મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો સંવેદનાત્મક બાળ કલ્યાણ અભિગમ
રાજ્યની પ૩ હજારથી વધુ આંગણવાડીઓના ૧૪ લાખ ભુલકાંઓને મળશે આગવી ઓળખ
રૂ. ૩૬.ર૮ કરોડના માતબર ખર્ચે ૧૪ લાખ બાળકોને યુનિફોર્મનું રાજ્યભરમાં વિતરણનું અભિયાન
……
આંગણવાડીનું બાળક પ્રારંભિક શિક્ષણના સંસ્કારથી સજ્જ બની ભવિષ્યનું તંદુરસ્ત–સંસ્કારી નાગરિક બને–પોષણયુકત–કૂપોષણમુકત સમાજનું નિર્માણ થાય એ માટે
રાજ્ય સરકાર પ્રતિબદ્ધ:-મુખ્યમંત્રીશ્રી
……
ગાંધી જ્યંતિ ર ઓકટોબર–ર૦ર૦ નિમિત્તે સ્વચ્છતા–સ્વસ્થતા કેમ્પેઇનમાં પાંચ લાખ બહેનોએ પાંચ હજાર સ્થળે હેન્ડ વોશિંગમાં જોડાઇ ગુજરાતને અપાવેલી વિશ્વ સિદ્ધિ માટે વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડનું પ્રમાણપત્ર મુખ્યમંત્રીશ્રીએ સ્વીકાર્યુ–વિભાગને અર્પણ કરી પાઠવ્યા અભિનંદન
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની પ૩ હજાર ઉપરાંત આંગણવાડીઓના ૩ થી ૬ વર્ષના ૧૪ લાખ બાળકોને વિનામૂલ્યે ગણવેશ વિતરણનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આંગણવાડીના બાળકો-ભુલકાંઓની હવે રાજ્યવ્યાપી એક વિશેષ ઓળખ અને આભા ઊભી થશે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સાધન સંપન્ન વર્ગના બાળકો નર્સરી-પ્લેગૃપમાં જાય ત્યારે તેમને યુનિફોર્મથી આગવી ઇમેજ મળતી હોય છે. આવી જ આભા-ઇમેજ આંગણવાડીઓના બાળકોને પણ એકસમાન યુનિફોર્મથી મળતી થાય તેવી સંવેદના સાથે આ યોજના સરકારે શરૂ કરી છે.
રાજ્યના મહિલા-બાળ કલ્યાણ વિભાગે આ હેતુસર ૩૬.ર૮ કરોડ રૂપિયાની માતબર રકમનો ખર્ચ કરીને ૧૪ લાખ ભુલકાંઓને વિનામૂલ્યે ગણવેશ વિતરણનું આ અભિયાન આદર્યુ છે.
આંગણવાડીના ૧૪ લાખ ભુલકાંઓને બે જોડી ગણવેશ અન્વયે ર૮ લાખ જોડી ગણવેશ વિતરણ રાજ્ય સરકાર વિનામૂલ્યે કરશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ગણવેશ વિતરણના રાજ્યવ્યાપી કાર્યક્રમનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પ્રતિક રૂપે પાંચ ભુલકાંઓને ગણવેશ વિતરણ કર્યુ હતું.
રાજ્યના વિવિધ મહાનગરો-નગરો અને જિલ્લા મથકોએથી વિડીયો કોન્ફરન્સ લીંક દ્વારા મંત્રીશ્રીઓ, ધારાસભ્યો, સાંસદો, મેયરશ્રીઓ અને જિલ્લા પંચાયત પ્રમુખો સહિતના પદાધિકારીઓ, આંગણવાડી ભુલકાંઓ સહભાગી થયા હતા.
જિલ્લા સ્તરે તેમજ નગરો-મહાનગરોમાં પણ મહાનુભાવોના હવે પ્રતિક રૂપે ગણવેશ વિતરણ કાર્યક્રમો કોરોના-કોવિડ સંક્રમણ નિયંત્રણ પ્રોટોકોલ, ગાઇડ લાઇન્સ સાથે જોડાયા હતા.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આંગણવાડી અને ષોષણ પર ખુબ જ ધ્યાન આપ્યું હતું. બાળકો પ્રાથમિક શિક્ષણ લે તે પહેલા તેઓ પ્રારંભિક શિક્ષાથી પણ સક્ષમ બને તેની ચિંતા કરીને ૫૩ હજારથી વધુ આંગણવાડીઓને ‘નંદઘર’ નામ પણ શ્રી નરેન્દ્રભાઇએ જ આપ્યું હતું.
તેમણે કહ્યું કે, બાળક કૃષ્ણ બને તેની કલ્પના કરીને આંગણવાડી બહેનો યશોદા બનીને તેમને તૈયાર કરે અને બાળક મોટું થઇ સમજદાર નાગરિક તરીકે બને વધે એ પ્રકારે આંગણવાડીઓની નંદઘર તરીકે ઓળખ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઊભી કરી છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, બાળકો, બહેનો-કિશોરીઓ અને સગર્ભા બહેનોને પૌષ્ટિક આહાર મળે એ ઉદ્દેશ સાથે ‘પોષણયુક્ત ગુજરાત, કુપોષણમુક્ત ગુજરાત’ બને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.
આવનારા સમયમાં તંદુરસ્ત બાળ, તંદુરસ્ત સમાજની સંકલ્પના સાથે સુદ્રઢ સમાજ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. બાળકનું શારીરિક અને માનસિક રીતે ઘડતર કરીને ભવિષ્યમાં એ બાળક આપણી એસેટ બને, એ દિશામાં રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે, નવી શિક્ષણ નીતિ અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણને મજબુત કરવા માટે આંગણવાડીમાં અભ્યાસ માટે આવતા ૧૬ લાખથી વધુ બાળકોને સર્વાંગી વિકાસ માટે ‘પા પા પગલી’ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે, આ માટે આ વર્ષના બજેટમાં રૂ. પાંચ કરોડની જોગવાઈ પણ સરકારે કરી છે.
મૂખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, દિકરી અત્યારે દિકરા સમોવડી છે, દિકરી અને દિકરો બંને સરખા છે આ વાતને પણ રાજ્ય સરકારે એક નવી ચેતના સાથે ઊજાગર કરી છે. આ સરકારે દીકરીઓના જન્મદરમાં વધારો થાય એ ઉદ્દેશથી વ્હાલી દિકરી યોજનાની શરૂઆત કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વ્હાલી દિકરી યોજના અંતર્ગત દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ચાર હજાર, નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા છ હજારની સહાય તેમજ ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ-લગ્નમાં એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે.
પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓનું ડિજિટલ કેલેન્ડર આઇ.સી.ડી.એસ, મહિલા અને બાળ વિકાસ વિભાગની એક નવી પહેલ છે. જેમાં પ્રવૃતિઓ સાથે વાર્તા, બાળગીતના ઓડિયો અને વિડીયો ક્લીપિંગ્સ અને ફોટોગ્રાફ્સ પણ બાળકો અને વાલી જોઈ અને સાંભળી શકે છે આ પહેલ બદલ મુખ્યમંત્રીશ્રીએ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આંગણવાડીમાં આવતા બાળકોની સ્વાસ્થ્ય ચકાસણી માટે સ્ટેડિયોમિટર, ઇન્ફોમિટર અને વજન કાંટાનું વિતરણ કરવા બદલ પણ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગયા વર્ષે કોરોનાના સંક્રમણકાળ દરમ્યાન આપણે ૫૦૦૦થી વધુ આંગણવાડીઓમાં હેન્ડ વોશ કેમ્પઇનનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં પાંચ લાખથી વધુ બહેનોએ કોરોનાની ગાઇડલાઇન અનુસરીને જે વર્લ્ડ રેકોડ બનાવ્યો હતો તેનું પ્રમાણપત્ર આજે લંડનની સંસ્થા દ્વારા પ્રાપ્ત થયું છે, તે આપણા સૌ માટે એક ગૌરવની વાત છે.
દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષણનું આગવું મહત્વ રહેલું છે તેમ જણાવી મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ કહ્યું કે, ભારત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ જાહેર કરાઈ છે જેમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. આંગણવાડીમાંથી જ બાળકના ઘડતરની શરૂઆત થાય છે તેથી જ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ભૂલકાંઓને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે.
તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સૌ પ્રથમ વર્ષ ૨૦૧૧માં મહિલા અને બાળ કલ્યાણ વિભાગનો આરંભ કર્યો હતો. અગાઉની સરકારોમાં માત્ર ૪૫૦ કરોડનું બજેટ આ વિભાગ માટે ફાળવવામાં આવતું હતું જ્યારે આજે સાડા ત્રણ હજાર કરોડ કરતાં પણ વધુ બજેટની ફાળવણી કરી તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.
રાજ્યની આંગણવાડી-તેડાગરની બહેનોને પગારમાં વધારો કરવાની સાથે-સાથે આંગણવાડી કાર્યકરની ગામમાં પ્રતિષ્ઠા વધે ને તેમની આગવી ઓળખ ઉભી થાય તે હેતુથી રૂ. ૮ કરોડના ખર્ચે સાડીઓ પણ આપવામાં આવી છે તેમ શ્રી ગણપતસિંહ વસાવાએ ક્હયું હતું.
આ પ્રસંગે મહિલા બાળ વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ કહ્યું કે, સમગ્ર રાજ્યની આંગવાડીમાં આવતા નાના ભૂલકાંઓમાં એકસૂત્રતા, સમાનતા અને આઈડેન્ટી જળવાય તે હેતુથી ગણવેશ આપવામાં આવી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, ખાનગી કિંડર ગાર્ડન અને નર્સરીના વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરવાથી તેમની શોભામાં વધારો થતો હોય ત્યારે સરકારી આંગણવાડીમાં આવતા ભૂલકાંઓને યુનિફોર્મ કેમ ન પહેરે તેવી ઉન્નત ભાવના સાથે રાજ્ય સરકાર દ્વારા ગણવેશ વિતરિત કરવાનું નક્કી કરાયું છે.
રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી દ્વારા વિધવા બહેનોને અગાઉ આપવામાં આવતી સહાયમાં કરવામાં આવ્યો છે તેમજ ૧૮ વર્ષની ઉંમરનો દીકરો થાય ત્યારે સહાય બંધ કરી દેવામાં આવતી હતી તે શરત રદ કરવાથી રાજ્યની દોઢ લાખની જગ્યાએ નવ લાખ ગંગા સ્વરૂપ બહેનોને સહાય પ્રાપ્ત થઈ રહી છે.
રાજ્યના બાળકો, કિશોરીઓ અને સગર્ભા અને ધાત્રી માતાઓને ગુણવત્તાયુક્ત અને વિટામિનયુક્ત બાળશક્તિ, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિ ટેક હોમ રાશન પુરું પાડવામાં આવે છે. ૧૬ હજાર મેટ્રીક ટન જથ્થો ૪૦ લાખથી વધુ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે છે.
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી કે.કે.નિરાલા, આઈ.સી.ડી.એસ.ના ડાયરેક્ટર શ્રી મોદી, સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં સચિવ શ્રી નિરાલાએ સૌને આવકાર્યા હતા. મહિલા બાળ વિકાસ વિભાગની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓની ઝાંખી દર્શાવતી ફિલ્મનું નિદર્શન આ અવસરે કરવામાં આવ્યું હતું.
બાળકો-ભુલકાંઓ માટેના આ વિશિષ્ટ કાર્યક્રમમાં નાના ભુલકાંઓએ પોતે બનાવેલી વિવિધ કલાત્મક કૃતિઓથી મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓનું સ્વાગત-અભિવાદન કર્યુ હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ભુલકાંઓ પ્રત્યે વાત્સલ્ય સંવેદના સાથે પોતાના તરફથી આ બાળકોને ભેટ પણ કાર્યક્રમના સમાપને અર્પણ કરી હતી.
આઇ.સી.ડી.એસ. નિયામક શ્રી મોદીએ આભાર દર્શન કર્યુ હતું.
Source: Information Department, Gujarat