Latest News

ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોના આયોગની કચેરીનો કાર્યારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતીમાં ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોના આયોગની કચેરીનો કાર્યારંભ કરાવતાં સામાજીક સમરસતાના ધ્યેય સાથે સૌના સાથ સૌના વિકાસ માટેની પ્રતિબધ્ધતાનો પૂનરોચ્ચાર કર્યો હતો.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજ્યની બિનઅનામત વર્ગોની પ૮ જેટલી વિવિધ જ્ઞાતિઓના સર્વાંગી ઉત્થાન, રોજગારી અને શિક્ષણની વધુ તકો ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારે બિનઅનામત વર્ગોના આયોગ સાથે બિનઅનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની પણ રચના કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, બિનઅનામત વર્ગોના આયોગની આ કચેરીનો કાર્યારંભ થવાથી હવે, બિનઅનામત વર્ગોના પરિવારોની આર્થિક-સામાજીક સ્થિતિનો અભ્યાસ-સર્વે કરીને તેમના વિકાસ માટેની કલ્યાણ યોજનાઓ ઘડશે તથા રાજ્ય સરકારને તેના અમલ માટે ભલામણ કરશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, આ વર્ષના બજેટમાં રૂ. પ૦૬ કરોડની વિશેષ જોગવાઇ ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ માટે રાજ્ય સરકારે કરી છે તેમજ આયોગ માટે રૂ. ૧.ર૮ કરોડનું પ્રાવધાન કર્યુ છે.

અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે રાજ્ય સરકારે આ આયોગ માટે સભ્ય સચિવ દિનેશ કાપડીયા સહિત ૧૮ કર્મચારીઓનું મહેકમ પણ ફાળવ્યું છે.

આયોગની આ કચેરીના કાર્યારંભ અવસરે મંત્રીશ્રીઓ સર્વશ્રી આર. સી. ફળદુ, સૌરભભાઇ પટેલ, ઇશ્વરભાઇ પરમાર, દંડકશ્રી પંકજભાઇ દેસાઇ તેમજ આયોગના અધ્યક્ષ શ્રી હંસરાજભાઇ અને સભ્યો તથા નિગમના અધ્યક્ષ શ્રી બી. એચ. ઘોડાસરા, વિવિધ જ્ઞાતિ સમાજોના અગ્રણીઓ, આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat