મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, લોકશાહી શાસન વ્યવસ્થામાં સંસદ, ન્યાયતંત્ર અને પ્રશાસન બાદ માધ્યમો ચોથી જાગીર છે. અખબારો સત્ય અને પ્રમાણિકતા સહિત નિરક્ષીર વિવેકથી સમાચારો વાચકો સુધી પહોંચાડી પોતાનો અખબારી ધર્મ નિભાવે તે જરૂરી છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે સરદાર પટેલ અને વીર વિઠ્ઠલભાઇ પટેલ સ્મારક ભવન, કરમસદ ખાતે ગુજરાતના પ્રિમીયર અખબાર નવગુજરાત સમયની મધ્ય ગુજરાત સમય આવૃતિનું લોકાર્પણ કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતની છે, ત્યારે લોકશાહીના મૂલ્યોના જતન સાથે નાગરિકોને અપાયેલ બંધારણીય હક્કો, અધિકારો અંગે અખબારોએ પોતાની ભૂમિકા વિશ્વસનિયતા સાથે નિભાવવી પડશે.
સામાન્ય અને છેવાડાના માનવીની વાચા-વેદના અખબારોના માધ્યમથી ઉજાગર થાય છે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, પ્રવર્તમાન સમયમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાનો પ્રભાવ વધી રહ્યો છે. ઝડપી સમાચારો આપવાની હોડમાં ક્યાંક ઉતાવળથી સત્યથી વેગળા અને અવિશ્વસનીય સમાચારો પ્રસિધ્ધ ન થાય તે જોવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, લોકશાહી શાસન વ્યવસ્થામાં મીડિયાની સમાજ અને પ્રજા જીવન પર વ્યાપક અસર ઉભી થાય છે. ત્યારે મીડિયા સંપુર્ણ પારદર્શિતાથી વાચકોની વિશ્વસનિયતા જળવાઇ રહે તે માટે પોતાની જવાબદારી અદા કરે તે સમયની માંગ છે.
મુખ્યમંત્રીશ્રીએ નવગુજરાત સમય મધ્ય ગુજરાતમાં પોતાની જવાબદારી સૂપેરે નિભાવી સરદાર સાહેબના જીવન મૂલ્યો, આદર્શો અને પરંપરાઓને આગળ વધારી પ્રજાના પ્રશ્નોને વાચા આપી લોકશાહીને મજબુત બનાવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સરદાર સ્મારક ખાતે મુખ્યમંત્રીશ્રીએ અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ અને વીર વિઠ્ઠલભાઇ પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હ્રદયાંજલિ અર્પી હતી.
અગ્રણીશ્રી સિધ્ધાર્થ પટેલે નવગુજરાત સમય પ્રજાના પ્રશ્નોને અસરકારક રીતે વાચા આપી નવી દિશા તરફ આગળ લઇ જશે એવો વિશ્વાસ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
નવગુજરાત સમયના ચીફ એડીટર શ્રી અજય ઉમટે જણાવ્યું હતું કે, ચરોતર એ ગુજરાતનું દિલ છે. શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ, સાક્ષરો, સંતોની આ ભુમિ પર નવ ગુજરાત સમય સંપુર્ણ પ્રમાણિકતા અને વિશ્વસનિયતા સાથે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનો એક માત્ર સંનિષ્ઠ પ્રયત્ન કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.
પ્રારંભમાં સાયોના ગૃપના વસંતભાઇ પટેલે સૌનો આવકાર કર્યો હતો.
આ અવસરે ખાણ-ખનિજ રાજ્યમંત્રીશ્રી રોહિતભાઇ પટેલ, વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ, સાંસદશ્રી દિલીપભાઇ પટેલ, દેવુંસિંહ ચૌહાણ, લાલસિંહ વડોદિયા, સાયોના ગ્રુપના ચેરમેનશ્રી સુરેશભાઇ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી સંજયભાઇ પટેલ, રાજેન્દ્રસિંહ પરમાર, અમિતભાઇ ચાવડા, જયંતભાઇ પટેલ, નિરંજનભાઇ પટેલ, પૂનમભાઇ પરમાર, કેસરીસિંહ સોલંકી, અગ્રણીશ્રી મહેશભાઇ પટેલ, મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી. શ્રી ભાગ્યેશ જહા, કલેક્ટર ડૉ. ધવલ પટેલ, ડી.ડી.ઓ શ્રી એ.કે.કે.યાદવ, એસ.પી શ્રી સૌરભસિંહ, સાયોના ગૃપના હોદ્દેદારો, નવગુજરાત સમયના કર્મીઓ હાજર રહ્યા હતાં.
Source: Information Department, Gujarat