Latest News

ગૌરવ દિવસ ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રીશ્રીની જાહેરાત – પાટણ જિલ્લાને મળશે રૂ. 140.68 કરોડના વિકાસના કામો

  આ પૈકી માત્ર પાટણ શહેરમાં પાણી પૂરવઠા- ગટર વ્યવસ્થા- બગીચા માટે રૂપિયા 127 કરોડના કામો કરાશે

  રાજ્યના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં જુલાઇ21  થી 3 ટકાના વધારાની મુખ્યમંત્રીશ્રીની જાહેરાત

  ************

  -: મુખ્યમંત્રીશ્રી :-

  • આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા 2 દાયકાથી વિકાસની રાજનીતિનો યુગ શરૂ કર્યો
  • ગુજરાત જનભાગીદારીથી વિકાસનું રોલ મોડલ બન્યું
  • વિકાસનું પર્વ લોકો વચ્ચે જઇને ઉજવ્યા અને તેના લાભ છેવાડાના માનવી સુધી પહોંચતા થયા

  ************

  મુખ્યમંત્રીશ્રીએ અતૃલ્ય વારસો પાટણ પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું

  ************

  રાષ્ટ્રીય પર્વો રાજ્યના પાટનગરમાં ઉજવવાના બદલે જૂદા જૂદા જિલ્લા મથકે  ઉજવવાની પરંપરાના ભાગ રૂપે રાજ્યના ઉત્તર ગુજરાતના મહત્વના એવા પાટણ જિલ્લ્લામાં ૧લી મે-સ્થાપના દિવસની ઉજવણી યોજાઇ છે.

  આ ઉજવણીના ભાગરૂપે રાજ્યના  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.  મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા 2 દાયકાથી વિકાસની રાજનીતિનો યુગ શરૂ કર્યો છે. તેની પ્રતિતી જનસમુહને પણ થઇ છે. શ્રી નરેન્દ્રભાઇએ રાજ્યના વિકાસમાં જનભાગીદારીને જોડવાના કરેલા અભિયાનને ગુજરાત વધુ તેજ ગતિથી આગળ વધારી રહ્યું છે. તેના પગલે ગુજરાત જનભાગીદારીથી વિકાસનું રોલ મોડલ બન્યું છે. વિકાસનું પર્વ લોકો વચ્ચે જઇને ઉજવવા અને તેના લાભ છેવાડાના માનવી સુધી પહોંચતા થયા છે એમ તેમણે ઉમેર્યું હતું.

  મુખ્યમંત્રી શ્રીએ આજે ગુજરાત ગૌરવ દિવસ ઉજવણીના ઉપલક્ષ્યમાં પાટણ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પાટણ જિલ્લા માટે વિકાસ કામોની જાહેરાત કરી હતી. જેમાં પાટણ જિલ્લામાં રૂપિયા 140.68 કરોડના  વિકાસના કામો હાથ ઘરવાની જાહેરાત કરી હતી. આ સાથે રાજ્યના કર્મચારીઓ માટે મોંધવારી ભથ્થામાં જુલાઇ 21થી 3 ટકાના વધારાની પણ મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી.

  ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તા-૦૧-૦૭-૨૦૨૧ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.

  આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.

  મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.

  રાજ્ય સરકારના ૬ઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ૭ ટકાનો વધારો તા-૦૧-૦૭-૨૦૨૧ની અસરથી આપવાનો સ્તુત્ય નિર્ણય પણ કર્યો છે.

  મુખ્યમંત્રીશ્રીએ વિકાસના કામોની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, પાટણ જિલ્લાના નગરોમાં પાણી પૂરવઠા, ડ્રેનેજ લાઇન તથા તળાવોના નવીનિકરણના 8 કામો સહિત જન સુખાકારીના કામો માટે રૂપિયા 140.68 કરોડ ‘અમૃત – 2.0’ યોજનામાંથી ફાળવવામાં આવશે. તે પૈકી એટલા પાટણ શહેરમાં જ પાણી પૂરવઠા અને ડ્રેનેજના કામો માટે રૂપિયા 127 કરોડ વપરાશે. પાટણ જિલ્લામાં સિદ્ધપૂર નગરપાલિકામાં પાણી પૂરવઠાના કામો માટે રૂપિયા 86 લાખ, ચાણસમાં નગરપાલિકામાં પાણી પૂરવઠાના કામો માટે રૂપિયા 6.41 કરોડ, તથા તળાવના નવિનીકરણ માટે રૂપિયા 1 કરોડ, હારિજ નગરપાલિકામાં પાણી પૂરવઠાના કામો માટે રૂપિયા 3.94 કરોડ તેમજ તળવાના નવિનીકરણ માટે રૂપિયા 1 કરોડ મળી કુલ રૂપિયા 140.68 કરોડના વિકાસ કામોની જાહેરાત મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

  ઉપરાંત આ કામોમાં ફાયર અને સેફ્ટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી ફાયર ફાયટિંગની સંભવિત ઘટનાઓ સામે પાટણ જિલ્લાને આત્મનિર્ભર બનાવવા રૂપિયા 5 કરોડના ખર્ચે મોડલ ફાયર સ્ટેશનનું નિર્માણ કરાશે. પાટણ જિલ્લાના લોકોને તેમના રોજિંદા કામો સરળતાથી થઇ શકે તે માટે રૂપિયા 38 લાખના ખર્ચે પાટણ નગરપાલિકામાં સિવિક સેન્ટર બનાવવાના કામોનો પણ સમાવેશ થાય છે.

  મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર રાજ્યના લોકોને 1લી મે – સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતની અલગ રાજ્ય તરીકે સ્થાપના થઇ ત્યારથી આજ સુધીમાં ગુજરાતે વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કર્યા છે. પત્થરમાંથી પાણી કાઢવાનું સામર્થ્ય ધરાવતા ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં વિકાસની નવી કેડી કંડારી છે. ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન છે, વિકાસમાં હંમેશા અગ્રેસર રહેલા ગુજરાતને હજુ વધુ આગળ લઇ જવા આપણે સૌ સંકલ્પબંધ બનીએ તે સમયની માંગ છે. મુખ્યમંત્રીશ્રીએ સ્થાપના દિવસની ઉજવણીના ઉપલકક્ષમાં પાટણ જિલ્લામાં 75 તળાવો બનાવવા આહવાન કરી લોકોને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.

  મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં વિકાસ કેવો હોય ? અને વિકાસ કોણે કહેવાય તે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર વિશ્વને બતાવ્યું છે. અગાઉની સરખાણીમાં વિકાસની ગતિ વધુ વેગવાન બનાવતા સંખ્યા બંધ નિર્ણયો ભાજપ શાસિત રાજ્ય સરકારે લીધા છે તેને પગલે ગુજરાત વિકાસની નવી ઉંચાઇઓ પ્રસ્થાપિત કરી શક્યું છે તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે.

  મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજથી 20 વર્ષ પહેલા રાજ્યમાં 360 કિલોમિટર લાંબી બલ્ક લાઇન હતી આજે રાજ્યમાં 2685 કિલોમિટર લાંબી બલ્ક લાઇન કાર્યાન્વિંત કરી છે. જળ-ઉર્જા-જ્ઞાન શક્તિનો જે મહિમા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉજાગર કર્યો હતો તેને વધુ પરિણામ લક્ષી બનાવવા રાજ્ય સરકાર કાર્યરત છે.  છેલ્લા બે દાયકામાં રાજ્યમાં 111 યુનિવર્સિટીઓ ઊભી કરી છે.

  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશ આખામાં ડિજીટલ ક્રાંતિના મંડાળ કર્યા છે તેને રાજ્ય સરકારે પણ મૂર્તિમંત કરવા કમર કસી છે. રાજ્યમાં ટેક્નોલોજીનો છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ભાગરૂપે સંખ્યાબદ્ધ નિર્ણયો કર્યા છે. આવકના પ્રમાણપત્રની મર્યાદા 3 વર્ષની કરી છે, દિવ્યાંગો માટેનું પ્રમાણપત્ર આજીવન બનાવવા જેવા નિર્ણયોથી બહોળા સમુદાયને આવરી લેવાયો છે. આજે પાટણમાં શરૂ કરાયેલ સાયન્સ સેન્ટર વિદ્યાર્થીઓ માટે આગવું આકર્ષણ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

  આ પ્રસંગે સહકાર મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, આજે સૌ ગુજરાતીને ગર્વ છે કે આ સ્થાપના દિવસની ઉજવણી પાટણ ખાતે થઈ રહી છે. ગુજરાતનો સ્થાપના દિવસ માત્ર ગાંધીનગર જ નહીં પરંતુ ગુજરાતના દરેક જિલ્લામાં ઉજવાય અને સાથે સાથે અનેક વિકાસના કર્યો થાય તેવા વિચારોને લઈને આ પરંપરા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરી હતી.

  મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે, આ ગૌરવ દિવસની ઉજવણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ઉપસ્થિતિમાં પાટણ જિલ્લામાં થઇ રહી છે ત્યારે આજે અનેક વિકાસ કામોની ભેટ પણ મુખ્યમંત્રીશ્રી પાટણના નાગરિકોને આપી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

  શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યનું શ્રેષ્ઠ સાયન્સ સેન્ટર પાટણમાં શરૂ કર્યું છે. વિજ્ઞાનની સમજ વધુ વ્યાપક બને તેવા પ્રયાસોના ભાગરૂપે આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ સ્થિત સાયન્સ સિટી પણ આજે સમગ્ર ભારતનું આકર્ણ કેન્દ્ર બન્યું છે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તેના માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. આગામી સમયમાં 25 જિલ્લાઓમાં ‘સાયન્સ સેન્ટર’ શરૂ કરાશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

  શ્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે, પાટણ  ‘પટોળા’ અને ‘રાણકી વાવ’ના પગલે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇના પટેલના નેતૃત્વમાં રાજ્ય વિકાસની રાજનીતિ સાથે આગળ વધી રહ્યું છે, તેના પગલે પાટણ સ્થિત સમગ્ર રાજ્યની પ્રતિભા નવી ઉંચાઇએ પ્રસ્થાપિત થઇ છે એમ તેમણે ઉમેર્યું હતું.

  આ અવસરે મુખખ્યમંત્રી શ્રીએ ‘અતૃલ્ય વારસો પાટણ’ પુસ્તકનું પણ વિમોચન પણ કર્યું હતું.

  આ પ્રસંગે સાંસદ સભ્ય શ્રી ભરતભાઇ ડાભી, સર્વે ધારાસભ્યશ્રીઓ, કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

  Source: Information Department, Gujarat