Latest News

સુરતના વક્તાણા ગામે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડની મુલાકાત લેતાં મુખ્યમંત્રીશ્રી

    ૨૨ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડની કામગીરીનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું

    યાર્ડમાં ૩૦થી ૬૦ મીટર લંબાઈના ૨૯૪ સ્પાનનું ઉત્પાદન પ્રગતિમાં છે

    ——–

    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજરોજ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વક્તાણા ગામે, ભાટિયા ટોલ પ્લાઝા પાસે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ (@ Ch. ૨૫૪)ની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટરશ્રી સતિષ અગ્નિહોત્રીએ મુખ્યમંત્રીશ્રીને ૨૨ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડની સમગ્રલક્ષી કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતાં.

    મુખ્યમંત્રીશ્રી સાથે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી,  કૃષિ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ પણ જોડાયા હતાં.

    નોધનીય છે કે, સુરતના વક્તાણા ગામ (@Ch.૨૫૪) ખાતે સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં ૩૦થી ૬૦ મીટર લંબાઈના ૨૯૪ સ્પાનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેમાં ૫૨૯૨ સેગમેન્ટના કાસ્ટિંગનો સમાવેશ થાય છે. આ સ્પાન દ્વારા નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ. બનાવવામાં આવી રહેલા મુંબઈ-અમદાવાદ HSR કોરિડોરમાં ૯ કિમી લંબાઈના વાયાડક્ટ બનશે.

    NHSRCL નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.એ સેગમેન્ટલ મેથડ સાથે ફુલ સ્પાન લોન્ચિંગ મેથડ (૪૦ મીટર લંબાઈ) અપનાવી છે. સેગમેન્ટલ ગર્ડર્સની સરખામણીમાં ફુલ સ્પાન ગર્ડર્સ (૪૦ મીટર લંબાઈ) વધુ પસંદ કરવામાં આવે છે, કારણ કે તેને ઉભા કરવાનું કામ સાત ગણું ઝડપી હોય છે.

    આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, NHSRCLના એક્ઝિક્યુટીવ ડિરેક્ટરશ્રી પ્રમોદ શર્મા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

    Source: Information Department, Gujarat