Latest News

ગાંધીનગરમાં ૩૧મી ગુજરાત સાયન્સ કોંગ્રેસનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી: રાજ્યમાં સાયન્સ-ટેકનોલોજીની નવી નીતિ ઘડવાની વ્યકત કરી નેમ

-: મુખ્યમંત્રીશ્રી :-
• યુવા પેઢીમાં વિજ્ઞાન ક્ષેત્રના શોધ-સંશોધનના પડેલા પોટેન્શ્યલને વૈશ્વિક પ્લેટફોર્મ આપવું છે.
• ગુજરાતે પ્રાથમિક સુવિધાવૃધ્ધિમાં ૧૦૦ ટકા સિધ્ધિ મેળવી-હવે સાયન્સ ટેકનોલોજી વિષયને વેગ આપવા ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.
• સાયન્સનો અર્થ સત્યની શોધ.
• યુવાવર્ગો કારકીર્દી ઘડતરના ક્ષેત્ર તરીકે ઇજનેરી-તબીબી જેમજ સાયન્ટીસ્ટને પણ અપનાવે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર નજીક પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ખાતે ૩૧મી ગુજરાત સાયન્સ કોંગ્રેસનો પ્રારંભ કરાવતાં આ નેમ વ્યકત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં સાયન્સ ટેકનોલોજીની નવી નીતિ ઘડવાની નેમ દર્શાવી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યની યુવાપેઢીમાં સાયન્સ-ટેકનોલોજી ક્ષેત્રે શોધ-સંશોધનનું જે પોટેન્શીયલ પડેલું છે તેને આ નીતિથી યોગ્ય વૈશ્વિક પ્લેટફોર્મ પુરૂં પાડવાનો ધ્યેય છે. ૩૧મી ગુજરાત સાયન્સ કોંગ્રેસનું દ્વિદિવસીય આયોજન ગુજરાત સાયન્સ એકેડેમી, ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયૂટ (જર્મી), પી.ડી.પી.યુ અને ઇન્સ્ટીટયૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વિજ્ઞાન-સાયન્સનો અર્થ જ સત્યની શોધ છે. આઝાદીના સાત-સાત દાયકા વિતી ગયા છતાં સાયન્સ-ટેકનોલોજી ક્ષેત્રે વિકાસની વિપૂલ સંભાવનાઓ નજરઅંદાજ થતી રહી. હવે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને નીતિ આયોગે આ ક્ષેત્રને આગળ ધપાવવા જે ઇનીશ્યેટીવ્ઝ લીધા છે તેના પરિણામે નોલેજ શેરિંગથી સાયન્સ ટેકનોલોજી, વિજ્ઞાન શોધ-સંશોધનના વિષયોમાં દેશની યુવાશકિતની આંતરિક શકિતઓને નવું દિશાદર્શન મળ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ રૂપાણીએ ગુજરાતમાં આ સાયન્સ કોંગ્રેસના આયોજનની પ્રસંશા કરતાં જણાવ્યું કે, વિજ્ઞાન ક્ષેત્રે રસ રૂચિ ધરાવતા તજ્જ્ઞો, શિક્ષણવિદો વિદ્યાર્થીઓ અને યુવાવર્ગોને સામૂહિક વિચારમંથનનું એક વાતાવરણ-એન્વાયરમેન્ટ આ દ્વિદિવસીય પરિષદ પૂરી પાડશે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે રાજ્ય સરકારે પ્રાથમિક સુવિધાઓની વૃધ્ધિમાં ૧૦૦ ટકા સિધ્ધિ મેળવી છે. હવે સાયન્સ ટેકનોલોજીના વિષયમાં ધ્યાન કેન્દ્રીત કરવું એ સમયની આવશ્યકતાઓ માટેના સહિયારા પ્રયાસોને તેમણે આવકાર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ યુવા પેઢીને કારકીર્દી ઘડતરના અન્ય ક્ષેત્રો સાથે વૈજ્ઞાનિક-સાયન્ટીસ્ટ બનવાનું પણ પસંદ કરવાની પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રયોગશાળામાં સાધના કરીને વિજ્ઞાન-ટેકનોલોજીમાં જીવન ખપાવી દઇ માનવ કલ્યાણનો નવો માર્ગ કંડારવાની પણ આ ક્ષેત્રમાં મોટી તાકાત છે. મુખ્યમંત્રીશ્રીએ આ પરિષદમાં જે વૈચારિક મંથન-ચિંતન થાય તે સમાજના હિત માટે, વિજ્ઞાન પ્રત્યેની રૂચિ વધારવામાં ઉપયુકત બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ પ્રસંગે વિજ્ઞાન-ગણિત-બાયોલોજી, ફિઝીકસ, અંતરિક્ષ વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ શિક્ષણ આપનારા શિક્ષકો, પ્રોફેસરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રારંભમાં પૂર્વ મુખ્ય સચિવ અને જર્મીની ચેરમેન શ્રી ડી. રાજગોપાલને આ સાયન્સ કોંગ્રેસનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો. જર્મીના ડાયરેકટર જનરલ શ્રી ટી. હરિનારાયણે સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ પ્રસંગે નીતિ આયોગના સભ્ય શ્રી ડો. વી. કે. સારસ્વત, જી. એસ. એ. ના પ્રેસિડેન્ટ શ્રી અશોક સિંઘવી, આઇ.એસ.આર.ના ડાયરેકટર જનરલશ્રી ડો. એમ. રવિકુમાર તથા સાયન્સ-ટેકનોલોજી ક્ષેત્રના શિક્ષણવિદો, પ્રાધ્યાપકો, શિક્ષકો અને યુવા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat