મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજરોજ ભરૂચ જી.એન.એફ.સી. ટાઉનશીપનું ‘‘દેશની સૌપ્રથમ કેશલેસ ટાઉનશીપ’’ તરીકે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કેશલેસની વ્યવસ્થા સાથે સમગ્ર દેશમાં ઈમાનદારીનો ઉત્સવ અને પ્રમાણિકતાનું પર્વ ઉજવાય તે દિશામાં સંકલ્પબધ્ધ થવા માટેનું આહ્વવાન કર્યું હતું.
સમગ્ર દેશને નવી દિશા જી.એન.એફ.સી. પરિવારોએ આપી છે તેમ જણાવીને કહ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દેશને ચલાવવા નહી પણ બદલવા માટે કાર્ય કરી રહ્યા છે. વડાપ્રધાન ગમે તે દેશમાં જાય છે કે, આવે છે તો તેમની ચર્ચા થાય છે. તેમણે ભારતના સ્વાભિમાન અને પ્રતિષ્ઠાને વધાવી છે જેના કારણે દુનિયા તેમના પ્રવાસની નોંધ લેતી થઈ છે.
મુખ્યમંત્રીશ્રીએ જી.એન.એફ.સી.ના સમગ્ર પરિવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ દેશની આર્થિક સ્થિતિ સુધારવા તથા કાળા નાણાને નાથવાનો નિર્ણય લિધા બાદ દેશને કેશલેસની દિશામાં લઈ જવા માટે પ્રયાસો કરી રહ્યા ત્યારે જી.એન.એફ.સી.ના પરિવારોએ કેશલેસ સીસ્ટમ અપનાવીને એક ક્રાંતિકારી પગલુ ભર્યું છે. આ પરિવારોએ ગુજરાતની ૧૮૦ કોલોનીઓને કેશલેસ ટાઉનશીપ બનવા માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ વેળાએ કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજયમંત્રી શ્રી બાંડારુ દત્તાત્રેયએ જી.એન.એફ.સી.ના પરિવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, દરેક ગામ અને દરેક વ્યકિત ડિઝીટલલાઈઝેશન અપનાવીને વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા માટે આગળ આવે તેવો અનુરોધ કર્યો હતો.
ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઈઝર અને કેમિકલ્સ લિ.એ ભારત સરકારના નીતિ આયોગ દ્વારા કેશલેસ ‘‘રોલ મોડેલ ટાઉનશીપ’’ તરીકે પણ પ્રસ્થાપિત થતા ગુજરાત અને દેશમાં આ ટાઉનશીપનું ગૌરવ વધાર્યું છે. આ ટાઉનશીપ ખાતે શોપીંગ સેન્ટરો, રેસ્ટોરન્ટ, ચાની લારી, શાળા-કોલેજ સંકુલ, હોસ્પિટલ, સ્ટેડિયમ, ધોબીશોપ ખાતે કેશલેસ સેવાઓ દસ હજારથી વધુ નાગરિકો પ્રાપ્ત કરી રહ્યા છે. આ ઉપરાત જી.એન.એફ.સી. ખાતે અવર-જવર કરતા માલ વાહક ટ્રકો, ટેંકરોને પણ સુવિધા મળી છે. આ કેશલેસ સેવા માટે યુપીઆઈ, એસબીઆઈ બડી માધ્યમ બન્યા છે.
આ વેળાએ સ્વાગત પ્રવચન જી.એન.એફ.સી.ના એમ.ડી.શ્રી રાજીવકુમાર ગુપ્તાએ કર્યું હતું.
આ પ્રસંગે સહકાર રાજયમંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી છત્રસિંહ મોરી, દુષ્યતભાઈ પટેલ, અરૂણસિંહ રણા, જિલ્લા કલેકટરશ્રી સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આનંદ પટેલ, જી.એન.એફ.સી. કેશલેસ વિષયની ફિલ્મના નિર્માતા શ્રી વિવેક અગ્નિહોત્રી તથા કલાકાર પલ્લવીબેન જોષી તેમજ મોટી સંખ્યામાં જી.એન.એફ.સી. પરિવારના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat