Latest News

ઉનાના ગરાળ ગામના અસરગ્રસ્તો સાથે મુખ્યમંત્રીશ્રીનો સંવેદનાપૂર્ણ સંવાદ

-: મુખ્યમંત્રીશ્રી :-

  • તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત દરિયાઇ પટ્ટીના તાલુકાઓને યુદ્ધના ધોરણે ફરી બેઠા કરીશું
  • ખેતીબાગાયત પાકોને થયેલા નુકશાનનો તત્કાલ સર્વે કરી ખેડૂતોને સહાય મદદ કરાશે
  • વીજ પુરવઠોપાણી પુરવઠો ત્વરાએ પૂર્વવત કરવા તાકિદ
  • મકાનોને થયેલા નુકશાનનો સર્વે કરી જેમના મકાનોને નુકશાન થયું છે તે તમામને નિયમાનુસાર મદદસહાય માટે જિલ્લાતંત્રને માર્ગદર્શન આપતા મુખ્યમંત્રીશ્રી
  • રિસ્ટોરેશન કામગીરીમાં જરૂરિયાત મુજબ વધારાનો મેન પાવર અન્ય તાલુકાજિલ્લામાંથી બોલાવીને ત્વરાએ કામગીરી પૂર્ણ કરવા સૂચના

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાને પરિણામે ઊભી થયેલી પરિસ્થિતી અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાના ગામો-વિસ્તારોમાં થયેલ નુકશાન, તારાજીની જાત માહિતી મેળવવા અને ગ્રામીણ નાગરિકોની વિપદામાં સહભાગી થવા ઉના તાલુકાના ગરાળ ગામે પહોચ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી હવાઇ માર્ગે ઉનાના ગરાળ ગામે પહોંચતા સુધી માર્ગમાં આવતા ગામો-વિસ્તારોમાં તાઉ-તે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતી અને નુકશાનીનું હવાઇ નિરીક્ષણ પણ કર્યુ હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉનાના ગરાળ ગામે આ વાવાઝોડાને પરિણામે લોકોના મકાનો, ખેતીવાડીને થયેલા નુકશાનનો કયાસ કાઢવા ગ્રામજનો સાથે લાગણીસભર સંવાદ કર્યો હતો.

તેમણે ગરાળના મહિલા સરપંચ મોંઘીબહેન અને ગ્રામજનો પાસેથી આ વાવાઝોડાએ સર્જેલી તારાજીની આપવિતી સંવેદનાપૂર્વક સાંભળીને આ વિપદામાં રાજ્ય સરકાર ગ્રામજનોની પડખે હોવાનો સધિયારો આપ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર પણ આ વેળાએ મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ખેતી-બાગાયતી પાકો તેમજ મકાનોને થયેલા વ્યાપક નુકશાન અંગે તાત્કાલિક સર્વે કામગીરી હાથ ધરીને નિયમાનુસારની રાહત ગ્રામજનોને આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

શ્રી વિજયભાઇ રૂપાાણીએ ગરાળ ગામમાં તાઉ-તે વાવાઝોડાને પરિણામે સર્જાયેલી સ્થિતીનું જાત નિરીક્ષણ કર્યા બાદ ઉના પ્રાંત અધિકારીની કચેરીમાં જિલ્લા તંત્રના અધિકારીઓ, અગ્રણીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સમગ્ર સ્થિતીની તલસ્પર્શી વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું કે, વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના સહિતના દરિયાઇ પટ્ટીના તાલુકાઓને યુદ્ધના ધોરણે ફરી બેઠા કરી પૂર્વવત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.

તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકશાનીના પ્રાથમિક અંદાજો તૈયાર કરવા જિલ્લા તંત્રને માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વીજળી, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના પુરવઠાને અસર પહોચી છે તે તત્કાલ નિવારીને આ પુરવઠો સમયમર્યાદામાં પૂર્વવત કરી દેવા સુચનાઓ આપી હતી.

આ હેતુસર હાલ વીજ દુરસ્તી કામમાં કાર્યરત ર૦૦ કર્મચારીઓ ઉપરાંત આવતીકાલ શુક્રવાર સુધીમાં વધારાના ૩૦૦ જેટલા કર્મચારીઓ અન્ય જિલ્લાઓમાંથી બોલાવીને વીજ સેવા તાત્કાલિક પૂર્વવત કરવા પણ તેમણે સૂચન કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગરીબ વર્ગના લોકો સહિતના લોકોના મકાનોને થયેલા નુકશાનનો સર્વે હકારાત્મક વલણ સાથે કરવા તેમજ ઉના નગરપાલિકા વિસ્તારમાં તાત્કાલિક સાફ સફાઇ કરવા, રોડ પર વૃક્ષો પડવાથી ઊભી થયેલી આડશ દૂર કરવા તેમજ અન્ય રિસ્ટોરેશન કામગીરી માટે જરૂર જણાયે વધારાનો મેન પાવર અન્ય તાલુકા-જિલ્લામાંથી બોલાવી આગામી બે દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવા પણ તાકીદ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લામાં ૧૭૦ ગામમાં વાવાઝોડાને લીધે પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. જિલ્લા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે જનરેટર મૂકીને પાણીની જરૂરિયાત પૂરી કરી શકાય તે માટે ૨૪ કલાકમાં કામગીરી પૂર્ણ થઇ છે. હવે માત્ર ૬૪ ગામોમાં આ વ્યવસ્થા કરવાના બાકી છે તે આવતીકાલ શુક્રવાર સાંજ સુધીમાં કરી નાખવા મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી અજય પ્રકાશે મુખ્યમંત્રીશ્રીને ગીર સોમનાથ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા કરાઇ રહેલી રાહત અને રિસ્ટોરેશન કામગીરીની સંપુર્ણ વિગતો આપી હતી.

ગરાળ ખાતે મુખ્યમંત્રી શ્રી ની સાથે મંત્રી શ્રી પરસોતમભાઈ સોલંકી, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ, રાજશીભાઈ જોટવા, જેઠાભાઇ સોલંકી, ગોવિંદભાઇ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસીભાઈ પરમાર, અગ્રણી ઝવેરીભાઈ ઠાકરાર, રેન્જ આઈજી મનિન્દરસિંહ પવાર, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉના પ્રાંત કચેરી ખાતે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat