Latest News

સુપ્રસિધ્ધ હાસ્યલેખક-નાટયકાર તારક મહેતાને મુખ્યમંત્રીશ્રીની શ્રધ્ધાંજલિ

મુખ્યમંત્રીશ્રી:
• ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હાસ્ય ધારાવાહિકથી દેશ-દુનિયામાં નિર્દોષ હાસ્યરસ પિરસનાર તારક મહેતાની વિદાયથી હાસ્ય સાહિત્ય જગત રાંક બન્યું છે.
• આપણે એક અગ્રીમ હરોળના હાસ્યલેખક – નાટયકાર ગુમાવ્યા છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુપ્રસિધ્ધ હાસ્યલેખક-નાટયકાર તારક મહેતાના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલિ પાઠવી છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્વ.તારક મહેતાને અંજલિ આપતાં જણાવ્યું છે કે, તારકભાઇએ ૪૦-૪૦ વર્ષોથી હાસ્યલેખોની હારમાળા અને વિશેષ તો પાછલા ઘણા વર્ષોથી હાસ્ય ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’થી દેશ અને દુનિયામાં ઘેર-ઘેર આબાલ-વૃધ્ધ સૌને નિર્દોષ હાસ્યરસની રોજે-રોજ પ્રતીતિ કરાવી છે.

ગુજરાત સરકારના ગૌરવ પુસ્કારથી સન્માનિત શ્રી તારક મહેતાને તાજેતરમાં રમણભાઇ નિલકંઠ હાસ્ય પ્રદાન પુરસ્કાર પણ જાહેર થયો છે તેની ભુમિકા આપતાં શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતના સૌ નાગરિકો અને રાજ્ય સરકાર તેમના નિધનથી ઊંડા દુઃખની લાગણી અનુભવે છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ તારક મહેતાના નિધનથી ગુજરાતી સાહિત્ય જગત રાંક બન્યું છે અને આપણે અગ્રીમ હરોળના હાસ્યલેખક-નાટયકાર ગુમાવ્યા છે, તેમ જણાવી સ્વર્ગસ્થના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ગસ્થ તારક મહેતાના ધર્મપત્ની શ્રીમતી ઇન્દુબહેન સાથે ટેલિફોન વાતચીત કરીને સાંત્વના પાઠવી હતી.

Source: Information Department, Gujarat