Latest News

વડાપ્રધાનશ્રીનો 71મો જન્મદિવસ પ્રજ્ઞાચક્ષુઓ માટે સોનેરી દિવસ બન્યો : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

વડાપ્રધાનશ્રીના ૭૧માં જન્મદિવસે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજની પ્રેરણાથી વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ૧૧૦૦ પ્રજ્ઞાચક્ષુઓને સેન્સર બેઝ્ડ સ્ટીકનું વિતરણ

દિવ્યાંગતા અભિશાપ કે ઓશિયાળાપણું બને દિવ્યાંગો આત્મસન્માનથી જીવતા થાય તેવો સરકારનો અભિગમ છે : મુખ્યમંત્રીશ્રી

પૂરઅસરગ્રસ્ત વિસ્તારોના પૂર્નનિર્માણસહાય માટે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા મુખ્યમંત્રી રાહતનીધિ ફંડમાં રૂ. પાંચ લાખની સહાય

…….

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીનો ૭૧મો જન્મદિવસ પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં એક સોનેરી દિવસ ગણાશે કેમ કે આજે વડાપ્રધાનશ્રીના જન્મદિવસે પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજની પ્રેરણાથી વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ૧૧૦૦ પ્રજ્ઞાચક્ષુઓને સેન્સર બેઇઝડ સ્ટીક વિતરણ દ્વારા તેમને સરળતા અને સુવિધા મળશે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, માનવ સેવા, સમાજ સેવા, રાષ્ટ્ર સેવા, ધર્મ-પ્રચાર સેવા, યુવા-જાગૃતિ અભિયાન સહિત અન્ય સમાજિક કાર્યો કરીને રાષ્ટ્રનિર્માણમાં આ ઓર્ગેનાઇઝેશન સહયોગી બન્યું છે. કોરોનાના કપરાકાળમાં પણ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું તે ખૂબ જ સરાહનીય છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ વ્યક્તિઓને દિવ્યાંગ જેવું સન્માનજનક નામ આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવી છે. દિવ્યાંગોને કલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત થવાથી તેઓ સશકત બન્યા છે. દિવ્યાંગતા એ અભિશાપ કે ઓશિયાળા પણું ન બને અને દિવ્યાંગો પણ આત્મસન્માનથી જીવતા થાય તેવો આ સરકારનો અભિગમ છે.

૨૦૧૬માં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દિવ્યાંગજનોના અધિકારો માટે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ-૨૦૧૬ને પણ પસાર કર્યો છે, જેના દ્વારા દિવ્યાંગજનોને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વિકસિત સમાજમાં તમામ વર્ગોનું યોગદાન મહત્વપૂર્ણ હોય છે, ગરીબ, શોષિત, વંચિત, પીડિતની સાથે-સાથે દિવ્યાંગોનું યોગદાન પણ જરૂરી છે. એક શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણમાં દિવ્યાંગોને પણ સાથે લઈને ચાલવાનું છે.

શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગજનો માટે યુનિવર્સલ આઈ.ડી નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ જ રીતે સુગમ્ય ભારત અભિયાન દ્વારા સાર્વજનિક જગ્યા અને સરકારી કાર્યલયોમાં દિવ્યાંગજનો માટે સરળ આવન-જાવન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત સરકારે ૨૦૧૯થી ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમની શરૂઆત પણ કરી છે. દિવ્યાંગ સાધન સહાય યોજનામાં બમણો લાભ આપવામાં આવી રહ્યો છે. દિવ્યાંગ વ્યક્તિઓને મુદતી ધિરાણ, શૈક્ષણિક હેતુ માટે ધિરાણ, માઈક્રો ફાઈનાન્સ જેવી યોજનાઓ દ્વારા આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે સક્ષમ બનાવવા માટે આ નિગમે ૨૦૨૦-૨૧માં ૭ કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી છે. આ ઉપરાંત દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત દિવ્યાંગોને લાભ પણ આપવામાં આવી રહ્યા છે.

તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને સંત સુરદાસ યોજનામાં નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. દિવ્યાંગોને એસ.ટી. બસમાં મફત મુસાફરીની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે એમ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.

શ્રી વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજશ્રીએ કહ્યું કે, આજનો દિવસ પ્રજ્ઞાચક્ષુઓ માટે શ્રેષ્ઠ દિવસ છે. ૧૧૦૦ પ્રજ્ઞાચક્ષુઓને સેન્સર બેઝ્ડ સ્ટીકનું વિતરણ થયું જે પ્રજ્ઞાચક્ષુઓની દિનચર્યામાં ખુબ જ ઉપયોગી સાબિત થશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ ભારતની વિકાસની યાત્રાને સતત આગળ લઇ જઇ રહ્યા છે અને આ માટે જે પ્રયાસો થઇ રહ્યા છે એ ખુબ સરાહનીય છે એમ શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજ-વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન દ્વારા પૂરઅસરગ્રસ્ત વિસ્તારોના પૂર્નનિર્માણ-સહાય માટે મુખ્યમંત્રી રાહતનીધિમાં રૂ. પાંચ લાખની સહાય પણ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી અરવિંદભાઇ, અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઇ બારોટ, શ્રી પરીંદુ ભગત, ટ્રસ્ટી શ્રી અશોકભાઇ શાહ તેમજ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેના સભ્યો તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat