Latest News

નેધરલેન્ડ – ગુજરાત વચ્ચે મેરિટાઇમ યુનિવર્સિટી – મેરિટાઇમ કલસ્ટર વિકાસના વાયબ્રન્ટ-ર૦૧૭ના MoU અંગે પરામર્શ કર્યો

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની નેધરલેન્ડના ભારતસ્થિત રાજદૂત શ્રીયુત આલ્ફોન્સસ સ્ટોલિંગ – Alphonsus Stoelinga એ ગાંધીનગરમાં શુભેચ્છા મૂલાકાત કરી હતી.

        મુખ્યમંત્રીશ્રી સાથે તેમણે વાયબ્રન્ટ ર૦૧૭માં નેધરલેન્ડના પોર્ટ ઓફ રોટર ડેમ અને ગુજરાત મેરિટાઇમ બોર્ડ વચ્ચે મેરિટાઇમ યુનિવર્સિટી અને મેરિટાઇમ કલસ્ટર વિકસાવવા અંગે કરેલા MoU વિષયે પરામર્શ કર્યો હતો.

        શ્રીયુત આલ્ફોન્સસ અને પ્રતિનિધિમંડળે આ MoU આગળ વધારીને ગુજરાતના બંદરોના વિકાસ માટે વ્યૂહાત્મક આયોજન અંગે આ બેઠકમાં વિચાર વિનિયોગ કર્યો હતો.

         મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ દરમ્યાન ભારતના મેરિટાઇમ ક્ષેત્રના સામર્થ્ય પ્રતિક લોથલ ખાતે મેરિટાઇમ મ્યૂઝિયમ સ્થાપવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને સાકાર કરવા એમ્સ્ટર ડેમના નેશનલ મેરિટાઇમ મ્યૂઝિયમના મોડેલ આધારે ગુજરાતમાં નોલેજ શેરિંગ માટે નેધરલેન્ડના સહયોગની અપેક્ષા વ્યકત કરી હતી.

        આ મૂલાકાત બેઠક દરમ્યાન અધિક મુખ્ય સચિવ શ્રી ડાગૂર, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ, ગુજરાત મેરિટાઇમ બોર્ડના એમ.ડી. અને સી.ઇ.ઓ. શ્રી અજ્ય ભાદૂ તથા ઊદ્યોગ કમિશનર શ્રીમતી મમતા વર્મા ઉપસ્થિત રહ્યા હતા.

        અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, નેધરલેન્ડ અને ગુજરાત વચ્ચે ર૦૧૭ના વાયબ્રન્ટ સમિટમાં જે ચાર MoU થયા છે તેમાં પોર્ટ ઓફ રોટરડેમ અને GMB વચ્ચે મેરિટાઇમ યુનિવર્સિટી અને મેરિટાઇમ કલસ્ટર વિકસાવવા, રોટરડેમ પાર્ટનર્સ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે વેસ્ટ વોટર રિસાયક્લિંગ, વેસ્ટ ટુ એનર્જી, પોર્ટ ડેવલપમેન્ટ, મેનેજમેન્ટ અને ટ્રેનિંગ ક્ષેત્રે – ગુજરાત સરકારના જીપીસીબી સાથે પર્યાવરણ ક્ષેત્રે બેસ્ટ પ્રેક્ટિસીસના આદાન પ્રદાન, 4R-Reduce, Reuse, Recycle & recover of resourceના ખ્યાલને વિકસાવવા માટે – CWI&CEPT અને શહેરી વિકાસ વિભાગ, ગુજરાત સરકાર વચ્ચે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવાના પાયલોટ પ્રોજેકટનો સમાવેશ થાય છે.

Source: Information Department, Gujarat