Latest News

મુખ્યમંત્રીશ્રીએ ‘સીમા ભવાની શૌર્ય એક્સપેડીશન’ એમ્પાવરમેન્ટ રાઇડ – 2022નું ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું

    દેશમાં રક્ષા ક્ષેત્રે તથા સુરક્ષા બળોમાં મહિલાશક્તિની વધતી સહભાગીતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રોત્સાહન અને માર્ગદર્શનને આભારી:- મુખ્યમંત્રીશ્રી

    મુખ્યમંત્રીશ્રી :-

    • આઝાદી કા અમૃત મહોત્સવ અવસરે દેશની એકતા અખંડિતતાને નવું જોમ આપતી મહિલા બાઇકર્સ નારીશક્તિસામર્થ્યનું આગવું પ્રતિક
    • છેલ્લા ૭ વર્ષમાં દેશના પોલીસ દળ અને કેન્દ્રીય સુરક્ષા બળમાં મહિલાઓની ભાગીદારી બમણી થઇ
    • દેશભરની સૈનિક સ્કૂલોમાં દીકરીઓ એડમિશન લઇ રહી છે
    • પ્રધાનમંત્રીશ્રી દ્વારા પ્રેરિત આત્મનિર્ભરતાની મુહિમ દેશની નારીશક્તિની સહભાગીતાથી જ સફળ થશે
    • સૃષ્ટિની જનક એવી નારી જરૂર પડ્યે શસ્ત્ર ઉપાડી શત્રુઓનો નાશ પણ કરી શકે છે

    ……

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બોર્ડર સિક્યુરિટી ફોર્સની જાબાંઝ મહિલા કર્મીઓના ‘સીમા ભવાની શૌર્ય એક્સપેડીશન’-‘‘એમ્પાવરમેન્ટ રાઇડ ર૦રર’’ને બી.એસ.એફ ગુજરાતના હેડકવાર્ટર ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું.

    નવી દિલ્હીના ઇન્ડીયા ગેટથી ગત તા. ૮મી માર્ચ, આંતર રાષ્ટ્રિય મહિલા દિવસે આ ૩૫ જેટલી ડેરડેવિલ બાઇકર્સ ટીમની સાહસિક સફર શરૂ થઇ છે.

    દિલ્હીથી પર૮૦ કિ.મી નું અંતર કાપી વિવિધ રાજ્યોમાં થઇને આ ૩૫ જેટલી બાઇકર્સ તા.૩૦મી માર્ચે તામિલનાડુના કન્યાકુમારી પહોંચવાની છે.

    બી.એસ.એફ.ની આ મહિલા બાઇકર્સ ટીમ ગુજરાત બી.એસ.એફ હેડકવાર્ટર આવી પહોંચતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેને સફળતાની શુભેચ્છાઓ પાઠવી આગળના પ્રયાણ માટે ફલેગ ઓફ કરાવ્યું હતું.

    શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આ વર્ષે ઉજવાઇ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અવસરે દેશની એકતા અખંડિતતાને નવું જોમ આપતી આ મહિલા બાઇકર્સને નારીશક્તિ, સામર્થ્યનું આગવું પ્રતિક ગણાવી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ દેશમાં રક્ષા ક્ષેત્રે તથા સુરક્ષા બળોમાં મહિલાશક્તિની વધતી સહભાગીતાની સફળતાનો શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇના પ્રોત્સાહન અને માર્ગદર્શનને આપ્યો હતો.

    તેમણે કહ્યું કે, છેલ્લા ૭ વર્ષમાં દેશના પોલીસ દળ અને કેન્દ્રીય સુરક્ષા બળમાં મહિલાઓની ભાગીદારી બમણી થઇ છે. ર૦૧૪માં ૧ લાખ પાંચ હજારની સંખ્યા હતી તે ર૦ર૦માં બે લાખ ૧પ હજાર થઇ ગઇ છે.

    સૈનિક સ્કૂલોમાં દીકરીઓના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવી લેવાયો છે અને દેશભરની સૈનિક સ્કૂલોમાં દીકરીઓ એડમિશન લઇ રહી છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

    મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે, આત્મનિર્ભરતાની આ મુહિમ દેશની નારીશક્તિની સહભાગીતાથી જ સફળ થશે.

    તેમણે મહિષાસુરમર્દિની દુર્ગા અને રાણી લક્ષ્મીબાઇનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સૃષ્ટિની જનક એવી નારી જરૂર પડ્યે શસ્ત્ર ઉપાડી શત્રુઓનો નાશ પણ કરી શકે છે.

    શ્રી ભૂપેન્દ્ર પટેલે સરહદના સંત્રી તરીકે ફરજરત બોર્ડર સિક્યુરિટી ફોર્સની આ મહિલા બાઇકર્સ ૩પ૦ સી.સી. ની રોયલ એનફીલ્ડ મોટર સાયકલ સવાર તરીકે પોતાના અપ્રતિમ સાહસ અને શૌર્ય માટે પ્રખ્યાત છે તે માટે પણ અભિનંદન આપ્યા હતા.

    આ પ્રસંગે રાજ્યના પોલીસ મહાનિદેશક શ્રી આશિષ ભાટિયા તથા બી.એસ.એફ ના ઇન્સપેકટર જનરલ શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક તેમજ બી.એસ.એફ ના અફસરો-જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

    Source: Information Department, Gujarat