મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાંરાજ્યમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સારવાર ખર્ચમાં રાહત આપતો મહત્વપૂર્ણસંવેદનાસ્પર્શી નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણયને પરિણામે રાજ્યના ૮૦ લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવાર ખર્ચમાં મોટી રાહત મળશે અને આવા પરિવારો ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં મા કાર્ડ અને વાત્સલ્યમ્ કાર્ડનો ઉપયોગ કરી શકશે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ કોર કમિટીમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, મા કાર્ડ અનેવાત્સલ્યમ્ કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ધરાવે છે તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના રૂ. ૫,૦૦૦ સુધીની મર્યાદામાં ૧૦ દિવસના રૂપિયા ૫૦,૦૦૦ સુધીની સારવાર આ કાર્ડમાંથી વિનામૂલ્યે મળવા પાત્ર થશે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં મા કાર્ડ અને વાત્સલ્યમ્ કાર્ડ ધરાવતા અંદાજે ૮૦ લાખ જેટલા પરિવારોને કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં તારીખ ૧૦મી જુલાઈ ૨૦૨૧ સુધીઆ લાભ આપવાનો નિર્ણય કરીને કોરોનાની સારવાર ખર્ચમાં ગરીબ-મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપી છે.
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને નિયમિત મળતી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સહિતની વિવિધ બાબતોની સમીક્ષા હાથ ધરવામાં આવે છે.
શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, ગૃહ-રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમ, મુખ્ય મંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવશ્રીઓ સર્વશ્રી પંકજકુમાર, ડૉ. રાજીવકુમાર ગુપ્તા, શ્રી એમ.કે.દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવી અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat