Latest News

મુખ્યમંત્રીશ્રીએ દાહોદની રૂપાખેડા ગામે પ્રાથમિક શાળાનું પગથિયું ચડવા યોગ્ય ૫૮ બાળકોને શાળાના આંગણે આવકાર્યા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પંદરમાં કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ અભિયાનના પ્રથમ દિવસે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના અંતરિયાળ એવા આદિજાતિ વસતિ ધરાવતા રૂપાખેડા પ્રાથમિક શાળા ખાતેથી રાજયવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ રૂપાખેડા પ્રાથમિક શાળામાં શાળાનું પગથિયું ચડવા યોગ્ય ૩૦ કુમાર અને ૨૮ કન્યા સહિત ૫૮ બાળકોને શાળાના આંગણે આવકાર્યા હતા. આંગણવાડીના ૩૬ બાળકોને પ્રવેશ અપાવવા સાથે ધોરણ-૯માં પ્રવેશપાત્ર ૧૧૨ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અપાવી ગ્રામજનો સાથે જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં પ્રેરક ભાગીદાર બન્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજયમાં પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર એકપણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહે, પ્રાથમિક શાળામાં સો ટકા નામાંકન અને સો ટકા સ્થાયીકરણથી શિક્ષણને પ્રાણવાન બનાવવા રાજય સરકાર કૃતસંકલ્પ છે.

        રાજય સરકારે પ્રાથમિક શિક્ષણને ગતિશીલ બનાવવા માટે ગુણાત્મક શિક્ષણ, ૧૦૦ ટકા નામાંકન અને ૧૦૦ ટકા સ્થાયીકરણના ત્રણ હેતુઓ સાથે શિક્ષણ વિકાસની પ્રતિતીનો પ્રારંભ કર્યો છે તેમ તેમણે જણાવ્યું હતું.

        તેમણે જણાવ્યું કે બાળકોની તેજસ્વીતાને સમયાનુકૂલ યોગ્ય દિશા મળે તે માટે ટેકનોલોજીનો વિનિયોગ કરીને ટેબલેટ, કોમ્પ્યુટર દ્વારા ડિજીટલ લર્નીંગ સિસ્ટમ શરૂ કરી છે. જે અંતર્ગત રાજયમાં ૨૫૦૦ જેટલા વર્ચ્યુઅલ કલાસ દ્વારા બાળકોને શિક્ષણ અપાશે. રાજયની તમામ પ્રાથમિક શાળાઓમાં ઇ-લર્નીંગ સ્માર્ટ કલાસ રૂમ શરૂ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

        ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૩ થી પ્રાથમિક શાળામાં સો ટકા નામાંકનના ધ્યેય સાથે શાળામાં બાળકોના પ્રવેશને ઉત્સવનું સ્વરૂપ આપીને પ્રવેશ પ્રક્રિયાને સામાજિક અભિયાનનું સ્વરૂપ આપ્યું હતું. તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના પરિણામે રાજયમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સાર્વત્રિક સુધારાની ક્રાંતિ થઇ છે.

        ‘‘શાળા પ્રવેશોત્સવ માત્ર શિક્ષણ વિભાગનો કાર્યક્રમ નહીં પરંતુ સમાજનો પ્રત્યેક નાગરિક શાળા પ્રવેશોત્સવમાં જોડાઇને સામાજિક ઉત્તરદાયિત્વ સાથે સમાજ ઘડતરનો શિક્ષણ સેવાનો મહાયજ્ઞ બની રહયો છે’’ તેમ તેમણે જણાવ્યું હતું.

        મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે શિક્ષણ થકી જ વિકાસની પરાકાષ્ઠા સર્જવાની સાથે માનવ સુચકાંક ઉંચો આવશે અને વ્યકિત સમાજ ઘડતરમાં પોતાનું યોગદાન આપી શકશે.

        પ્રાથમિક શિક્ષણથી જ શિક્ષકો બાળકોના ઉમદા ઘડતરનું દાયિત્વ નિભાવે તેવી અપિલ તેમણે કરી હતી.

        આદિવાસી બાળકો દુનિયા સાથે આંખમાં આંખ મિલાવી ખુમારી સાથે ગમે તેવા પડકારોને ઝીલી શકે તે માટે સક્ષમ બનાવવા આદિજાતિ વિસ્તારોમાં એકલવ્ય મોડલ રેસીડન્સી શાળાઓ  શરૂ કરી છે. તેની સફળતાની ભુમિકા શ્રી વિજયભાઇ રૂપાણીએ આપી હતી.

        મુખ્યમંત્રીશ્રીએ વર્ગો ખંડોમાં જઇ સહજ શિક્ષક ભાવે બાળકો સાથે પ્રશ્ર્નોત્તરી કરી વિદ્યાર્થીઓની વાંચન-લેખન અને ગણન કોશલ્ય ક્ષમતાની ચકાસણી કરી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાલક્ષ્મી બોન્ડ, સગર્ભા ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર, સરસ્વતી સાધના હેઠળ સાયકલ વિતરણ કરવા સાથે ધોરણ-૩ થી ૮માં પ્રથમ ક્રમે ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓ, દાતાઓ તથા વયોવૃધ્ધ નાગરિકોનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સર્વશિક્ષા અભિયાન હેઠળ બે પરિવહન વાનને પ્રસ્થાન કરાવ્યું હતું.

        આ અવસરે પૂર્વ ધારાસભ્યશ્રી મહેશભાઇ ભૂરિયા, અગ્રણીશ્રી શંકરભાઇ અમલિયાર, સરપંચશ્રી રેતાબેન ભૂરિયા, પ્રભારી સચિવશ્રી સોનલ મિશ્રા, કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, બાળકો, વાલીઓ, શિક્ષકો સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા હતા.

Source: Information Department, Gujarat