પરીક્ષા પે ચર્ચા – છઠ્ઠી આવૃત્તિ
રાજ્યની વિવિધ શાળાઓના ૧૬.૪૦ લાખ વિદ્યાર્થીઓએ વડાપ્રધાનશ્રીનું પ્રેરણાદાયી માર્ગદર્શન મેળવ્યું
પરીક્ષાનો ડર દૂર કરવા મુખ્યમંત્રીશ્રીના હસ્તે વડાપ્રધાનશ્રી લિખિત ‘‘એક્ઝામ વોરિયર’’ બૂકનું વિતરણ
આત્મીય વિદ્યાલય ખાતે મુખ્યમંત્રીશ્રીનાએ ચિત્ર સ્પર્ધામાં વિજેતા બાળકોને ઇનામોથી નવાજ્યા
—————————-
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના વિદ્યાર્થીઓને આગામી પરીક્ષાઓ એકાગ્રતા, એકચિત્ત અને સ્થિર મનોસ્થિતીથી આપવાનું પ્રેરણા માર્ગદર્શન પરીક્ષા પે ચર્ચાની ૬ઠ્ઠી આવૃત્તિ દ્વારા કર્યુ હતું.
નવી દિલ્હીના તાલ કટોરા ઇન્ડોર સ્ટેડિયમથી વડાપ્રધાનશ્રીએ દેશના રાજ્યોના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા મનનીય માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાના આત્મીય વિદ્યાલયના ધોરણ-૧૦ અને ૧ર ના એક હજાર છાત્રો સાથે આ સંવાદ-માર્ગદર્શનમાં સહભાગી થયા હતા.
વડાપ્રધાનશ્રીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં દેશભરના છાત્રોને એવી શીખ આપી હતી કે, વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો બોજ વધી રહ્યો છે, ત્યારે આ બોજને હળવો કરવા વાલીઓએ પણ આ બાબતને જીવનનો સહજ હિસ્સો બનાવવો જોઈએ. જેથી જીવન ઉત્સવ અને ઉમંગપૂર્ણ બનશે તથા વિદ્યાર્થીને ઉત્કર્ષ તરફ લઈ જશે.
તેમણે કોઇપણ જાતના તણાવ, ચિંતા કે ભય રાખ્યા વિના પરીક્ષા આપવી જોઈએ તેવી હિમાયત વિદ્યાર્થીઓ સાથેના આ સંવાદમાં કરી હતી.
છાત્રોએ તેમની ભાવિ કારકીર્દી પ્રત્યે અત્યારથી જ સજાગ થઇ તૈયારીઓ કરવી જોઈએ તેવો વિચાર પણ વડાપ્રધાનશ્રીએ આપ્યો હતો.
વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે દરેક વાલીએ પોતાના બાળકોનું સાચું મૂલ્યાંકન કરી તેની ક્ષમતાને ઓળખવી જોઈએ. એટલું જ નહિ, છાત્રોને સ્માર્ટ હાર્ડ વર્ક કરવાની શીખ આપી અઠવાડિયામાં એક દિવસ ટેક્નોલોજીથી અલિપ્ત રહેવાનો અનુરોધ વડાપ્રધાનશ્રીએ કર્યો હતો.
વડોદરા શહેર અને જિલ્લામાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ૧૪૩૪ શાળાઓના ૨.૫૪ લાખ છાત્રો ઉપરાંત તેમના વાલીઓએ ભાગ લીધો હતો.
સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧ર ના મળી અંદાજે ૧૬.૪૦ લાખ વિદ્યાર્થીઓએ વડાપ્રધાનશ્રીના આ પ્રેરણાદાયી સંવાદ, માર્ગદર્શનનો લાભ મેળવ્યો હતો.
વડોદરામાં આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુકલા, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, મેયર અને ધારાસભ્યશ્રી કેયુર રોકડીયા, ધારાસભ્યશ્રી યોગેશ પટેલ, ચૈતન્ય દેસાઈ, મનીષાબેન વકીલ, શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઇ પટેલ, પ્રદેશ અગ્રણી શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ અને અશ્વિનભાઇ પટેલ, ભરતભાઇ ડાંગર, નગર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી હિતેશભાઇ પટ્ટણી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અશ્વિનભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી બી. એન. પાની, કલેકટર શ્રી અતુલ ગોર ,જિલ્લા વિકાસ અધિકારી ડૉ. રાજેન્દ્ર પટેલ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવાર પણ આ વેળાએ ઉપસ્થિતિ રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે એક્ઝામ વોરિયર અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવા સાથે વડાપ્રધાનશ્રી લિખિત એક્ઝામ વોરિયર પુસ્તક અર્પણ કરવામાં આવ્યું હતું.
Source: Information Department, Gujarat