Latest News

મહાત્મા મંદિરમાં WASTECH -૨૦૧૬ ઈન્ટરનેશનલ સમિટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રીશ્રી:

  • ગુજરાત સાતત્યપૂર્ણ વિકાસ-ઔદ્યોગિક ગતિ-પ્રગતિ સાથે પર્યાવરણ જાળવણીમાં પણ અગ્રેસર છે
  • સંશાધનોના વિવેકપૂર્વક ઉપયોગથી પર્યાવરણ સંતુલન માટે રિડ્યુસ, રિયુઝ, રિકવર, રિલાયન્સના ચાર ‘આર’ સાથે રિસ્પેક્ટનો પાંચમો ‘આર’ ગુજરાતે પહેલરૂપે જોડ્યો છે.
  • રાજ્યના ઉદ્યોગોને પર્યાવરણ જાળવણી-પ્રદૂષણ નિયંત્રણ માટે ઉદ્યોગનીતિમાં વિશેષ ભાર આપ્યો.
  • ગ્રામ પંચાયતો-મ્યુનિસિપાલિટીઝના ઘન કચરાને રિસાયકલ કરી એનર્જી ઉત્પાદનને વેગ

કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રીશ્રી

  • પર્યાવરણ જતન માટેનો ગુજરાતનો નવતર અભિગમ વેસ્ટેક સમિટ
  • સોલાર-સાયકલ-રિસાયકલ વિશ્વના ભવિષ્ય માટેના ત્રણ મુખ્ય સ્ત્રોત
  • ઉદ્યોગો વેસ્ટનો નિકાલ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ કરે
  • ગ્રામીણ પર્યાવરણ જાળવણી માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સઘન આયોજન કરે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાત સાતત્યપૂર્ણ વિકાસ-ઔદ્યોગિક પ્રગતિ સાથે પ્રદૂષણ નિયંત્રણ-પર્યાવરણ જાળવણીમાં પણ અગ્રેસર છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે સંશાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરીને ગુજરાતે પર્યાવરણ સંતૂલન માટે રિડ્યુસ, રિયુઝ, રિકવર અને રિસાયકલના ચાર ‘આર’ સાથે તેમના પ્રતિ સન્માનના રિસ્પેક્ટના પાંચમા ‘આર’ને પણ વિકાસની પ્રક્રિયામાં અહેમિયત આપી છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ મહાત્મા મંદિરમાં વેસ્ટેક-૨૦૧૬ ઈન્ટરનેશનલ સમિટનો કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી શ્રી અનિલ માધવ દવેની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.

વાયબ્રન્ટ સમિટ-૨૦૧૭ના પૂર્વાર્ધરૂપે યોજાયેલી આ સમિટમાં ભારતના વિવિધ રાજ્યો અને વિદેશોના વેસ્ટ મેનેજમેન્ટ તથા પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ ક્ષેત્રના તજજ્ઞો, ઉદ્યોગકારો ભાગ લઈ રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની સફળ શ્રૃંખલાઓને પગલે ઔદ્યોગિક વિકાસ સતત વધતો રહ્યો છે પરંતુ તે સાથે ઔદ્યોગિક પ્રદૂષણ નિવારવાના સઘન ઉપાયો પણ રાજ્ય સરકારે લીધા છે.

દેશમાં ઔદ્યોગિક ગંદા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટની કુલ ક્ષમતાના ૫૦ ટકા એકલા ગુજરાતમાં છે. એટલું જ નહીં રાજ્યના ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન નીકળતો ઘન કચરો પણ સિમેન્ટ ઉદ્યોગમાં ઈંધણ તરીકે કો-પ્રોસેસિંગ માટે વપરાય છે.

શ્રી વિજયભાઈએ સ્પષ્ટપણે ઉમેર્યુ કે, હેઝાર્ડીયસ વેસ્ટના કો-પ્રોસેસિંગમાં ગુજરાત દેશમાં અગ્રતાક્રમે છે. પાછલા પાંચ વર્ષમાં રાજ્યમાં ૧૦૮ લાખ ટનથી વધુ ઔદ્યોગિક ઘન કચરા અને પ્લાસ્ટિક વેસ્ટનું કો-પ્રોસેસિંગ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની ઉદ્યોગ નીતિમાં ઉદ્યોગોને પર્યાવરણ જાળવણી અને પ્રદૂષણ નિયંત્રણ માટે તેમના ઉદ્યોગોમાં ખાસ તાકીદ રાખવા ભાર મૂકવામાં આવ્યો છે તેની ભૂમિકા આપી હતી.

