Latest News

અમદાવાદ ખાતે રામજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની ભાવમય ઉપસ્થિતિ

પૂજ્યશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથા  મનને શાંતિનો અહેસાસ કરાવે છે : મુખ્યમંત્રીશ્રી

***

            મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે  જણાવ્યું છે કે જેમ શરીરમાંથી બીમારી દૂર કરવા સ્વચ્છતાની જરૂર છે તેમ મનની સ્વચ્છતા માટે આધ્યાત્મિક અનુભૂતિ પણ એટલી જ અનિવાર્ય છે અને  સંતો અને મહાત્માના મુખેથી પરમાત્માના ભજન સાંભળવાથી આપણે સૌને એ અનુભૂતિ થાય છે.

અમદાવાદ ખાતે રામજી મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે જીવનમાં અનેક પરિસ્થિતિઓમાં સંતો મહાત્માઓ પાસેથી પ્રાપ્ત કરેલ જ્ઞાન આપણે સૌને પરમાત્માની સમીપે લઈ જાય છે.

શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિખ્યાત કથાકાર પૂજ્ય ભાઇ શ્રી રમેશભાઈ ઓઝાશ્રીને પુષ્પ હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા આદરણીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને કાઠિયાવાડી પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું.

આ તકે મુખ્યમંત્રીશ્રીએ સંત મહાત્માઓ તેમની મધુર વાણીથી આપણે સૌને આશીર્વાદ આપતા રહે અને આવનારી પેઢી અવનવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરે તેવી પરમાત્માને પ્રાર્થના કરી હતી

આ ધાર્મિક કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી, મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ અને અન્ય ધારાસભ્યોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat