મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-
……
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ મંદિરનું નવનિર્માણ સમાજના ઉત્થાન માટે જરૂરી હોય છે. ધર્મ સમુદાય સંગઠનના કારણે સમાજ, સૌ સમુદાય એક તાંતણે બંધાયેલા રહે છે. જેથી ધાર્મિક સંસ્થાઓ સમાજના દરેક નાગરિકના ઉત્થાન માટે જરૂરી હોય છે. પાટીદાર સમાજ દરેક ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે, વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે, દેશ-દુનિયામાં અત્યારે આગળ વધી રહેલો સમાજ છે.
સરકાર તરીકે અમારી જવાબદારી નિભાવવા માટે અમારી સંપૂર્ણ ટીમ તૈયાર છીએ તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે તમામ સમાજની સામાજિક સંસ્થાઓ ખૂબ સારા કામો કરી રહી છે, કોઈપણ સરકાર એકલી વિકાસના કામ કરી શકે નહીં, સમાજનો તેમાં સાથ જરૂરી છે. સરકાર અને સમાજિક સંગઠનોના સહયોગથી રાજ્યની વિકાસની ગતિને વેગ મળે છે અને તેથી સફળતા મેળવી શકાય છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શાસનકાળથી રાજ્યમાં વિકાસની કેડી કંડારેલી છે. દરેક સમાજના ઉત્કર્ષ માટે સરકાર કાર્યરત છે. રાજ્ય સરકાર હંમેશા તમામ સમાજના સમુદાયની સાથે છે અને સર્વાંગી વિકાસ માટેના સંકલ્પ સાથે કાર્યરત છે. સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસની નવી કેડી કંડારવી છે, એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
દરેક સમાજ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આણે અને સરકાર તરીકે દરેક યુવાનોને રોજગારી મળે એવા જ પ્રયત્નો છે. ગુજરાતમાં બધા જ સમાજ ખૂબ મોટા વિકાસના પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યું છે તે બધા જ પ્રોજેક્ટ શરૂ થાય અને તેનો અમલ થાય તો ઘણા બધા લોકોને રોજગારી મળશે. કારીગરો, વેપારી વર્ગ વધશે અને નાણાકીય ક્રાંતિ આવશે જેનાથી રાજય અને દેશને ફાયદો થશે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે શિક્ષણ એ એવું ક્ષેત્ર છે જે દરેક મુશ્કેલીઓનું નિવારણ કરે છે, જેથી દરેક સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધશે તો ઘણા બધા પ્રોબ્લેમના સોલ્યુશન મળી જશે એટલે દરેક સમાજના આગેવાનો પ્રયત્નશીલ બનીને શિક્ષણ ક્ષેત્રે યુવાનોને આગળ ધપાવે તેવી હિમાયત કરી હતી.
પ્રાસંગિક ઉદબોધનમાં કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું કે વિશ્વફલક પર હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે અને ભારત પ્રવાસે આવતા વિદેશી નાગરિકો દેશના મંદિરો, હિન્દુ શાસ્ત્રો વિશે અભ્યાસ કરી રહ્યા છે અને ધાર્મિક સ્થળોની મુલાકાત અચૂકપણે લઈ રહ્યા છે. સમગ્ર દેશ-વિદેશમાં વસતા ભારતીયોએ ભારતીય સંસ્કૃતિની ગરિમાપૂર્ણ ધરોહર જાળવી રાખી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો શાસનકાળ શરું થયા ત્યારથી ગુજરાત વૈશ્વિક સ્તરે મૂડીરોકાણનું હબ બન્યું છે. દેશ વિદેશનાં અનેક રોકાણકારોએ ગુજરાતમાં ઉધોગોમાં રોકાણ કરીને રોજગારીની અનેક તક પુરી પાડી છે. તેમ જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે અમદાવાદ શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રમાં અગ્રેસર છે ત્યારે હવે તો વિદેશી નાગરિકો પણ શિક્ષણ અને મેડિકલ સારવાર માટે અમદાવાદમાં આવી રહ્યા છે. શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સમાજના વિદ્યાર્થીઓને અહી આવીને અભ્યાસ કરવા માટે અને રહેવા માટે ઉત્તમ સગવડો મળી રહે તેવી આધુનિક સુવિધાઓયુક્ત હોસ્ટેલનું ઝડપથી નિર્માણ થાય તેવી તેમણે હિમાયત કરી હતી.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી અને સંસ્થાનના અધ્યક્ષ શ્રી નીતિનભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, ઉમિયાધામ સોલા ખાતે નવનિર્મિત થવા જઈ રહેલા મંદિર અને શૈક્ષણિક સંકુલો સાથે અન્ય સંકુલો સમાજના યુવાનો, વિધાર્થીઓ અને વાલીઓ અને અનેક લોકોને ખુબ ઉપયોગી નીવડશે. શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે અનેક પ્રકારની સ્પર્ધાઓ વધી છે ત્યારે પાટીદાર સમાજના યુવા ભાઈ-બહેનો ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરમા આવીને વસવાટ કરીને શિક્ષણકાર્ય કરતાં હોય છે ત્યારે તેમને રહેવાની અહીં ઉત્તમ સગવડો મળી રહેશે.
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની સુદ્દઢ ભારતની કલ્પના સાકાર થઈ રહી છે ત્યારે સમાજનું એકતા અને સંગઠન વધુ મજબૂત બને તેવી હિમાયત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉંઝા સંસ્થાન દ્વારા અમદાવાદ સ્થિત સોલા કેમ્પસમાં માં ઉમિયાધામ મંદિર ખાતે ૭૪ હજાર ચોરસ વાર જમીન પર અંદાજીત રૂપિયા ૧૫૦૦ કરોડના ખર્ચે માં ઉમિયાધામનું નિર્માણ થશે. જેમાં શ્રી ઉમિયા માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ સહિત વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે ૧૩ માળની બે અલગ – અલગ હોસ્ટેલની બિલ્ડિંગનું નિર્માણ થશે. આ હોસ્ટેલમાં ૪૦૦થી વધારે રૂમ બનાવાશે જેમાં અંદાજે ૧૨૦૦ થી વધુ ભાઈ-બહેનો રહી શકશે. અતિ આધુનિક સુવિધા સાથે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે. સોલા ઉમિયાધામ કેમ્પસમાં વર્ષોથી ચાલતા ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ અંતર્ગત upsc અને gpsc જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સમાજના દીકરા દીકરીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે નવીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રચના કરાશે.
ઉમિયાધામ કેમ્પસમાં અંદાજિત ૫૨(બાવન) સ્કેવર ફૂટમાં અત્યાધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ બનાવવાના છે. ઉમિયાધામમાં ભોજન અને રહેવાની સુવિધા બનાવાશે. તેમજ અન્નપૂર્ણા ભવન અને વિશ્રાંતિ ગૃહ આધુનિક બનાવાશે. મેડિકલ સેન્ટરનું નિર્માણ કરાશે. તેમજ ઉમિયાધામની મુલાકાતે આવતા ભક્તોના વાહન પાર્ક કરવા માટે બે માળનું બેઝમેન્ટ પાર્કિગ બનાવશે. જેમાં ૧૦૦૦ કાર પાર્ક થઇ શકે તેવું વિશાળ પાર્કિંગ હશે.
આ પ્રસંગે પૂર્વ ઉંઝા,સોલા, જીલ્લા અને અન્ય રાજ્યોમાં અને વિવિધ શૈક્ષણિક, સામાજિક અને વાણિજય સંસ્થાનના પ્રમુખશ્રીઓ,આગેવાનો અને વિશાળ સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat