Latest News

આર્ટીઝન-વિવર્સ માટેના ઓનલાઇન ઈ-કોમર્સ પ્લેટફોર્મ IndiaHandmade નો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ

    નવી ટેક્સટાઇલ નીતિ અંતર્ગત યુનિટને નવી ટેક્નોલોજી માટે માતબર પ્રોત્સાહક સહાય અપાય છેઃ મુખ્યમંત્રીશ્રી

    રાજકોટમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી-ચિંતન શિબિરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સમાપન

    દેશમાં રોજગારીના સર્જનમાં કૃષિ પછી બીજા નંબરે કાપડ ઉદ્યોગ છેઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રીશ્રી પિયૂષ ગોયલ

    હેન્ડલુમ અને હેન્ડીક્રાફટના ૧૦૦થી વધુ કારીગરોએ એમ.એસ.એમ.ઈ.ક્ષેત્રને ધબકતું રાખ્યું છેઃ કેન્દ્રીય રાજયમંત્રીશ્રી દર્શના જરદૌશ

    ——————-

    “સૌરાષ્ટ્ર તમિલ સંગમમ” અંતર્ગત રાજકોટમાં બે દિવસીય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અંગેની ચિંતન શિબિરના સમાપન સમારોહમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે ગુજરાત સરકારે ૨૦૧૯માં નવી ટેક્સટાઈલ નીતિ લાગુ કરેલી છે. જે અંતર્ગત ટેક્સટાઇલ યુનિટને નવી ટેક્નોલોજી અપનાવવા માટે માતબર રકમની પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.”

    આ તકે મુખ્યમંત્રીશ્રીના હસ્તે આર્ટીઝન-વિવર્સ માટેના ઓનલાઇન ઈ-કોમર્સ પ્લેટફોર્મ “IndiaHandmade.com”નું કેન્દ્રીય વાણીજ્ય અને ઉદ્યોગમંત્રીશ્રી પિયૂષ ગોયલ તથા કેન્દ્રીય રાજયમંત્રીશ્રી દર્શના જરદૌસની ઉપસ્થિતિમાં સોફ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું.

    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારો, દિગ્ગજો તથા અધિકારીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યે હંમેશા ટેક્સટાઈલ સેક્ટરને મહત્વ આપ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સરકારે ટેક્સટાઈલ પોલિસી ૨૦૧૨ લાગુ કરી હતી. જે અંતર્ગત ટેક્સટાઇલ ક્ષેત્રમાં રૂપિયા ૩૫ હજાર કરોડનું માતબર રોકાણ આવ્યું હતું તેમજ અઢી લાખથી વધુ રોજગારીનું સર્જન થયું છે.

    ગુજરાતમાં ટેક્સટાઇલના ગ્રોથને આગળ લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, નવી ટેક્સટાઈલ નીતિ-૨૦૧૯ અંતર્ગત ટેક્સટાઇલ પાર્ક સ્થાપિત કરવા માટે ડેવલપરને ૧૦૦ ટકા સ્ટેમ્પ ડ્યૂટી પરત કરવામાં આવે છે.

    તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી મોદીએ હાલમાં જ વિવિધ રાજ્યોમાં પી.એમ. મિત્રા- મેગા ટેક્સટાઈલ પાર્કના નિર્માણની જાહેરાત કરી છે. ગુજરાતમાં પણ દક્ષિણમાં આવો વિશાળ ટેક્સટાઈલ પાર્ક બનશે.

    તેમણે ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમમ જેવા કાર્યક્રમો ગુજરાતના ટેક્સટાઈલ સેક્ટરની આ વિકાસગાથાને ઉજાગર કરવાનો મંચ પ્રદાન કરી રહ્યા છે, તે આનંદની વાત છે.

    આ તકે મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર તથા તમિલનાડુના ઐતિહાસિક, સાંસ્કૃતિક, પારંપરિક તેમજ વાણિજ્યિક સંબંધોના પાંસાઓ અંગે પણ જણાવ્યું હતું. આ સાથે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી મોદીએ કહ્યું હતું કે, જેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી ભારત એક બન્યો છે, તેવી જ રીતે આપણે આ એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવીએ.

    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘‘સૌરાષ્ટ્ર તામિલ સંગમમ’’ કાર્યક્રમનું મહત્વ સ્થાપિત કરતાં જણાવ્યું હતું કે, મદુરાઇની કાંજીવરમ અને પાટણના પટોળા સાંસ્કૃતિક એકતાના તાંતણે જોડાયેલા છે. તામિલનાડુની સાંસ્કૃતિક વિવિધતા અને ગુજરાતનો સમૃધ્ધ વારસો ભારતીય એકતાનું ગૌરવવંતુ પ્રતીક છે.

    વાણિજય અને ઉદ્યોગ વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશમાં રોજગારીનું સર્જન કરવામાં કૃષિ પછી બીજા નંબરે કાપડ ઉદ્યોગ છે. ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને ધબકતી રાખવા માટે આ ચિંતન શિબિરમાં અગત્યના સૂચના પ્રાપ્ત થયા છે, જેના તબક્કાવાર અમલીકરણ કરીને પર્યાવરણ સંવર્ધનના વિચારને સાકાર કરવામાં આવશે. ૨૦૩૦ સુધીમાં ૨૦ લાખ કરોડના વેપરનું અને ૮ લાખ કરોડની નિકાસનું વડાપ્રધાનશ્રી મોદીનું સ્વપ્ન પરિપૂર્ણ કરવા ટેકસટાઇલ ઉદ્યોગ શકય તમામ પ્રયચનો કરી છૂટશે.

    કેન્દ્રીય રેલ્વે અને ટેકસટાઇલ રાજયમંત્રીશ્રી દર્શનાબેન જરદૌશે પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટના ૧૦૦થી વધુ કલાકારોએ એમ.એસ.એમ.ઇ.ક્ષેત્રને ધબકતું રાખ્યું છે. આ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજયસરકારની પ્રોત્સાહક નીતિ અને મૂલ્યવૃધ્ધિ થકી આ ક્ષેત્રને અલગ ઓળખ મળી શકી છે, જે વડાપ્રધાનશ્રીની દૂરંદેશિતાનો પુરાવો છે.

    ટેકસટાઇલ વિભાગના કેન્દ્રીય સચિવ સુશ્રી રચના શાહે સ્વાગત પ્રવચનમાં ચિંતન શિબિરની રૂપરેખા રજૂ કરી હતી.

    રાજકોટની હોટેલ ઇમ્પીરીયલ ખાતે યોજાયેલી ચિંતન શિબિરના આ પુર્ણાહુતિ પ્રસંગે કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદો સર્વશ્રી મોહનભાઇ કુંડારીયા અને શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યોશ્રી દર્શિતાબેન શાહ, શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા અને શ્રી રમેશભાઇ ટીલાળા, જિલ્લા પંચાયના પ્રમુખશ્રી ભૂપતભાઇ બોદર, પૂર્વમંત્રીશ્રી ગોવિંદભાઈ પટેલ, કલેકટરશ્રી પ્રભવ જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. એસ. ઠુમર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી કે.વી. મોરી, તથા ટેકસટાઇલ અને હેન્ડીક્રાફટના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.

    Source: Information Department, Gujarat