Latest News

સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો પાટણના વડાવલીથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જળ સમૃદ્ધ ગુજરાતની નેમ સાથે સુજલામ-સુફલામ જળ અભિયાનના ચોથા ચરણનો પાટણના વડાવલીથી આરંભ કરાવતા આ અભિયાનમાં જન-જનને જોડીને જળ અભિયાન જન અભિયાન બનાવવાનું પ્રેરક આહવાન કર્યુ છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ રાજ્યવ્યાપી અભિયાન બે મહિના રાજ્યમાં ગામ-જિલ્લા-તાલુકા સ્તર સુધી ચાલવાનું છે ત્યારે હરેક નાગરિક, યુવાનો સૌ કોઇ અઠવાડિયામાં બે દિવસ શ્રમ યક્ષથી અભિયાનમાં જોડાય.

તેમણે સાધન અને શ્રમના ઉપયોગથી જળસ્ત્રોતોના નવસર્જન દ્વારા ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવી ખેતીવાડી, પશુપંખી અને માનવ વસ્તીને પૂરતું પાણી પુરૂં પાડીવાસ્તવમાં હરિયાળી ક્રાંતિ સાકાર કરવાની નેમ વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ચોમાસા પૂર્વે આ અભિયાનમાં પાડેલો પરિશ્રમનો પરસેવો ચોમાસા પછી જળ સમૃદ્ધિથી વિકાસના પારસમણિ રૂપે ઉગી નીકળશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતુ કે,રાજ્યના દરેક ખેડૂતના કલ્યાણ માટે ચિંતીત રાજ્ય સરકારે છેવાડાના ખેડૂતની સુખાકારી માટેનું આયોજન કર્યુ છે. છેલ્લા ત્રણ વર્ષથી જળસંચય અભિયાનમાં ૪૨ હજાર લાખ ઘનફૂટ જેટલી જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ વર્ષે સુજલામ સુફલામ અભિયાનના ચોથા ચરણમાં સમગ્ર રાજ્યમાં ૧૮,પ૮ર જેટલા કામો જનભાગીદારીથી હાથ ધરી ર૦ હજાર લાખ ઘનફૂટ વધારાની જળસંગ્રહ ક્ષમતા ઊભી કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેની વિશદ ભૂમિકા આપી હતી.

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી, કાંસની સાફસફાઇ દ્વારા નદીઓ પૂન: જિવીત કરી રાજ્યમાં હરિયાળી ક્રાંતિ લાવવાની દિશામાં સરકારના પ્રયત્નો હોવાનું મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતુ.

પાણી એ પારસમણિ છે અને પાણીના દરેક ટીંપાનો સુવ્યવસ્થિત અને સુનિયોજીત ઉપયોગ કરવા રીચાર્જ, રીયુઝ અને રીડ્યુસની નીતિ સાથે રાજ્યને પાણીદાર બનાવવાના અનેકવિધ પ્રયાસો સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સહસ્ત્રલીંગ તળાવ, રાણકીવાવ જેવા પૂરાતન જળસંચય સ્ત્રોતની વિરાસત જેમ જ વર્તમાન સમયમાં નદી, તળાવો, ચેકડેમવગેરેની સાફ-સફાઇ, ડિસીલ્ટીંગના કામોથી ઉમંગ ઉત્સાહથી આગળ ધપાવી ચોમાસાના આગમનના સ્વાગત માટે આ જળ અભિયાનમાં સૌ જોડાય તેવી અપિલ પણ આ તકે કરી હતી.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખેત તલાવડીઓ બનાવી જળસંચયનું અભિયાન હાથ ધર્યું હતું. તે જ રીતે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકભાગીદારીથી વર્ષ ૨૦૧૮થી શરૂ કરવામાં આવેલા સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૧નો આજે શુભારંભ કરવામાં આવ્યો છે.

જળસંચયના કામોમાં લોક ભાગીદારી માટે અપીલ કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સુજલામ સુફલામ જળ અભિયાન માત્ર સરકારની જ ઝુંબેશ નહીં પરંતુ નૈતિક જવાબદારી સમજી તમામ લોકોએ તેમાં પોતાનું યોગદાન આપવાનું છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ખેડૂતોના કલ્યાણ માટે સિંચાઈ માટેના તળાવમાં પાણી ભરવા અગાઉની બે કિલોમીટરની મર્યાદાને વધારીને મુખ્યમંત્રીશ્રી દ્વારા ત્રણ કિલોમીટર કરવામાં આવી છે. સાથે જ ગત વર્ષે થયેલા વધુ વરસાદના કારણે થયેલા નુકસાન બદલ આઝાદી બાદ સૌપ્રથમવાર નુકસાનવાળા ગામો ઉપરાંત સમગ્ર તાલુકાના ગામોના ખેડૂતોને સહાય આપવામાં આવી છે.

જળસંપત્તિ સચિવ શ્રી એમ. કે. જાદવે સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતા વર્ણવી સૌનું સ્વાગત કર્યુ હતું.

આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી શ્રી રજનીભાઇ પટેલ, જી.આઇ.ડી.સી.ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી ભાનુમતિબેન મકવાણા, જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી દશરથજી ઠાકોર, પ્રદેશ સંગઠનના પૂર્વ મહામંત્રી શ્રી કે.સી.પટેલ સહિતના હોદ્દેદારો, જળસંપત્તિ વિભાગના સચિવશ્રી એમ.કે. જાદવ, જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat