રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આજરોજ કચ્છ જિલ્લાના વડા મથક ભુજ ખાતેની જી. કે. જનરલ હોસ્પિટલના કોરોનાના દર્દીઓ અને આરોગ્ય કર્મીઓની સંવેદના મુલાકાત લીધી હતી. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલની આ મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રીએ દાખલ દર્દીઓના સગા વ્હાલાઓને દર્દીઓના ખબરઅંતરની પૂછપરછ કરી હતી. હોસ્પિટલની સુવિધાઓ અને દર્દીઓની તબિયતની જાણકારી મેળવતાં મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ સૌને હિંમત બંધાવી હતી. દર્દીઓ સાથે સહાનુભૂતિ દાખવ્યા બાદ તેઓએ હોસ્પિટલમાં કોવીડ વિભાગમાં ફરજ બજાવતા દરેક સાથે સંવાદ કરી તેમની સેવાઓને બિરદાવી તેમને ધન્યવાદ આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત તમામ કોરોના વોરીયર્સને જણાવ્યું હતુ કે ,’આપ સૌએ વૈશ્વિક મહામારી covid 19 ની લડતમાં સ્વજનોની પરવા કર્યા વગર ફરજ બજાવી છે. આ લડતમાં જીતના સાચા હકદાર સંકળાએલા તમામ છે એમ પણ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યુ કે,” હજુ પણ હિંમત અને ધગશથી ધૈર્ય સાથે આ લડાઈમાં ડોક્ટર, નર્સ, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ તેમજ હોસ્પીટલ સેવા સાથે સંકળાયેલા તમામ લોકોએ માનવતાનો જંગ જીતવાનો છે. કોરોનાની લડાઈમાં જોડાયેલા આપ આપ સૌ ઈશ્વર સ્વરૂપ છો .” એમ મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિતોને જણાવ્યું હતું.
તેમણે કોરોના કેસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો, બેડની સંખ્યા, ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર, રેમડેસિવિર ઈન્જેકશન, સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કલેકટરશ્રી પ્રવિણા ડી.કે ને તેમજ કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓના સગાઓને મળી ખબર-અંતર પૂછીને તેમના દુઃખમાં સહભાગી થયા હતા. તેમના સ્વજનો જલ્દીથી સાજા થઇ ઘરે જાય તેવી શુભેચ્છાઓ આપીને આ માટે જરૂરી તમામ મદદ કરવાની રાજ્ય સરકાર વતી મુખ્યમંત્રીશ્રીએ દર્દીઓના સગાઓને ખાતરી પણ આપી હતી. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ જી.કે.જનરલ હોસ્પિટલમાં કોવિડ ખાતે ફરજ બજાવતા ડોક્ટરો અને નર્સિંગ તેમજ પેરામેડિકલ સ્ટાફના કર્મીઓ સાથે સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર સ્ટાફની સેવાને વખાણી કોવિડ સામેની આગળની લડતમાં પણ હજુ આવી જ હિંમત રાખી કામગીરી કરવા ડોક્ટરો-નર્સિંગ સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા.
આ મુલાકાતમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિર, સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય સર્વેશ્રી ડૉ. નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ જાડેજા, મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ, રેન્જ આઇજીશ્રી જે.આર. મોથલીયા, જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્મા, પશ્ચિમ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જનક માઢક, સિવિલ સર્જન ડૉ. કશ્યપ બુચ જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારા, શ્રી કેશુભાઇ પટેલ સહિત હોસ્પિટલ અને પોલીસ તેમજ વહિવટીતંત્રના પદાધિકારી અને અધિકારીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણા કરી હતી.
Source: Information Department, Gujarat