Latest News

ગાંધીનગરના સંસ્કૃતિકુંજ ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે વસંતોત્સવ – ૨૦૨૧નો પ્રારંભ

‘આપણે આપત્તિના સમયે ડરી જવાની જરૂર નથી, પરંતુ આપત્તિને અવસરમાં પલટાવી નાખવાની છે’ તેવું આજે ગાંધીનગરના સંસ્કૃતિકુંજ ખાતે આયોજિત ૨૫મા વસંતોત્સવને દીપ પ્રાગટય કરીને પ્રારંભ કરાવતા રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં પણ મર્યાદિત લોકો વચ્ચે દર વર્ષની પરંપરા મુજબ વસંતોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વડનગરનો તાનારીરી મહોત્સવ  અને મોઢેરાનો ઉત્તરાર્ધ મહોત્સવ તથા વસંતોત્સવ તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સમયથી લોકપ્રિય બન્યા છે.

તેમણે એમ પણ ઉમેર્યું કે, ગુજરાત અને ભારતની સંસ્કૃતિની આલબેલ પેાકારતા વસંતોત્સવનો પ્રારંભ સંગીત, નૃત્ય અને વાદ્યની પ્રસ્તુતિ થકી કરવામાં આવે છે. વસંતોત્સવ એટલે માંગલિક કાર્ય, ઉત્સવ, શીતળ હવા, ખીલતાં પુષ્પો, કેરીનું આગમન, ફાગણનાં મોજીલાં ગીતો છે. વસંતોત્સવની ઓળખ આનંદ – ઉત્સવ બની ગઇ છે. વસંતનાં વધામણાં કરવા વિદ્યા અને સંગીતની દેવી મા સરસ્વતીની ઉપાસના આપણે સૌ કરીએ છીએ.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને સંગીત અકાદમી માટે સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમાં પણ ૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતે ખેલ મહાકુંભ  થકી અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અને એવોર્ડ મેળવ્યા છે, તે જ રીતે ગુજરાતના કલા મહાકુંભ થકી કલાકારોને પ્રોત્સાહન આપવાનું કાર્ય પણ કરવામાં આવે છે.

આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગના મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી જણાવ્યું હતું કે, ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આગવી એાળખ છે. ગરબા, ભવાઇ, લોકમેળાઓ અને લોકનૃત્ય એ ગુજરાતની ઓળખ છે. ગુજરાતના આ સાંસ્કૃતિક વારસાની વિશ્વ ફલક પર ઓળખ ઊભી કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ભારતના સાંસ્કૃતિક વારસાના પર્યાય એવા વસંતોત્સવમાં ઉપસ્થિત સર્વે કલાકારોનું  તેમણે હૃદયના ઉમળકાથી સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં જાણીતા નૃત્યાંગના શ્રીમતી ઐશ્વર્યા વોરીયર અને તેમના ગ્રૂપ દ્વારા ભરતનાટ્યમ્ શૈલીમાં સરસ્વતી વંદના પ્રસ્તુત કરવામાં આવી હતી. ત્યારબાદ પટીયાલા ઘરાનાનાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગાયિકા શ્રીમતી કૌશિકી ચક્રવર્તી દ્વારા શાસ્ત્રીય સંગીત અને કાર્યક્રમનાં અંતિમ ચરણમાં રાજકોટનાં સંગીત તજજ્ઞ શ્રીમતી પીયુબેન સરખેલ દ્વારા શાસ્ત્રીય સંગીત રજૂ કરવામાં આવ્યું હતુ. જેને વિવિધ જિલ્લાઓમાંથી ઉપસ્થિત એકસો (૧૦૦) થી વધુ શાસ્ત્રીય સંગીતના સન્નમાનીય કલાકારોએ માણ્યું હતું.

કાર્યક્રમમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સી.વી.સોમ, કમિશનર શ્રી ડી.ડી. કાપડિયા, ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા કુલદીપ આર્ય સહિત રાજયના  ગણમાન્ય કલાકારોમાં કીર્તિદાનભાઇ ગઢવી, લલિતાબેન ઘોડાદ્રા તથા રાજકોટની હિરાણી પરફોર્મિંગ આર્ટસ કોલજ, વડોદરાના ગોવિંદ વેણુ સંગીત વિદ્યાલય અને સંગમ મ્યુઝિક અકાદમી તથા પરફોર્મિંગ આર્ટ મ્યુઝિક કોલેજ તેમજ  અમદાવાદની સંગીત સંસ્થાના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. તદઉપરાંત, ગાંધીનગરના અરવિંદ સંગીત કલા કેન્દ્ર અને સૂરમધુર સંસ્થા, પાટણથી ડિપાર્ટમેન્ટ ઓફ મ્યુઝિક, પી.કે.કોટાવાળા આર્ટસ કોલેજ, એમ.એ.પરીખ ફાઇન આર્ટસ કોલેજ અને ધ્વનિ શાસ્ત્રીય સંગીત સંસ્થા તેમજ જુનાગઢની સપ્તક સંગીત વિદ્યાલયના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat