Latest News

૮૦ લાખથી વધુ બાળકોને પોલિયોથી સુરક્ષિત કરવાના પોલિયો રસીકરણ અભિયાનનો મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રારંભ

ગુજરાતમાં ૨૦૦૭થી એક પણ પોલિયો કેસ નોંધાયો નથી : મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોલિયો રવિવાર અંતર્ગત રાજ્ય વ્યાપી પોલિયો રસીકરણનો ગાંધીનગર થી પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનમાં સમગ્ર રાજ્યમાં ૦ થી ૫ વર્ષની વયના ૮૦ લાખથી વધુ બાળકોને આવરી લેવાશે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે,  ૩૩૬૪૧ બૂથ અને ૬૭૨૮૨ ટીમ દ્વારા કુલ મળીને ૧ લાખ પ૩ હજાર આરોગ્ય કર્મીઓ આ અભિયાનમાં સેવા આપવાના છે. જે રીતે મતદાન માટે બુથ બનાવીને કોઈ મતદાર મતદાનથી વંચિત ન રહે તેની કાળજી લેવાય છે તેમ આ અભિયાનમાં પણ રાજ્યનું  ૦ થી  ૫ વર્ષનું એક પણ બાળક રસીકરણથી વંચિત  ન રહે તેની ચિંતા રાજ્ય સરકારે કરી છે એમ તેમણે ઉમેર્યું હતું.

વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, આ સઘન અભિયાનને કારણે ગુજરાતમાં વર્ષ-૨૦૦૭ પછી એક પણ પોલિયો કેસ નોંધાયો નથી.  ભવિષ્યમાં પણ ગુજરાતમાં કોઈ બાળકને પોલિયો ન થાય તે માટે સંકલ્પ કરીએ. વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, બાળકોના સર્વગ્રાહી આરોગ્ય રક્ષણ માટે ભારત સરકાર દ્વારા મિશન ઇન્દ્રધનુષ અન્વયે પંચગુણી રસી આપવામાં આવે છે. વ્યાપક રસીકરણથી ડીપ્થેરીયા, ધનુર, ઝેરી કમળો, ઊટાટીયું, ઇન્ફલ્યુએન્ઝા જેવા રોગથી બાળકનું રક્ષણ કરવાનો કાર્યક્રમ વ્યાપક બનાવ્યો છે.

સ્વસ્થ ગુજરાત–પોલિયોમુકત–તંદુરસ્ત ગુજરાત માટે દરેક માતા-પિતા પોતાના ૦ થી પ વર્ષના બાળકને આજે પોલિયો રવિવારે બે ટીપા અવશ્ય પીવડાવે તેવી અપીલ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. આ અવસરે આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, પાટનગરના મેયર શ્રીમતી રીટા બહેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરમાં પોલિયાના ટીપા પોતાના ભૂલકાઓને પીવડાવવા માતાઓ અને વાલીઓ  ઠંડી વચ્ચે પણ મોટી સંખ્યામાં આવ્યા હતા.

 

Source: Information Department, Gujarat