Latest News

આવનારી પેઢીને ગુજરાતના વિકાસમાં ક્ષમતાથી જોડવાનુ દિશાદર્શન શિક્ષણ જ આપી શકે-મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શાળા પ્રવેશોત્સવને રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ કાર્યક્રમ ગણાવતા જણાવ્યું હતું કે, ગમે તેવા પડકારો ઝીલીને ગુજરાતના વિકાસમાં આવનારી પેઢીને ક્ષમતાથી જોડવાનું દિશાદર્શન શિક્ષણ જ આપી શકે અને એટલે જ પ્રાથમિક શાળામાં ૧૦૦ ટકા નામાંકનના ધ્યેય સાથે શાળામાં બાળકોના પ્રવેશને ઉત્સવનું સ્વરૂપ આપીને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ પ્રવેશ પ્રક્રિયાને સામાજિક અભિયાનનું સ્વરૂપ આપ્યુ છે.

        સરકારના જવાબદાર અધિકારી-કર્મચારીઓ અને સમાજના અગ્રણીઓ કાર્ય સાધનાના ધ્યેય સાથે છેવાડાની શાળા સુધી જશે તો સ્થિતિ અવશ્ય સુધરે છે એ વાત આ શાળા પ્રવેશોત્સવે સાબિત કરી છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યુ હતું કે, સરકાર જ નહી સમાજના પ્રત્યેક નાગરિક શાળા પ્રવેશોત્સવમાં જોડાઇને સામાજિક જવાબદારી નિભાવે.

        રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારના પ્રત્યેક વિભાગના સંકલનથી આગામી તા. ૮ થી ૧૦ જૂન દરમિયાન ગ્રામ્ય વિસ્તાર માટે અને તા. રર થી ર૪ જૂન દરમિયાન શહેરી વિસ્તાર માટે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગ રૂપે મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર ખાતેથી અધિકારી-કર્મચારીઓને અને વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યભરમાં જિલ્લાકક્ષાએ શિક્ષણ કર્મયોગીઓને આ કાર્યક્રમના ધ્યેયની સિધ્ધિ માટે પ્રેરક આહવાન કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ એ કોઇ ક્રિયાકાંડ નહીં, સમાજ ઘડતરનો મહાયજ્ઞ છે. આ શિક્ષણ સાધનામાં સમાજના પ્રત્યેક નાગરિકે યત્કિંચિત યોગદાન આપવું જોઇએ.

                સમય બદલાયો છે, હવે છેવાડાના માનવીને પણ શિક્ષણની ભૂખ જાગી છે, આવા સમયે ગુણવત્તાયુકત શિક્ષણ માટેની જવાબદારીમાંથી પાછા પડશુ તો સમાજ કયારેય માફ નહી કરે તેવું સ્પષ્ટ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, સમર્થ ગુજરાતના નિર્માણ માટે ભાવિ પેઢીના સામર્થ્યની જરૂરિયાત છે અને આ સામર્થ્ય ઘડતરનું કામ શિક્ષકો જ કરી શકશે. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષક, આચાર્ય, સમાજના અગ્રણીઓ,  સરકાર બધાં જ ઇચ્છે છે શાળા અને શિક્ષણ સુધરે… આ માટે સંકલ્પશકિત અને સામુહિક કાર્ય જરૂરી છે જે આ પ્રવેશોત્સવ દ્વારા સાર્થક કરીએ. રાજ્ય સરકાર વર્ષે રૂ. રપ હજાર કરોડનું બજેટ માત્ર શિક્ષણ પાછળ ખર્ચે છે. પ્રાથમિક શાળામાં ૧.૬૦ લાખ જેટલા વિદ્યાસહાયકોની ભરતી કરાઇ છે, સવા લાખ જેટલા વર્ગખંડોનું નિર્માણ, ૯ર લાખ સ્વચ્છતા સંકુલો, ૩૦ હજાર શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ, ર૦ હજાર શાળાઓમાં કોમ્પ્યુટર લેબ જેવી માળખાકીય સુવિધા ઉભી કરાઇ છે. રાઇટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ વર્ષ ર૦૧૬-૧૭માં ૮૭ હજાર જેટલા બાળકોને ખાનગી પ્રાથમિક શાળામાં પ્રવેશ અને શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં આવી છે.

                મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજનો બાળક તેજસ્વી છે. બુધ્ધિનો ઠેકો કોઇની માલિકીનો નથી હોતો. બાળકની બુધ્ધિ-તેજસ્વીતાને ઘડવાની જવાબદારી શિક્ષક-શિક્ષણ વિભાગની છે અને એટલે જ રાજ્ય સરકારે બાળકોની તેજસ્વીતાને યોગ્ય દિશા મળે તે માટે ટેકનોલોજીનો સહારો લઇ ટેબલેટ-કોમ્પ્યુટર દ્વારા ડિજીટલ લર્નીંગ સિસ્ટમ શરૂ કરી છે, જે અંતર્ગત રાજ્યભરમાં રપ૦૦ જેટલા વર્ચ્યુઅલ કલાસ દ્વારા બાળકોને શિક્ષણ અપાશે.

                આ વખતે શાળા પ્રવેશોત્સવમાં રાજ્યભરનાં નિવૃત્ત થયેલાં પાંચ લાખ શિક્ષક-આચાર્યોના કાર્યાનુભવને જોડવાનું પ્રેરક સૂચન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષક કયારેય નિવૃત્ત થતા નથી તેમનું માર્ગદર્શન શિક્ષણ કાર્ય માટે પ્રેરબ બળ બનશે તેમણે નૂતન ભારતના નિર્માણમાં ડીજીટલ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ, ઇનોવેશન જેવા અભિયાનોની નોંધ લઇ આધુનિક યુગમાં શિક્ષણ સજ્જતાની હિમાયત કરી હતી તેમણે શિક્ષણને ઇશ્વરીય કાર્ય ગણાવી શાળા જ માનવીનું સાચુ ઘડતર કરે છે તેમ પણ જણાવ્યું હતું.

                આ પ્રસંગે રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે, માનવીને ઘડવાનું કામ શિક્ષણ વિભાગ કરે છે ત્યારે શાળા પ્રવેશોત્સવ એ સમાજને શિક્ષણ સાથે નિષ્ઠાથી જોડવાનો પ્રયાસ છે. રાજ્ય સરકારે પ્રાથમિક, માધ્યમિક શાળાથી લઇને કોલેજ અને યુનિવર્સિટીને આ શિક્ષણ મહાયજ્ઞમાં જોડવાનો પ્રયાસ કર્યો છે. મંત્રીશ્રી ચુડાસમાએ પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડીમાં ૧૦૦ ટકા બાળકોને પ્રવેશ, પ્રાથમિક શાળામાં ૧૦૦ ટકા નામાંકન અને ધો-૯ માં માધ્યમિક શાળામાં ૧૦૦ ટકા પ્રવેશ એમ ત્રિવિધ ઉત્સવ આ પ્રવેશોત્સવ દરમિયાન ઉજવાશે તેની માહિતી આપી હતી. શિક્ષણ રાજ્યમંત્રી શ્રી નાનુભાઇ વાનાણી અને શ્રી જયદ્રથસિંહ પરમાર, મુખ્ય સચિવશ્રી જે. એન. સિંઘની ઉપસ્થિતીમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી સુનયના તોમર અને પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી એમ. આઇ. જોશીએ પ્રવેશોત્સવની વિશેષ માહિતી અને શાળા મૂલ્યાંકનનું માર્ગદર્શન આપ્યુ હતું. આ પ્રસંગે સુરત જિલ્લાની માંડવી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કનુભાઇ ખુશાલભાઇ પટેલે તેમની દીકરીના લગ્ન પ્રસંગે મળેલી ચાંદલાની રકમને મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી નિધિમાં આપતા રૂ. ૧.પ૧ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યો હતો. કાર્યક્રમના અંતે જીસીઆરટીના નિયામક શ્રી ટી. એસ. જોશીએ આભારદર્શન કર્યુ હતું.

Source: Information Department, Gujarat