Latest News

કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતીના મક્કમતાથી મુકાબલા માટે મુખ્યમંત્રીશ્રીની ત્રણ મહત્વપૂર્ણ જાહેરાતો

    વિશ્વવ્યાપી કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં ગુજરાતમાં સર્જાયેલી પરિસ્થિતીની નિયમીત સમીક્ષા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

    ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ સહિતના ઉચ્ચ અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયોની આ મુજબ જાહેરાત કરી હતી. 

    • કોરોનાની અસરથી જાન ગુમાવવાનો વારો આવે તેવા વિપરિત સંજોગોમાં રાજ્ય સરકાર પોલીસ-સુરક્ષાકર્મીને રૂ. રપ લાખની સહાય આપશે :-

    મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા જે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેને રાજ્યમાં સફળ બનાવવા પોલીસકર્મીઓ ર૪ કલાક દિવસ-રાત ફરજ બજાવે છે.

    એકબીજાના સંપર્કમાં આવવાથી વ્યાપકપણે ફેલાતો કોરોના વાયરસ વધુ પ્રસરે નહી તે માટે કોઇપણ વ્યકિત પોતાના ઘરની બહાર ન નીકળે, લોકો પોતાના ઘરમાં જ રહે તે માટે પોતે પોતાના જીવને જોખમમાં મૂકીને પણ સતત ફરજ બજાવતા પોલીસ, એસ.આર.પી, ગ્રામરક્ષક દળ, હોમગાર્ડ અને ટ્રાફિક જવાનો સહિત જેઓ લોકોની સુરક્ષા સાથોસાથ જરૂરિયાતની સેવાના કામો પણ આ વિકટ પરિસ્થિતીમાં કરે છે. નિ:સહાય વૃદ્ધોને મદદ કરવી, નિરાધાર લોકોને જમવાની વ્યવસ્થા સંભાળવી જેવા સેવાના કામો કરતા આ સુરક્ષાકર્મીઓ પ્રત્યે માનવીય સંવેદના દર્શાવી રાજ્ય સરકારે તેમની સહાયતા માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

    મુખ્યમંત્રીશ્રીએ આવા જવાનોને કોરોના સંદર્ભમાં ફરજ દરમિયાન  ગંભીર બિમારીની  સ્થિતી સર્જાય અને કોઇનું દુઃખદ અવસાન થાય તો તેમના પરિવારજનોની વિપદામાં પડખે ઉભી રહી રાજ્ય સરકાર રૂ. રપ લાખની સહાય કરશે તેમ જાહેર કર્યુ હતું.

    તેમણે કહ્યું કે કોરોના સામેનો આ જંગ ઓછામાં ઓછા લોકોના મૃત્યુથી આપણે જીતવો છે. આમ છતાં જો કોઇ વિકટ સ્થિતી સર્જાય અને આવા સુરક્ષાકર્મી પોતાનો જીવ ગુમાવે તો રાજ્ય સરકાર તેમની પડખે રહે તેવા ઉદાત્ત ભાવથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.

    • રાજ્યના દરેક જિલ્લામથકોએ ૧૦૦ બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવામાં આવશે:-

    શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે કોરોના વાયરસ અને પોઝીટીવ કેસોનો ગ્રાફ જો વધે તો સારવાર સુવિધા માટે રાજ્યના મહાનગરો ઉપરાંત પ્રત્યેક જિલ્લામથક પર ૧૦૦ બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

    આ આઇસોલેશન હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથે ૧૦ આઇ.સી.યુ અને ૯૦ બેડની સુવિધા વ્યવસ્થા તાકીદે કરવામાં આવશે, તેમ પણ તેમણે જાહેર કર્યુ હતું.

    • દરેક ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી રૂ. રપ લાખ કોરોના વાયરસના ઇલાજ માટે દવાઓ-સાધન સુવિધાઓ માટે ગુજરાત હેલ્થ સોસાયટીને આપશે :-

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોરોનાની આ વિશ્વવ્યાપી મહામારી સામે રાજ્યના આરોગ્ય વિભાગની કામગીરીમાં સહાયરૂપ થવા દરેક ધારાસભ્યએ રજૂઆત કરી હતી.