તેમણે કહ્યું કે, રાજ્યની ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓમાં ઘન કચરાને રિસાયકલ કરીને એનર્જી ઉત્પાદન માટેની પ્રવૃત્તિઓને પણ વેગ આપ્યો છે. ઊર્જા બચત માટે ગામો-નગરોમાં એલઈડી બલ્બ વિતરણમાં દેશમાં ગુજરાત પ્રથમક્રમે છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ પર્યાવરણ જાળવણીનું દાયિત્વ ઉદ્યોગો સહિત સમાજ સમસ્ત નિભાવીને આવનારી પેઢીને શુદ્ધ-સ્વચ્છ વાતાવરણ વારસામાં આપે તેવી હૃદયસ્પર્શી અપીલ પણ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આગામી વાયબ્રન્ટ-૨૦૧૭માં સહભાગી થવાનું આ વેસ્ટેક સમિટમાં ઉપસ્થિત સૌને આમંત્રણ પાઠવ્યું હતું.

કેન્‍દ્રીય વન પર્યાવરણ અને કલાયમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી અનિલ માધવ દવેએ વેસ્‍ટેક સમિટના ગુજરાતના નવતર અભિગમને આવકારતા જણાવ્‍યું હતું કે, પર્યાવરણના જતનની જવાબદારી સમાજ, ઉદ્યોગ અને સરકારની રહી છે ત્‍યારે આપણે સૌએ પણ ઘરના કચરાનો યોગ્ય નિકાલ કરવો અનિવાર્ય છે.

તેમણે ભોજનનો બગાડ ન કરવાનો અનુરોધ કરતાં ઉમેર્યું હતું કે, ઘરના કચરાનો કચરાના વર્ગીકરણ આધારિત નિકાલ કરવા સૌએ પ્રયાસો કરવા પડશે.

શ્રી દવે ઉમેર્યું હતું કે, વિશ્વના ભવિષ્‍ય માટે સોલાર, સાયકલ અને રિસાયકલના મુખ્‍ય ત્રણ સ્તોત્ર રહ્યા છે ત્‍યારે અદ્યતન યુગમાં વેસ્‍ટનો નિકાલ તબક્કાવાર ટેકનોલોજીના માધ્‍યમ દ્વારા થાય તે અનિવાર્ય છે. ઉદ્યોગો દ્વારા પણ વેસ્‍ટનો નિકાલ આંતરરાષ્‍ટ્રીય ધોરણો મુજબ કરવો જરૂરી છે.

આપણે સી.એસ.આર.નો અમુક હિસ્સો કચરાના નિકાલ માટે વાપરશું તો જ સાચા અર્થમાં પર્યારવણની જાળવણી કરી શકીશું. ભૂતકાળમાં કચરાના નિકાલ માટે કોઇ યોગ્ય વ્યવસ્થા ન હતી, જ્યારે આજે ટેકનોલોજીના માધ્‍યમ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના નવા આયામો અમલમાં આવ્યા છે, તેનો મહત્તમ ઉપયોગ કરવો જરૂરી છે. પર્યાવરણના જતન-સંરક્ષણ માટે નવા આયામો અને નવી નીતિઓના નિર્માણ માટે સામુહિક ચિંતન કરવું અનિવાર્ય છે. તેમ તેમણે જણાવ્યું હતું.

શ્રી દવે ઉમેર્યું હતું કે, સમૃદ્ધ રાષ્‍ટ્રના નિર્માણ માટે ગ્રામ્‍ય સ્‍તરનો વિકાસ મહત્વનો છે. દેશના ૬.પ લાખથી વધુ ગામડાઓમાં પણ પર્યાવરણની જાળવણી માટે સ્‍થાનિક સ્‍વરાજ્યની સંસ્‍થાઓ સઘન આયોજન કરીને પ્રયાસો કરશે તો ચોક્કસ આપણે સ્‍વચ્‍છ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીના સપનાને સાકાર કરી શકશું.

પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી શંકરભાઇ ચૌધરીએ વેસ્‍ટેક સમિટને આવકારતા કહ્યું કે, પર્યાવરણના જતનની સાથે વિકાસ એ રાજ્ય સરકારની નીતિ રહી છે. આજના વિકસતા જતા યુગમાં આવનારી પેઢીને સ્‍વચ્‍છ પર્યાવરણ આપવા માટે લોકો અને ઉદ્યોગોએ મન બનાવ્‍યું છે તે આપણા માટે ગૌરવની વાત છે. આજે ડેવલપમેન્‍ટ ગ્રોથની સાથે હેપીનેશ ગ્રોથ જાળવવા માટે પણ નવા વાતાવરણમાં કામ કરવાની તક મળી છે તે માટે આપણે સહિયારા પ્રયાસો કરવા જોઇએ.

