકોને મળે તે માટે રોજબરોજ મોનિટરીંગ કરશે.
આ વિગતો મેળવવા માટે www.gujhealth.gujarat.gov.in અથવા www.germis.gujarat.gov.in વેબસાઇટ પરથી એપ્લીકેશન ડાઉનલોડ કરીને જરૂરી વિગતો ભરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
મુખ્યમંત્રીશ્રીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યમાં જન-જનને મળતી આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ અને સરળ બનાવવામાં આ સેવાઓનો પ્રારંભ સેતુરૂપ ભૂમિકા નિભાવશે.
Source: Information Department, Gujarat