મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આજે જેતપુર ખાતે રૂ! ૫૯૭ કરોડના ખર્ચે સાકાર થયેલ નાવડાથી ઉપલેટા બલ્ક પાઇપલાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમણે આ તકે રૂ! ૬૦૦ કરોડના ખર્ચે માળીયા પાસે આગામી સમયમાં તૈયાર થનાર ડી-સેલીનેશન પ્લાન્ટ તથા રૂ! ૧૨૫ કરોડના ખર્ચે ઉપલેટાથી રાણાવાવ સુધીની પીવાના પાણીની પાઇપલાઇન યોજનાની પણ જાહેરાત કરી હતી.મુખ્યમંત્રીશ્રીએ જેતપુર શહેરમાં રૂ. ૩૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ આ પ્રસંગે ખાતમુહૂર્ત કર્યુ હતુ.
માં નર્મદા નીરના વધામણા કર્યા બાદ જેતપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિશાળ જનસભાને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, માતા નર્મદાની પરીક્રમા કરવીએ આપણા માટે સૌભાગ્યની વાત છે, પરંતુ અહિતો માં નર્મદા પરીક્રમા કરીને પહોંચ્યા છે અને સૌરાષ્ટ્રમાં માં નર્મદાના નીર થકી પીવાના પાણીનો દુષ્કાળ ભૂતકાળ બન્યો છે, અને સૌની યોજના થકી કૃષિ માટે પણ દુષ્કાળ ભૂતકાળ બનશે. અવારનવાર અનિયમિત વરસાદનો ભોગ બનતા સૌરાષ્ટ્ર માટે નર્મદા યોજનાથી સોનાનો સૂરજ ઉગશે.
આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની ધુરા સંભાળી ત્યારથી પાણી, વીજળી, રસ્તા સહિત તમામ માળખાગત બાબતોમાં ગુજરાતને અવલ્લ બનાવવાની કાર્યવાહી શરૂ કરીને આજે ગુજરાત ટોંચના સ્થાને છે. નર્મદાના જળથી સૌરાષ્ટ્રના લોકોને ક્ષારયુક્ત પીવાના પાણીમાંથી છુટકારો મળતા પથરી-કીડનીના રોગમાંથી પણ છુટકારો મળશે.
સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણી મળતા ધરતીમાંથી સોનુ ઉપજાવવાની તાકાત ધરાવે છે, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સૌની યોજના થકી અત્યાર સુધીમાં ૧૭ ડેમ અને ૪૦ તળાવ ભર્યા છે. આગામી સમયમાં બીજા ૭ ડેમ અને ૬૦ તળાવો ભરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ વિશાળ દરિયાકાંઠો ધરાવતા સૌરાષ્ટ્ર માટે માળીયા પાસે આગામી સમયમાં રૂ! ૬૦૦ કરોડના ખર્ચે દરીયાનું પાણી પીવાલાયક બનાવવા ડી-સેલીનેશન પ્લાન્ટનું ખાતમૂહુર્ત કરી પ્રાયોગિક ધોરણે પ્લાન્ટ નંખાશે. જેની ક્ષમતા ૧૦ કરોડ લીટર હશે. આ પ્રયોગ સફળ થશે તો સૌશ્રાષ્ટ્રને વિશેષ ફાયદો થશે.આરબ દેશોમાં આ પ્લાન્ટ ખુબ સફળ થયા છે. ગુજરાતની આ પહેલ પણ રંગ લાવશે તેવી આશા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
મહાત્મા ગાંધી અને લોખંડી પુરૂષ સરદાર પટેલના ગુજરાતમાં સદાચાર, વ્યસન મુક્ત, વિકાસ અને સંસ્કૃતિના જતનની ચરમસીમા છે. અહીં ગાય, ગંગા અને ગીતાના માનબીંદુ પવિત્ર યાત્રાધામોના વિકાસ સાથે વર્તમાન સરકાર વોટ બેન્કની નીતી નહીં પરંતુ સૌનો સાથ સૌનો વિકાસને વરેલી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
માતા નર્મદાના નીરની વિશેષ રૂપે જાળવણી કરવા ખેડુતોને મહિલાઓને અનુરોધ કરી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, જેતપુરની બહેનો માટે તો આજે રૂડો અવસર છે. તેમણે પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવાનો છે.
જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જાકંડોરણા તથા ભાયાવદર શહેર અને ૪ તાલુકાના ૧૫૬ ગામોની અંદાજિત ૧૦ લાખની વસતીને નર્મદાનું પાણી મળે તે માટે ૧૭૧ કી.મી. લાંબી એક્સપ્રેસ પાઇપલાઇન નાંખવામાં આવેલ છે. જેમાંથી હાલ જેતપુર શહેરને દૈનિક ૧૦ કરોડ લીટર તેમજ અમરનગર જુથ પાણી પુરવઠા યોજનાના ૧૧ ગામોને દૈનિક પાણી પુરવઠો કાર્યાન્વીત કરવામાં આવેલ છે.
નાવડા પમ્પીંગ સ્ટેશનથી દૈનિક ૪૫ કરોડ લીટર પાણીની પમ્પીંગ ક્ષમતાને વધારી ૫૦ કરોડ લીટર કરવામાં આવી છે. તેમજ બોટાદથી ગઢડા સુધી વહન ક્ષમતામાં વધારો કરી ૧૫૦૦ મી.મી. વ્યાસની ૨૭ કી.મી. લાંબી પાઇપ લાઇન બીછાવી ચાવંડ ખાતે ૧૨ કરોડ લીટર પાણીનો વધારો કરવામાં આવી રહ્યો છે. તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી જશાભાઇ બારડે રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી ‘સૌની યોજના’’ની વિસ્તૃત વિગતો આપીને જણાવ્યું હતું કે, સરકાર નર્મદા નીર આધારિત લોકો માટે પીવાના પાણીની તેમજ ખેતી માટે પાણીની સુવિધા ક્રમશઃ ઉપલબ્ધ કરી રહેલી છે. તેમણે બોટાદ તથા જસદણની નર્મદા આધારિત યોજનાઓની સંક્ષિપ્ત વિગતો આપી હતી.
સાંસદ સભ્યશ્રી વિઠ્ઠલભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે, જેતપુરના આંગણે અનેરો ઉત્સવ છે. આ રૂ! ૫૯૭ કરોડની ચાર તાલુકાની યોજનાનું ૧૧ માસના ટૂંકા ગાળામાં કામ પૂર્ણ કરાયું છે. તેમણે જણાવ્યું કે, આ કાયમી યોજના છે. હવે ભાદર-૧, ર જળાશયમાં પીવાના પાણીનું રીઝર્વેશન રાખવું નહિ પડવાથી ખેડુતોને ક્ષાર રહિત પાણી મળતા વધું ફાયદો થશે.
પૂર્વમંત્રી શ્રીમતી જશુબેન કોરાટે નર્મદાના પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરવા લોકોને અનુરોધ કર્યો હતો અને યોજના માટે સરકારને અભિનંદન આપેલ હતા.પૂર્વમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી અને અગ્રણીશ્રી મનસુખભાઇ ખાચરીયાએ જણાવ્યું હતું કે, શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર અનેકવિધ લોકાભિમુખ અને સુખાકારીના કાર્યો કરી રહેલી છે.
ગુજરાત પાણી પુરવઠાના અગ્ર સચિવશ્રી મુકેશપુરીએ સૌનું સ્વાગત કરી જણાવ્યું હતું કે, ગુજરાતમાં પીવાના પાણની કાયમી વ્યવસ્થા કરવા માટે સરકાર કૃતનિશ્ચયી છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૫માં રૂ! ૨૧,૮૮૦ કરોડનો ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે પાણીનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો. આ રૂ! ૫૯૭ કરોડની નર્મદા આધારિત બલ્ક પાઇપ લાઇન દ્વારા ૧૫૬ ગામો અને ૫ શહેરોને સ્થાનિક સોર્સ ઉપરાંત આ નર્મદા પાણીની સવલત ઉભી કરાયેલી છે. આ લાઇન પોરબંદર સુધી લંબાવાશે. તેમણે વધુંમાં જણાવ્યું કે, રાજ્યમાં ૭૭ ટકા નળ જોડાણ આધારિત પાણી પુરવઠા યોજનાઓ છે અને ૧૪ હજારથી વધુ આંતરિક પાણી પુરવઠા યોજનાઓ છે.
જેતપુર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પાણી પુરવઠા મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા, નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, ધારાસભ્ય અને પૂર્વ મંત્રીશ્રી ગોવીંદભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ડી.કે.સખીયા, જેતપુર નગરપાલિકા પ્રમુખશ્રી જયસુખભાઇ ગુજરાતી, યાત્રાધામ વિકાસ બોર્ડના વાઇસ ચેરમેનશ્રી રાજુભાઇ ધૃવ, અગ્રણી કાલીદાસભાઇ પારઘી,રાજુભાઇ પટેલ, ડી.કે.બલદાણીયા, વી.ડી..પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી વિક્રાંત પાંડે સહિત અધિકારીઓ પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat