અત્યાધુનિક સુવિધાયુક્ત ચિલ્ડ્રન હોમમાં કમ્પ્યુટર ક્લાસ તેમજ બાળકોના મનોરંજન માટે ટી.વી, રમત-ગમતના સાધનો, લાઈબ્રેરી, કાઉન્સેલિંગ રૂમ અને સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ
મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધી જયંતી અવસરે પોરબંદરની ભૂમિ પર રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના સમાજ સુરક્ષા ખાતા દ્વારા ૪ કરોડ ૨૬ લાખના ખર્ચે નિર્માણ થયેલા ‘ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ’ના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્ય સરકાર અનાથ, નિરાધાર, પરિવારથી વિખૂટા પડેલા બાળકો, મા-બાપથી વિખૂટા પડેલા બાળકો, બાળ મજૂરીમાંથી મુક્ત કરાયેલા બાળકો, ભિક્ષા માંગતા બાળકો, માનસિક બીમાર, માતા-પિતા કાળજી લેવા સક્ષમ ન હોય, ઘર છોડીને આવેલા, જાતિય શોષણનો ભોગ બનેલા, જે બાળકનો વાલી ન હોય તેવા બાળકો માટે સમગ્ર રાજ્યમાં ચિલ્ડ્રન હોમના નિર્માણથી આવા બાળકોની સાર સંભાળ અને સમાજમાં પુનઃસ્થાપનની કામગીરી કરતી રહે છે.
રાજ્યભરમાં સરકાર દ્વારા ૩૧ સરકારી, ૨૮ ગ્રાન્ટ ઈન એઈડ તેમજ ૫૦ સ્વભંડોળથી ચાલતા ચિલ્ડ્રન હોમની સ્થાપના કરવામાં આવી છે. જેમાં અત્યારે રાજ્યના આવા બાળ સંભાળ ગૃહમાં ૧૬૦૮ બાળકો નિવાસ કરી રહ્યા છે.
પોરબંદરના આ નવનિર્મિત ચિલ્ડ્રન હોમમાં ૫૦ બાળકોને આશ્રય આપવામાં આવશે. આ ચિલ્ડ્રન હોમના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ૫૦૦૦ ચોરસ મીટર જમીન પર આકાર પામ્યું છે. અત્યાધુનિક સુવિધાયુક્ત ચિલ્ડ્રન હોમમાં કમ્પ્યુટર ક્લાસ તેમજ બાળકોના મનોરંજન માટે ટી.વી, રમત-ગમતના સાધનો, લાઈબ્રેરી, કિચન, ભોજન ખંડ, કાઉન્સેલિંગ રૂમ, વોટર કુલર, સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટીની સુવિધાઓ રાખવામાં આવી છે.
Source: Information Department, Gujarat