Latest News

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જામનગરમાં નિર્મિત પ્રથમ અલાયદી પિડીયાટ્રીક કોવિડ હોસ્પિટલનો મુખ્યમંત્રીશ્રીએ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો

ર૩૦ બેડની હોસ્પિટલ ચિલ્ડ્રન આઇ.સી.યુ નિયોનેટલ આઇ.સી.યુ અને અત્યાધુનિક સારવાર સુવિધાથી સજ્જ છે

દેશ અને રાજ્યના ભાવિ સમાન બાળકોની સંપૂર્ણ આરોગ્ય સુરક્ષા આપણી પ્રાથમિક ફરજ છે:- મુખ્યમંત્રીશ્રી

પ્રથમ પિડીયાટ્રીક કોવિડ હોસ્પિટલના પ્રારંભ સાથે રિલાયન્સે બાળ આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં એક નવી હેલ્થ ફેસેલિટીનો આરંભ કરી જનસેવામાં મોટું યોગદાન આપ્યું છે:- શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

……

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશ અને રાજ્યના ઉજ્જવળ ભાવિ સમાન બાળકોની સંપૂર્ણ આરોગ્ય સુરક્ષા આપણી પ્રાથમિક ફરજ છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કોરોનાની બંને લહેરમાં બાળકોને સુરક્ષિત રાખવાના આરોગ્ય સંભાળના પૂરતા પગલાં રાજ્ય સરકારે લીધા છે.

એટલું જ નહિ, રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ, આયુષ્યમાન ભારત, મા-કાર્ડ, શાળા આરોગ્ય તપાસણી જેવા કાર્યક્રમોથી બાળ આરોગ્યની વિશેષ ચિંતા પણ કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જામનગરમાં નિર્મિત રાજ્યની પ્રથમ અલાયદી પિડીયાટ્રીક કોવિડ હોસ્પિટલનો ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો.

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ પણ ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.

આ હોસ્પિટલના પ્રારંભ અવસરે જામનગર ખાતેથી સાંસદ શ્રીમતી પૂનમબહેન માડમ, મેયર શ્રીમતી બિનાબહેન તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડીરેકટર અને સાંસદ શ્રી પરિમલ નથવાણી, ગૃપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણી સહભાગી થયા હતા.

જામનગર ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતની પ્રથમ અલાયદી પિડીયાટ્રીક હોસ્પિટલનો પ્રારંભ થતાં ગુજરાતમાં ઉપલબ્ધ બાળ આરોગ્ય સુવિધાઓમાં ઉમેરો થયો છે. રિલાયન્સ ફાઉન્ડેશને  અનેકવિધ સેવાકાર્યોથી પોતે કમાવું અને બીજાને ખવડાવવું તે ભારતીય સંસ્કૃતિના મંત્રને ચરિતાર્થ કર્યો છે. તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત સરકારે કોરોનાની બંને લહેર દરમિયાન આરોગ્ય સુવિધાઓમાં સતત ઉમેરો કર્યો છે. આઇ.સી.યુ., ઓક્સિજન, બેડ, આવશ્યક દવાઓ અને રસીકરણ માટે પુરતા સાધનો અને માનવ સંશાધન પૂરા પાડ્યા હતા. વિવિધ ઊદ્યોગગૃહો, સેવા સંગઠનો, ધાર્મિક સેવા સંસ્થાએ પણ આ સમયે સાથ આપ્યો છે.

કોરોના કાળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશનમાં આખા દેશમાં મેડિકલ ઓક્સિજન સપ્લાય માટેનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે દૈનિક હજાર મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરી કોરોના સમયમાં મેડિકલ ઓક્સિજન સપ્લાયમાં મોટું યોગદાન આપ્યું હતું.

અગાઉ રિલાયન્સે માત્ર ૧૦ જ દિવસમાં જામનગરમાં ૪૦૦ બેડની કોવિડ કેર ફેસીલીટી જી.જી. હોસ્પિટલ ખાતે શરૂ કરી હતી અને હવે જી.જી.હોસ્પિટલના જ ભાગરૂપે જામનગરમાં ગુજરાતની પ્રથમ પિડીયાટ્રીક કોવિડ હોસ્પિટલના પ્રારંભ સાથે રિલાયન્સે બાળ આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં એક નવી હેલ્થ ફેસેલિટીનો આરંભ કરી જનસેવામાં મોટું યોગદાન આપ્યું છે તેની મંત્રીશ્રીએ પ્રસંશા કરી હતી.