    ધારાસભ્યોની આ રજૂઆતને ધ્યાને લઇને રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે તમામ ધારાસભ્યો રૂ. રપ લાખ સુધીની ગ્રાન્ટ કોરોના વાયરસના  ઇલાજ અને દવાઓ, વેન્ટીલેટર, ડાયાલીસીસ મશીન, પોષાક સુવિધાઓ  તથા ટેસ્ટીંગ સાધનો માટે ગુજરાત હેલ્થ સોસાયટીને આપશે તેની જાહેર પણ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

    ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યુ છે કે,સમગ્ર દેશમાં કોરોનાવાયરસની મહામારી સામે  પૂરી તાકાતથી એકજૂથ થઈને  લડવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગત તારીખ 25  માર્ચથી  આગામી 21 દિવસ સુધી  દેશમાં લૉકડાઉન જાહેર કર્યું છે. આ લૉકડાઉનની  સ્થિતિને પહોંચી વળવા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની જનતાને મુખ્યમંત્રી રાહત નિધિમાં ઉદાર હાથે ફાળો આપવા અનુરોધ કર્યો છે જેના પરિણામ રૂપે આ મહામારી સામે લડવા  રાજ્યમાંથી  વિવિધ સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, નાગરિકો  અને  વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા  ઉદાર હાથે ફાળો આપવામાં આવી  રહ્યો છે.

    મુખ્યમંત્રીશ્રીના આ અનુરોધના પગલે ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) અને તેની ચારેય વીજ વિતરણ કંપનીઓ – DGVCL, MGVCL, PGVCL અને UGVCL, વીજ ઉત્પાદન કંપની GSECL અને વીજ પરિવહન કામગીરીમાં જોડાયેલ GETCOના કુલ 54000 જેટલા કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા કોરોના (કોવિડ 19) વાયરસ સામેના આ જંગમાં તેમનો એક દિવસનો પગાર રૂ. 6.50 કરોડ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપી આ મહામારી સામેની લડાઈમાં યથાયોગ્ય સહકાર આપવાનું નક્કી કરેલ છે. વીજ કંપનીના માન્ય તમામ 6 યુનિયનોએ પણ સામે ચાલીને આ પહેલને આવકારી સહમતી આપી છે જે ઉદાહરણીય છે.

    ઊર્જા મંત્રીશ્રી સૌરભ પટેલે ઉમેર્યુ કે, કોરોના મહામારીને નાથવાના જંગ સામે જ્યારે સમગ્ર દેશ અને રાજ્ય લોકડાઉન હેઠળ હોય રાજ્યમાં દરેક ખૂણામાં ચોવીસ કલાક અવિરત ગુણવત્તાયુક્ત વીજ પૂરવઠો યથાવત રાખવાની કટિબદ્ધતાને કાયમ રાખવા વીજ ઉત્પાદન, વીજ પરિવહન અને ફિલ્ડમાં વીજ વિતરણ ક્ક્ષાએ આવતા કોઈપણ ફોલ્ટને તાત્કાલિક અસરથી રીપેર કરી વીજ પૂરવઠો યથાવત કરવા GUVNL સલંગ્ન તમામ 6 કંપનીઓનો સ્ટાફ ખડે પગે કાર્યરત છે.

    મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે કહ્યું કે સમગ્ર રાજ્ય અને દેશના નાગરિકો જ્યારે ઘરમાં રહી આ મહામારીની હરાવવા તેમનો સહકાર આપી રહ્યા છે એક બાજુ જ્યારે હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફ દ્વારા કોરોના રોગ સામે મોરચો સંભાળ્યો છે ત્યારે વીજકંપનીનો સ્ટાફ ઓફિસમાં અને લાઇન સ્ટાફ ચોવીસ કલાક ફિલ્ડમાં રહી દેશસેવાને પ્રાથમિકતા આપી પોતાની ફરજ સંપૂર્ણ નિષ્ઠાથી બજાવી રહેલ જે ખૂબજ આપના સૌ માટે પ્રેરણાદાયી અને ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે.  વધુમાં જણાવવાનું કે રાજ્ય સરકારની GUVNL અને તેની સલંગ્ન તમામ 6 કંપનીઓ સાથે મળી કોરોના વાયરસ મહામારી સામેની લડાઈમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. 10 કરોડનું અનુદાન કરવાનો પણ નિર્ણય કરેલ છે.

    Source: Information Department, Gujarat