મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
રાજકોટ ખાતે યોજાયેલા મહેસૂલ વિભાગના સેમિનારમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ “લેન્ડ રેવન્યુ હિસ્ટ્રી ઇન ગુજરાત – અ કમ્પોડિયમ બૂક” નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના પ્રમુખ સંપાદક મહેસૂલ વિભાગના અગ્ર સચિવ શ્રી કે. શ્રીનિવાસ છે.
મુખ્યમંત્રીશ્રીએ આ તકે જણાવ્યું કે રાજ્ય સરકાર તમામ લોકોને ન્યાય મળે અને સ્પષ્ટ નિર્ણય થાય એ રીતે કામ કરી રહી છે.
આ બાબતે શ્રી રૂપાણીએ ઉમેર્યું કે ગુજરાતમાં શહેરી જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ફાજલ પડેલી જમીનમાં થયેલા રહેણાંક હેતુના બાંધકામો, સૂચિત સોસાયટીઓ હોય કે બિનખેતી, નવી જૂની શરતના કેસોમાં રાજ્ય સરકારે નિયમો, પ્રક્રીયા સરળ કર્યા છે અને નવા કાયદા પણ લાવી છે. જમીન મહેસૂલ અધિનિયમમા ૧૦૪ વર્ષે સુધારો આ સરકારે કર્યો છે.
લોકહિતમાં સ્પષ્ટ નિર્ણયો લેવામાં આવે, અરજદારોને ખોટી રીતે હેરાનગતિ ન થાય એવી કાર્યશૈલી રાજ્ય સરકારે વિકસાવી છે, તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં સ્થિતિ એવી હતી કે એક વિષય ઉપર જુદાજુદા અને વિસંગતતા ઉભી કરે એવા ઠરાવો હતા. આવા ઠરાવો એક કરી ન્યાયસંગત બનાવવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે મહેસૂલ વિભાગની કામગીરી એવી છે કે જો અરજકર્તાને ન્યાય મળે તો ન્યાલ થઇ જાય અને અન્યાય થાય તો પાયમાલ થઇ જાય. ટેક્નોલોજીની મદદથી પ્રક્રીયા સરળીકરણ કરી મહેસૂલ વિભાગમાં બિનપ્રમાણિક્તા રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ બૂકનું વિમોચન કરી કહ્યું કે આ પુસ્તક મહેસુલી અધિકારીઓને ચોક્કસાઇભર્યા અને ઝડપી નિર્ણયો લેવામાં મદદરૂપ બનશે. તેમણે આ પુસ્તકના આલેખન બદલ મહેસૂલ વિભાગ અને મ. સ. યુનિવર્સિટીને અભિનંદન પાઠવ્યા હતા. મહેસૂલ અગ્રસચિવ શ્રી કે. શ્રીનિવાસનું સન્માન પણ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.
મહેસૂલ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યુ હતું કે મહેસુલ વિભાગ માટે કંમ્પેડિયમ ઓફ હીસ્ટ્રી લેન્ડ રેવન્યુ એડમીન ઇન ગુજરાતએ માત્ર કોઇ ગ્રંથ કે પુસ્તક જ નથી. પરંતુ મહેસુલની ગીતા છે. રાજ્ય સરકારે માત્ર વિકાસના કામો જ નહિ, પરંતુ તેથી પણ વધુ લોકોપયોગી, સમાજઉપયોગી કાર્ય કરી રહી છે. આ પુસ્તક તેનું ઉદાહરણ છે. મહિનાઓની મહેનત પછી શિક્ષણ વિભાગ અને મહેસુલ વિભાગના કર્મીઓએ આ પુસ્તક તૈયાર કર્યુ છે.
મંત્રીશ્રી ચુડાસમાએ કહ્યું હતું કે એક સ્ટાન્ડર્ડ માર્ગદર્શિકા ઉભી થાય લોકોને પૂરતું માર્ગદર્શન મળી રહે તે માટે આ પુસ્તક પ્રજાના ઉપયોગાર્થે રાજય સરકારે તૈયાર કરાવ્યું છે. પુસ્તકમાં સહાય કરનાર સૌને અભિનંદન પણ મંત્રીશ્રીએ પાઠવ્યા હતા.
મહેસુલ અગ્ર સચિવશ્રી કે શ્રીનિવાસે કંમ્પેડિયમ ઓફ હીસ્ટ્રી ઓફ લેન્ડ રેવન્યુ એડમીન ઇન ગુજરાત ગ્રંથની થયેલ કામગીરી વિશે વિસ્તૃત માહિતી રજૂ કરતાં કહયું હતું કે, ગુજરાત રાજયએ આ પુરસ્તક દ્વારા રેકર્ડસ ઓફ રાઇટની સુવિધામાં પહેલ કરી એક નવો આયામ ઉભો કર્યો છે. આ પુસ્તક મહેસુલ વિભાગના અધિકારી-કર્મચારીઓને તાલીમ માટે ખૂબ ઉપયોગી થશે. આ પુસ્તકમાં ૧૨૦૦ પાના, ૪૫ ચેપ્ટર અને ૬ ભાગ આવેલા છે. વર્ષ ૧૪૦૭ થી ૨૦૧૭ સુધીના ૬૧૦ વર્ષનો મહેસુલી ઇતિહાસ, કાયદા, પ્રણાલિનો ઉલ્લેખ પુસ્તકમાંથી અભ્યાસુઓને મળી રહેશે.
અગ્રસચિવશ્રી નિવાસને આ પુસ્તક માટે રાજય સરકાર, શિક્ષણ વિભાગ અને એમએસ યુનિવર્સિટીના પ્રાધ્યાપકોનો આભાર માન્યો હતો. મ. સ. યુનિવર્સિટીના કુલપતિ શ્રી પરિમલ વ્યાસે પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું હતું.
આ પુસ્તકના સંપાદન કાર્ય સાથે જોડાયેલા નાયબ કલેક્ટર શ્રી ધવલ પંડ્યા તથા મ. સ. યુનિવર્સિટીના છાત્રોનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. આ તકે મહેસૂલ વિભાગની કામગીરી રજૂ કરતી દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ આ પ્રસંગે સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી પ્રવીણભાઈ માકડિયા, ભાનુબેન બાબરિયા, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજ, મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, વરિષ્ઠ અધિકારીઓ શ્રી હારિત શુક્લ, શ્રી નલીન ઠાકર, શ્રી લોચન સહેરા, કલેક્ટર ડો. વિક્રાંત પાંડે, મ્યુ. કમિશનર બંછાનિધિ પાની, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી. ટી. પંડ્યા સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ, નાયબ કલેક્ટરો, મામતલદારો ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat