• BISAG ના માધ્યમથી આ કાર્યક્રમ સાથે ગુજરાતના ૯૫૬૪ ગામોના લાખો લોકો જોડાયા
• ગુજરાતે હંમેશા પહેલ કરીને દેશને દિશા બતાવી છે ત્યારે ઈ-ટ્રાન્સેક્શન બાબતે પણ રાજ્ય મોખરે રહેશે: મુખ્યમંત્રીશ્રી
• ગુજરાતના લોકોને મહત્તમ પ્રમાણમાં કેશલેસ પદ્ધતિનો ઉપયોગ કરવાનું આહવાન
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગાંધીનગર ખાતે મહેસૂલ, કૃષિ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત ડિજીટલ બેંકિંગ અને કેશલેસ પેમેન્ટ વર્કશોપ અને જનજાગૃતિ અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં કેશલેસ નાણાવ્યવહારની વિવિધ પદ્ધતિઓ અંગે જાણકારી આપવામાં આવી હતી. BISAG ના માધ્યમથી આ કાર્યક્રમ સાથે ગુજરાતના ૯૫૬૪ ગામોના લાખો લોકો જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના લોકોને મહત્તમ પ્રમાણમાં કેશલેસ પદ્ધતિનો ઉપયોગ કરવાનું આહવાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ડિજીટલ ઈન્ડિયાના નિર્માણ માટેનો આ જ યોગ્ય સમય છે. અત્યારે જો આપણે એક સુદ્રઢ ઈ-ટ્રાન્સેક્શનની વ્યવસ્થા ઊભી કરી દઈશું તો ભવિષ્યની પેઢી આપણને કાયમ યાદ રાખશે.
ગુજરાતે હંમેશા પહેલ કરીને દેશને દિશા બતાવી છે ત્યારે ઈ-ટ્રાન્સેક્શન બાબતે પણ રાજ્ય મોખરે રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સરકાર સાયબર સિક્યોરીટીના પ્રશ્નને પ્રાધાન્ય આપીને આ દિશામાં પ્રયત્નરત છે. બેંકો દ્વારા લેવાતા ઈ-ટ્રાન્સેક્શન ચાર્જ અંગે પુન:વિચાર કરવાની આવશ્યકતા પર ભાર મૂકતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું આ અંગે અમે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. મહત્તમ કેશલેસ ટ્રાન્સેક્શન કરનાર લોકોને ઈન્સેન્ટીવ આપીને પ્રોત્સાહિત કરવાનો નવતર વિચાર મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે રજૂ કર્યો હતો.
વિવિધ ઉદ્યોગ સંસ્થાનો અને સહકારી સંઘોના હોદ્દેદારોને આગળ આવીને કેશલેસ ટ્રાન્સેક્શન અંગેની જાણકારી આપતા વર્કશોપ કરવાનું આહવાન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે કેશલેસ ટ્રાન્સેક્શનનો મહત્તમ ઉપયોગ અને કેશનો ન્યૂનતમ ઊપયોગ કરવો એ વધુ સગવડ અને સુરક્ષાભર્યો છે અને તેમાં સૌનું હિત સચવાયું છે. આ દિશામાં આગળ વધવાથી નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા આવશે જે આખરે ગ્રાહક અને વેપારી બંને માટે ફળદાયી બની રહેશે.
મુખ્યમંત્રીશ્રીએ હર્ષ વ્યક્ત કર્યો હતો કે સર્જિકલ સ્ટ્રાઈક અને નોટબંધી પછી લોકોમાં દેશભક્તિનું વાતાવરણ ઊભું થયું છે. નોટબંધી બાદ અગવડ પડે તેવા કામમાં પણ લોકો સહકાર આપી રહ્યા છે અને અગવડતામાં પણ તેમને એક સ્વપ્ન દેખાય છે કે દેશનું હિત થઈ રહ્યું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે નવી પેઢી તો ઈન્ટરનેટ-મોબાઈલના માધ્યમથી વ્યવહાર કરવા ટેવાયેલી જ છે, સરકાર પણ પોતાના બધા ટ્રાન્સેક્શન જ ડિજીટલ-કેશલેસ રીતે કરવા પ્રતિબધ્ધ છે. નોટબંધીના કારણે સર્જાયેલ પરિસ્થિતિને મક્કમતાપૂર્વક અવસરમાં પલટીને સમયમર્યાદામાં કેશલેસ અર્થતંત્રના નિર્માણની દિશામાં સામૂહિક પ્રયાસો કરવાનું આહવાન મુખ્યમંત્રીશ્રીએ સરકારના જુદા-જુદા વિભાગના અધિકારીશ્રીઓ, વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને નાગરિકોને કર્યું હતું.
Source: Information Department, Gujarat