શ્રી ચૌધરીએ ઉમેર્યું હતું કે, આજે ટેકનોલોજી લો-કોસ્‍ટ બની રહી છે ત્‍યારે રોજ-બરોજના સોલીડ, લિકવીડ અને હેઝાર્ડ કચરાનો નિકાલ અદ્યતન ટેકનોલોજીથી કરવામાં આવે અને તે રિસાયકલ થાય તે માટે સંયુક્ત પ્રયાસો કરવા પડશે.

આ સેમિનાર સાથે મહાત્‍મા મંદિરમાં પ,૦૦૦ ચો.મી. વિસ્‍તારમાં વેસ્‍ટેક એક્સપો પ્રદર્શન ઉભું કરાયું છે જેમાં ૮ દેશના ૧ર૦થી વધુ સ્‍ટોલ્‍સ તથા ભારતના ૧૦૬થી વધુ સ્‍ટોલ્‍સમાં કચરાના નિકાલ, તથા પ્રદૂષણ નિયંત્રણ માટે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય તેનું નિદર્શન કરાયું છે તેનો લાભ લેવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

મુખ્‍ય સચિવ શ્રી ડૉ.જે.એન.સિંહે વેસ્‍ટેક ઇન્‍ટરનેશનલ સમિટમાં જણાવ્‍યું હતું કે, ટેકનોલોજીના માધ્‍યમથી વેસ્‍ટમાંથી બેસ્‍ટ કઇ રીતે તૈયાર કરવું તે ક્ષેત્રે આજની સમિટ ગુજરાત સહિત સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બનશે. ગુજરાત વાયબ્રન્‍ટ સમિટના માધ્‍યમથી વિશ્વના રોકાણકારોને રાજ્યમાં રોકાણ માટેનું શ્રેષ્‍ઠ પ્‍લેટફોર્મ પુરું પાડે છે. ગુજરાતે શરૂઆતથી વિકાસ અને પર્યાવરણને સરખું પ્રાધાન્‍ય આપ્‍યું છે. સંયુક્ત રાષ્‍ટ્રના પર્યાવરણ બચાવવાના માપદંડ પ્રમાણે જ ગુજરાત વિકાસના પ્રયાસો કરી રહ્યું છે, તેમ પણ મુખ્‍ય સચિવશ્રીએ ઉમેર્યું હતું.

વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્‍ય સચિવ અને જી.પી.સી.બી.ના ચેરમેન શ્રી અરવિંદ અગ્રવાલે સ્‍વાગત પ્રવચન કરતાં જણાવ્‍યું હતું કે, ટેકનોલોજીની મદદથી આજની સમિટ પ્રથમવાર ઝીરો વેસ્‍ટ સમિટ બની રહેશે, જે પર્યાવરણના જતન માટેનું ઉત્તમ ઉદાહરણ સાબિત થશે.

આ સમિટમાં મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સહિત ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે‘ ઝીરો લિકવીડ ડિસ્‍ચાર્જ મેન્‍યુલ’ તેમજ ‘બી.આર.ઇ.એફ ડોકયુમેન્‍ટ’નું વિમોચન પણ કરવામાં આવ્‍યું હતું.

આ વેસ્‍ટેક સમિટમાં ઇનોવેશન્‍સ ઇન એન્‍વાયરમેન્‍ટ સેકટર ઇન ગુજરાત થીમ ઉપર એક શોર્ટ ફિલ્‍મ પણ દર્શાવવામાં આવી હતી.

આ પ્રસંગે સી.આઇ.આઇ. ગુજરાતના સ્‍ટેટ કાઉન્‍સિલના ચેરપર્સન સુશ્રી રીના ભગવતીએ ઉદઘાટન સત્રના અંતમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્‍થિત સૌનો આભાર માન્‍યો હતો.

આ સમિટમાં સેન્‍ટ્રલ પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન શ્રી એસ.પી.સિંઘ પરિહર, નેશનલ પ્રોડેકટીવીટી કાઉન્‍સિલના ડેપ્‍યુટી ડાયરેકટર જનરલ શ્રી આર.વિરેન્‍દ્ર, જી.પી.સી.બી.ના સભ્‍ય સચિવ શ્રી હાર્દિક શાહ સહિત દેશ-વિદેશના વેસ્‍ટટેક ક્ષેત્રના તજજ્ઞો ઉપસ્‍થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat