Latest News

રૂા. ૧૭ કરોડના ખર્ચે નવસંસ્કરણ પામેલ સ્પીપાના બિલ્ડિંગ તેમજ રૂા. ૧૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ મહિલા હોસ્ટેલનું લોકાર્પણ

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુડ ગવર્નન્સની અનુભૂતિ છેવાડાના માનવીને થાય તથા યોજનાઓના લાભો વચેટીયા વિના ત્વરિત, સરળતાથી મળે તેવું વાતાવરણ ગુજરાતમાં નિર્માણ થયું છે.

    મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સનદી અધિકારીઓ-કર્મચારીઓની તાલિમ માટે કાર્યરત સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા(સ્પીપા)ના રૂા. ૧૭ કરોડના ખર્ચે નવસંસ્કરણ પામેલ બિલ્ડિંગ તથા   રૂા. ૧૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ તાલિમ લેવા આવનાર મહિલાઓ માટેના હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી. જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારીઓ અને વિભાગીય તાલીમમાં સ્પીપાની ગુણવત્તાભરી અને પારદર્શક બાબત દેશભરમાં પ્રતિષ્ઠાભરી બની રહી છે. યુ.પી.એસ.સી.માં સ્પીપામાંથી તાલિમ લઇ ૧૯૧ જેટલાં ગુજરાતના વિદ્યાર્થીઓ આઇ.એ.એસ.માં પસંદગી પામ્યા છે.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કમનસીબે આઝાદીના ઘણા વર્ષો પછી વિકાસની સ્પર્ધાની રાજનીતિ પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીથી શરૂ થઇ છે અને તેથી પ્રજાના સ્વપ્ન, અપેક્ષાઓ મુજબનું શાસન બને, યોજનાઓ, કાયદાઓ બને તે આ સરકારનું લક્ષ્ય છે.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં નવયુવાનોને રોજગારી મળે તે માટે સ્ટાર્ટઅપ, સ્ટેન્ડઅપ જેવા કાર્યક્રમોથી લઇ રાજ્યમાં એક વર્ષમાં એક લાખથી વધુ ભરતી કરવામાં આવી છે.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતનો વિકાસ અને વહીવટ દેશ અને દુનિયા માટે અભ્યાસપૂર્ણ રહ્યો છે ત્યારે સ્પીપામાંથી તાલિમ લઇ તૈયાર થયેલ નવયુવાનો ગુજરાત કેડરની પ્રતિષ્ઠા દેશભરમાં રોશન કરે એટલું જ નહીં સ્પીપા ખરા અર્થમાં તક્ષશીલા કે નાલંદા બને તે માટે શુભેચ્છા પાઠવી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે નવમી ચિંતન શિબિરના ડોક્યુમેન્ટેશનની પુસ્તિકાનું વિમોચન કર્યું હતું તેમજ સરકારમાં કાર્યરત અધિકારી-કર્મચારીને કચેરી કાર્યપધ્ધતિમાં ત્વરિત ઉપયોગી થાય તે માટેના ૩૧ ઇ-લર્નીંગ મોડ્યુલને સાથી વેબસાઇટ પર લોન્ચ કર્યા હતા.

    સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતાસિંઘે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, નવસંસ્કરણ પામેલા સ્પીપામાં તાલિમ માટે ઇન્ટરનેટ, વાઇફાઇ સુવિધાજનક ક્લાસરૂમ સહિત અનેક માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સાથો સાથ રાજ્ય સરકારના કર્મયોગીઓને સુવિધાપૂર્ણ વાતાવરણમાં તાલિમ મળે તેની સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

    સામાન્ય વહિવટ વિભાગના અગ્ર સચિવ શ્રી સોમે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા(સ્પીપા)ની કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની આ તાલિમી સંસ્થાથી વહિવટી તંત્રને તાલીમબધ્ધ કર્મયોગીઓ મળ્યા છે તેમજ નવનિયુક્ત આઇ.એ.એસ. તેમજ યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી. જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલિમ માટે સ્પીપ મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે.

    સ્પીપના મહાનિર્દેશક શ્રી ધનંજય દ્વિવેદીએ રાજ્ય સરકારની કર્મયોગીઓ માટેની અપેક્ષાઓ સ્પીપા પરીપૂર્ણ કરશે તેમ જણાવ્યું હતું.

    આ પ્રસંગે સ્પીપાના નાયબ નિયામક શ્રી કે.એમ.ભીમજીયાણી તેમજ તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

    Source: Information Department, Gujarat