-: નાયબ મુખ્યમંત્રી શ્રી ગાંધીનગરમાં અને મંત્રીમંડળના અન્ય મંત્રીશ્રીઓ રાજ્યના મહાનગરોમાં ઉજવણીમાં જોડાયા:-
પ્રોજેકટ ફોર ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન ઇન ગુજરાતનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી–નવ વર્ષ ચાલશે JICA સહાયિત પ્રોજેકટ
આપણી આવનારી પેઢી માટે શુદ્ધ વાતાવરણ અને સ્વસ્થ ભવિષ્ય આપવાનો સૌ સંકલ્પ લઇ ગ્રીન–કલીન–હરિયાળું ગુજરાત બનાવીએ:- શ્રી વિજયભાઇ રૂપાણી
વન વિભાગ દ્વારા ર૧ લાખ તુલસી રોપા વિતરણથી પર્યાવરણ શુદ્ધિનો નવતર અભિગમ
…..
-: શ્રી વિજયભાઇ રૂપાણી :-
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સૃષ્ટિ પરના કુદરતી આવરણ-પર્યાવરણના સંતુલનથી અને તેની સુરક્ષાથી ગ્લોબલ વોર્મિંગના તેમજ વૈશ્વિક મહામારીના પડકારો સામે સામુહિક લડાઇ લડી વિજય મેળવવાની નેમ વ્યકત કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આપણી આવનારી પેઢી માટે શુદ્ધ વાતાવરણ, ઉજ્જવળ અને સ્વસ્થ ભવિષ્ય આપવાનો સૌએ વિશ્વ પર્યાવરણ દિવસે સંકલ્પ કરવો પડશે.
મુખ્યમંત્રીશ્રી પાંચમી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યમાં વન-પર્યાવરણ વિભાગના સહયોગથી યોજાયેલા સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા.
આ ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ગાંધીનગર મહાનગરમાં, મંત્રી શ્રી આર. સી. ફળદુ જામનગરમાં, મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વડોદરામાં, મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ ભાવનગરમાં, મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સુરતમાં, મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા રાજકોટમાં તથા શ્રી જવાહરભાઇ ચાવડા જુનાગઢમાં અને રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદમાં કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પ્રોજેકટ ફોર ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન ઇન ગુજરાતનો પણ શુભારંભ કરાવ્યો હતો.
રૂ. ૧૦૭ર કરોડના ખર્ચે ઇકોસિસ્ટમ રિસ્ટોરેશનનો આ પ્રોજેકટ જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી JICAની સહાયથી નવ વર્ષ સુધી ચાલવાનો છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત પાસે દરિયો, રણ, પર્વતો, ખૂલ્લા મેદાનો જેવી અનેકવિધ વિવિધતાઓ છે તે સંદર્ભમાં આ પ્રોજેકટથી આખીયે ઇકોસિસ્ટમને સુદ્રઢ કરવાની પહેલ ગુજરાતે કરી છે.
તેમણે ઉમેર્યુ કે, આ પ્રોજેકટ અન્વયે ચેર અને મેન્ગ્રુવ્ઝનો વિકાસ, ઘાસના મેદાનો, ભેજવાળી જમીન અને જંગલોની પૂન: સ્થાપના જેવા પ્રકલ્પો હાથ ધરાવાના છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણામાં એકાંગી વ્યક્તિત્વની નહિ પરંતુ સહ અસ્તિત્વની સ્વીકૃતિના સંસ્કારો બનવા જોઇએ. માનવીએ પોતાની સાથે પશુ, પંખી, કુદરતી આવરણ, હવા, પાણી, જમીન બધાનો વિચાર કરવો જોઇએ.
તેમણે ઉમેર્યુ કે, જે લોકો કુદરતના અસ્તિત્વને સ્વીકારતા નથી ત્યાં ડિઝાસ્ટર વધારે છે. આપણે પર્યાવરણ જાળવીશું તો જ બચી શકીશુ; એવો મત વ્યકત કરતાં શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું કે, વાવાઝોડા, ધરતીકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આ બધું પર્યાવરણ-કલાયમેટ ચેન્જ સાથે સંકલિત છે.
ગુજરાતે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ વિકાસની નેમ સાથે પર્યાવરણીય સંતુલન જાળવ્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ‘‘જીવ થી શિવ’’ અને ‘‘વ્યક્તિથી સમષ્ટિના’’ અભિગમને સાકાર કરવા સ્વસ્થ-શુદ્ધ અને પર્યાવરણપ્રિય જીવન વ્યવસ્થાથી હેપીનેસ ઇન્ડેક્ષ વધારવા તેમજ પર્યાવરણ શુદ્ધિ, પ્રદૂષણમુક્તિથી માનવીના તન-મનની શુદ્ધિ દ્વારા નિજાનંદ-સંપૂર્ણ આનંદની વિભાવના સમજાવી હતી.
શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ પર્યાવરણ દિવસની આ ઉજવણીમાં ઇકો સિસ્ટમના રિસ્ટોરેશન માટેના પ્રોજેકટના પ્રારંભ કરાવતાં કહ્યું કે, તાજતરના વાવાઝોડાથી પડી ગયેલા વૃ્ાોની સામે આ વર્ષે વન મહોત્સવમાં બમણાંથી વધુ વૃક્ષો વાવવાની નેમ છે.
કુદરતે કરેલા નુકશાાન સામે પુરૂષાર્થના આધારે પૂન: સ્થાપન કરવું છે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોનાના કપરા કાળમાં સૌને પ્રાણવાયુ ઓક્સિજનનું મહત્વ સમજાયું છે અને વૃક્ષો-તુલસી છોડ જેવા પ્રાણવાયુ-ઓક્સિજન આપતા વૃક્ષોના વાવેતરથી ઓક્સિજન ખુટે નહિ તે માટે સજાગ બન્યા છીયે.
તેમણે રાજ્યમાં વન વિભાગ દ્વારા આ અવસરે ર૧ લાખ તુલસી રોપાઓના વિતરણની પ્રસંશા કરતા ઉમેર્યુ કે, આવા ર૪ કલાક ઓક્સિજન આપતા તુલસી, સ્નેક ટ્રી, યેલોવેરા વગેરે છોડ ઘરની અંદર અને ઓફિસોમાં મૂકીને સ્વચ્છ-શુદ્ધ પ્રાણવાયુ મેળવવાનો લાભ લેવો જોઇએ.
આપણે ગુજરાતમાં તુલસી છોડ અને વૃક્ષારોપણની ઘનિષ્ઠ ઝૂંબેશથી ગ્રીન ગુજરાત બનાવવું છે એમ પણ તેમણે કહ્યું હતું. રાજ્યમાં કુલ ભૌગોલિક વિસ્તારનો ૧૧ ટકા વિસ્તાર એટલે કે ૧૪,૭પ૭ ચો.કિ.મી. વન આવરણ યુકત છે અને છેલ્લા બે વર્ષમાં વન વિભાગના વૃક્ષારોપણ પ્રયાસોથી તેમાં ૯૭ ચો.કિ.મી.ની વૃદ્ધિ થઇ છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં જળ-વાયુ પ્રદૂષણમુક્તિ માટે લેવાઇ રહેલા પગલાં આયોજન અંગે જણાવ્યું કે, ગંદા પાણીના વ્યવસ્થાપન માટે ૭૬ જેટલા સૂચિત STP પ્લાન્ટ રૂ. ૧૯૩૦ કરોડના અંદાજિત ખર્ચે બનાવવામાં આવી રહ્યા છે.
એટલું જ નહિ, ઔદ્યોગિક ગંદા પાણીના વ્યવસ્થાપન માટે ૧ર જેટલા સંયુકત શુદ્ધિકરણ પ્લાન્ટસ CETP રૂ. ૪૪ર કરોડના ખર્ચે બનાવાઇ રહ્યા છે.
તેમણે ઉમેર્યુ કે, કોરોના કાળમાં અત્યાર સુધીમાં ૩૦ લાખ કિ.ગ્રામ થી વધુ કોવિડ બાયોમેડિકલ વેસ્ટનો કોમન બાયોમેડિકલ વેસ્ટ ઇન્સીનરેશન ફેસેલીટી મારફતે વૈજ્ઞાનિક ઢબે નિકાલ કર્યો છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કારખાનાઓમાં કોલસાના દહનને લીધે ઉત્પન્ન થતા રજકણોને નિયંત્રીત કરવા માટે ‘‘એમીશન ટ્રેડિંગ સ્કીમ’’ સુરતમાં અમલી થયા બાદ હવે રાજ્યના ઉદ્યોગો માટે વિસ્તારવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પૃથ્વી પરના સૌ જીવોને શુદ્ધ, સ્વસ્થ અને સ્વચ્છ વાતાવરણ મળે તે હાલના સમયની માંગ છે તેનો ભારપૂર્વક ઉલ્લેખ કરતાં સૌને ગ્રીન-કલીન-હરિયાળા અને પ્રદૂષણમુકત ગુજરાત માટે સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યુ હતું.
વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સુરતથી આ ઉજવણીમાં વિડીયો લીન્ક દ્વારા સહભાગી થયા હતા.
તેમણે પ્રાસંગિક સંબોધનમાં ગુજરાતમાં વન-પર્યાવરણ વિભાગે ગ્રીન કવર વિસ્તારી પર્યાવરણ જાળવણી માટે હાથ ધરેલા ઉપાયોની ભૂમિકા આપી હતી.
પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં પર્યાવરણ જાળવણીની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ વિકાસની ગતિ કરી રહ્યું છે તેનો આનંદ વ્યકત કર્યો હતો.
વન પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યવ્યાપી ઉજવણીનો અભિગમ સ્વાગત પ્રવચનમાં સ્પષ્ટ કર્યો હતો.
આ પ્રસંગે શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ શ્રી મૂકેશ પૂરી, GPCBના અધ્યક્ષ શ્રી સંજીવ કુમાર, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને વન વિભાગના વડા શ્રી દિનેશ શર્મા, અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી રામકુમાર વગેરે ગાંધીનગરમાં ઉપસ્થિત રહ્યા હતા.
GPCB અધ્યક્ષ શ્રી સંજીવકુમારે સૌનો આભાર વ્યકત કર્યો હતો.
Source: Information Department, Gujarat