Latest News

મુખ્યમંત્રી શ્રીની સૌજન્ય મુલાકાતે જાપાનના મુંબઈ સ્થિતનવનિયુક્ત કોન્સ્યુલેટ જનરલ શ્રીયુત ડૉ. ફૂકહોરી યાસુકાતા

  આગામી વાયબ્રન્ટ સમિટ દ્વારા આત્મનિર્ભર ભારતની નેમને વધુ ગતિએ આગળ ધપાવવામાં જાપાન ગુજરાતમાં મોટા પાયે રોકાણોમાં સહભાગી થશે

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સૌજન્ય મુલાકાત જાપાનના મુંબઈ સ્થિત નવનિયુક્ત  કોન્સ્યુલેટ જનરલ શ્રીયુત ડૉ. ફૂકહોરી યાસુકાતાએ ગાંધીનગરમાં લીધી હતી.

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથેની આ બેઠકમાં જાપાન કોન્સ્યુલેટ જનરલે આગામી  વાયબ્રન્ટ સમિટ દ્વારા આત્મનિર્ભર ભારતની નેમને વધુ ગતિએ આગળ ધપાવવામાં જાપાન ગુજરાતમાં મોટા પાયે રોકાણોમાં સહભાગી થશે, તેવી તત્પરતા દર્શાવી હતી.

  મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે કોરોનાની સ્થિતિ અને ત્યારબાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતની ભૂમિકા મહત્વની બની છે. એફ.ડી.આઇ-વિદેશી મૂડીરોકાણ અને ઉદ્યોગોના વિકાસ માટે ભારતમાં ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન બની ગયું છે.

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ બેઠકની વિવિધ ચર્ચાઓ દરમ્યાન ગુજરાતના સર્વગ્રાહી વિકાસની પ્રભાવક ભૂમિકા આપતા સ્પષ્ટપણે કહ્યું કે, જાપાન અને ગુજરાત સાથે મળીને સ્ટ્રેટેજીકલી કામ કરશે તો આર્થિક અને ઔદ્યોગિક શકિત તરીકે વિશ્વના અન્ય વિકસિત દેશો કરતા આગળ વધી શકે તેમ છે.

  તેમણે જાપાનના પ્રધાનમંત્રીની ભારત-ગુજરાત-અમદાવાદની મુલાકાતની યાદ તાજી કરતા કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથેની આ મુલાકાતથી ગુજરાતને પણ મહત્તમ લાભ થયો છે.

  શ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના કપરાકાળ વચ્ચે પણ જાપાને સફળતાપૂર્વક ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરીને પોતાની ક્ષમતા વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.

  જાપાન કોન્સ્યુલેટ જનરલશ્રીએ પણ ગુજરાતના વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથેના ઔદ્યોગિક વિકાસથી તેઓ પ્રભાવિત થયાની લાગણી વ્યક્ત કરતા આગામી વાયબ્રન્ટ સમિટમાં જાપાનની સહભાગિતા માટે ઉત્સુકતા દર્શાવી હતી. તેમણે ઓલિમ્પિક ગેઇમ્સમાં ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પણ પ્રસંશા કરી હતી.

  આ મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, ઉદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા તેમજ ઇન્ડેક્ષ-બી.ના એમ.ડી. સુશ્રી નીલમ રાની અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

  મુખ્યમંત્રીશ્રીએ જાપાન કોન્સ્યુલેટ જનરલને સ્મૃતિ ભેટ પણ આ અવસરે અર્પણ કરી હતી.

   

  Source: Information Department, Gujarat