Latest News

એલ.ડી.કોલેજ ઓફ એન્જીનીયરીંગના 75માં સ્થાપના દિન નિમિત્તે આયોજિત ‘સમર્પણ’ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ

  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે  શિક્ષણ ક્ષેત્રમાં આગવું પ્રદર્શન કર્યું છે -: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

  એલ.ડી.કોલેજ ઓફ એન્જીનીયરીંગ આજે શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે -: શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

  એલ.ડી કોલેજ ઓફ એન્જીનીયરીંગને 75 વર્ષ પૂર્ણ થવા અવસરે શિક્ષણ વિભાગે રોબોટિક ઓટોમેશન અને આર્ટીફિશયલ ઈન્ટેલિજન્સ મશીન લર્નિંગ એમ બે નવી ફેકલ્ટી આપવાની કરી જાહેરાત

  આજે દુનિયાની વિશ્વ વિખ્યાત કંપનીઓમાં આપણા દેશના CEO છે જે આપણા માટે ગૌરવરૂપ બાબત છે : શ્રી સંજય લાલભાઈ

  મુખ્યમંત્રીશ્રીના હસ્તે  ‘LDCE કનેક્ટએપનું લોન્ચિંગ થયું

  …….

  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એલ.ડી.કોલેજ ઓફ એન્જીનીયરીંગના ૭૫માં સ્થાપના દિન પ્રસંગે જણાવ્યું કે, આજે દેશ આઝાદીના 75 વર્ષ પૂરા થવા અવસરે અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે એલ.ડી કોલેજ પણ તેની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહી છે એ ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત છે.

  ગુજરાતની સૌથી જૂની એલ.ડી.કોલેજ ઓફ એન્જીનીયરીંગ તેના 75 વર્ષ પૂરા થવા પ્રસંગે ડાયમંડ જ્યુબિલીની ઉજવણી કરી રહી છે. એલડીસીઈના સ્થાપના દિવસના સમારોહ ‘સમર્પણ’ માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા.

  મુખ્યમંત્રીશ્રીએ એલ.ડી.કોલેજ ઓફ એન્જીનીયરીંગના સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થવા બદલ એલ.ડી કોલેજ પરિવારને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, એલ.ડી કોલેજનો અત્યાર સુધીનો ગ્રાફ આપણને ગૌરવની અનુભૂતિ કરાવે છે.

  આ સમારંભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાર્થીઓ સાથે હળવી શૈલીમાં પોતાની કોલેજકાળ દરમિયાનની યાદો પણ તાજી કરી હતી.

  આ પ્રસંગે શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે શિક્ષણ ક્ષેત્રમાં આગવું પ્રદર્શન કર્યું છે અને ગુજરાતમાં શિક્ષણનો પાયો પણ ખૂબ મજબૂત બન્યો છે.

  શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાનો શિક્ષણ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકીર્દી ઘડે તે માટે સ્ટાર્ટ અપ યોજના ચાલુ કરી છે. યુવાનોમાં પડેલી શક્તિ પૈસાના અભાવથી પાછી ના પડવી જોઈએ તેવા ઉમદા હેતુથી શ્રી નરેન્દ્રભાઈ એ આ યોજના ચાલુ કરી છે.  રાજ્ય સરકાર પણ યુવાનોને પ્રોત્સાહિત કરતી યોજનાઓ અન્વયે તમામ પ્રકારની મદદ કરવા કટિબદ્ધ છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

  આ અવસરે  સ્ટાર્ટ અપ યોજનાનો વધુમાં વધુ લાભ લઈને સમાજને મદદરૂપ થવાનું આહવાન પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.

  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈએ આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે આપણે આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત બનાવવામાં આગળ વધીએ અને વિકાસની આ યાત્રામાં જોડાઇએ.

  આ પ્રસંગે શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, આજે ઈતિહાસમાં એક નવી કેડી કંડારાઈ છે. દેશ જયારે આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે એલ.ડી.કોલેજ ઓફ એન્જીનીયરીંગના 75 વર્ષ એ ગુજરાત અને દેશમાં એક સિદ્ધિ છે.

  તેમણે કહ્યું કે એલ.ડી.કોલેજ ઓફ એન્જીનીયરીંગ આજે શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે. ‘જે છે એમાંથી શ્રેષ્ઠ શું કરી શકાય’ એ આ કોલેજનો એક વિચાર રહ્યો છે અને એ વિચાર જ આ કોલેજને દિનપ્રતિદિન આગળ વધારી રહ્યો છે.

  આજે એલ.ડી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરવો એક ગૌરવની વાત છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

  શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા કહ્યું કે, તમે જે જ્ઞાન મેળવી રહ્યા છો એ જ્ઞાન સમાજના ઘડતરમાં ઉપયોગી થાય એવું દાયિત્વ તમારે નિભાવવાનું છે. શિક્ષણ મંત્રીએ એલ.ડી.કોલેજ ઓફ એન્જીનીયરીંગમાંથી પણ વધુમાં વધુ સ્ટાર્ટ અપ તૈયાર કરવાનું વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું.

  આ અવસરે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ એલ.ડી કોલેજ ઓફ એન્જીનીયરીંગને 75 વર્ષ પૂર્ણ થવા અવસરે રોબોટિક ઓટોમેશન અને આર્ટીફિશયલ ઈન્ટેલિજન્સ મશીન લર્નિંગ એમ બે નવી ફેકલ્ટી ૨૦૨૨-૨૩ના વર્ષથી આપવાની જાહેરાત પણ કરી હતી.

  એટલું જ નહિ, તેમણે એમ પણ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શિક્ષણ વિભાગે આ ઇજનેરી કોલેજને અગાઉ અદ્યતન લેબ માટે મંજૂર થયેલી રૂ. ૧૦ કરોડની ગ્રાન્ટ પૂનઃજીવિત કરી કોલેજને આપવાનું નક્કી કર્યુ છે.

  આ અવસરે શ્રી સંજય લાલભાઈએ જણાવ્યું હતું કે, શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અને શ્રી સારાભાઈ પરિવારે અમદાવાદમાં અસંખ્ય શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરીને અમદાવાદને વર્લ્ડ મેપ પર મૂક્યું છે.

  વધુમાં તેમણે કહ્યું કે, આજે દુનિયાની વિશ્વ વિખ્યાત કંપનીઓમાં આપણા દેશના CEO છે જે આપણા માટે ગૌરવરૂપ બાબત છે અને આ બધું ફક્ત સારા એજ્યુકેશનના કારણે જ શક્ય બન્યું છે. આપણી બધાની જવાબદારી છે કે, એલ.ડી કોલેજ પણ દુનિયાની અગ્રગણ્ય કોલેજમાં સ્થાન પામે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

  આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે  ‘LDCE કનેક્ટ’ એપનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું.

  આ ‘સમર્પણ’ સમારંભમાં અરવિંદ મિલના એમ.ડી શ્રી સંજય લાલભાઈ, ધારાસભ્ય શ્રી વિવેક પટેલ, એલ.ડી કોલેજના પ્રિન્સિપાલ ડો. રાજુલ ગજ્જર, ટેક્નિકલ શિક્ષણ નિયામક શ્રી જી.ટી. પંડ્યા તથા તમામ ફેકલ્ટીઓ, પદ્મશ્રી એસ.એસ.રાઠોર, ભૂતપૂર્વ અને વર્તમાન વિધાર્થીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

  Source: Information Department, Gujarat