આ તકે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે રિલાયન્સ દ્વારા સમાજ ઉપયોગી કાર્ય થકી અન્ય કોર્પોરેટ હાઉસીસ માટે પણ માર્ગદર્શક ચિન્હ બની રહેલી આ પહેલ અન્યોને પણ પ્રેરણા આપશે તેમ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરી મેડિકલ માળખાને પણ વધુ સુસજ્જ બનાવીને આરોગ્ય સુવિધાઓ વિકસાવવા માટે ઝુંબેશ હાથ ધરી છે. જેમાં ગુજરાત સતત મોખરે રહી અને આ ઝુંબેશમાં સાથ આપી રહ્યું છે તો વેક્સિનેશનમાં પણ ગુજરાત મોખરે રહ્યું છે તેમ આરોગ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર અને દ્વારકાને સતત સાથ આપવા બદલ રિલાયન્સ ફાઉન્ડેશનને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે, સંભવિત ત્રીજી લહેર જો આવે તો ભાવિ પેઢી સમા બાળકોને સારામાં સારી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તે માટે રિલાયન્સનું આ પગલું સરાહનીય છે. કોરોના સમયમાં દેશની જરૂરિયાતનો ૧૧ ટકા જેટલો ઓક્સિજન સપ્લાય તો માત્ર રિલાયન્સે આપ્યો હતો, પીપીઇ કીટ, માસ્ક અને અન્ય દવાઓમાં પણ રિલાયન્સએ લોકોની મદદ કરી છે.

જામનગર ખાતે ઉપસ્થિત રહેલા સાંસદ શ્રી પૂનમબેન માડમે જામનગરમાં આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધુ એક મોરપંખ ઉમેરવા બદલ અને જામનગરના નાગરિકોની ચિંતા કરવા બદલ રિલાયન્સ ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા હતા. રિલાયન્સે કોરોનાના સમયમાં પરિવારજનની જેમ સમગ્ર જામનગરને હૂંફ આપી તાત્કાલિક દરેક વ્યવસ્થાઓમાં સાથ આપ્યો છે તેમ જણાવી સાંસદશ્રીએ ઉમેર્યું હતું કે, કોવિડની બીજી લહેર દરમિયાન રિલાયન્સે ચારસો બેડની હોસ્પિટલ, ઓક્સિજન સપ્લાયની સુવિધા પૂરી પાડી જામનગર માટે પરિવારના સભ્યની જેમ ઊભું રહ્યું હતું. હવે ૨૩૦ બેડની આ નવી પિડીયાટ્રીક હોસ્પિટલ સુવિધા સાથે રિલાયન્સ હેલ્થ કેર ફેસિલીટીનો ઉત્તમ લાભ જામનગર અને તેની આસપાસના વિસ્તારોના બાળકોને મળશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન હંમેશા લોકો સાથે જોડાયેલું છે, લોકો સાથે રિલાયન્સ સરકાર સાથે મળી હંમેશા પરિવારજન સમાન કામ કરતું રહ્યું છે અને કરતું રહેશે તેવી પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ પ્રસંગે જામનગર ખાતેથી મેયરશ્રી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ, રિલાયન્સ ફાઉન્ડેશનના શ્રી મનોજભાઈ અંતાણી, જી.જી.હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટ ડૉ. દિપક તિવારી, એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન શ્રી નંદીની દેસાઈ કોરોના નોડલ ડો. એસ.એસ. ચેટરજી, અધિક સુપ્રિટેન્ડેન્ટશ્રી વસાવડા, બાળ વિભાગના હેડ વગેરે પદાધિકારીઓ, અધિકારીઓ અને તબીબી સ્ટાફ તેમજ રિલાયન્સ ફાઉન્ડેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Source: Information Department, Gujarat