મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કોલવડા ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીથી સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરાવ્યું
સુજલામ-સુફલામ જળ અભિયાન : પાંચમો તબક્કો
સુજલામ-સુફલામ જળ અભિયાનના ચાર વર્ષની સફળતા:-
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જળશક્તિ સાથે જનશક્તિ જોડી જળ સંચય-જળ સિંચન-જળ વ્યવસ્થાપનથી ગુજરાતને વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવ્યું છે:- મુખ્યમંત્રીશ્રી
-: શ્રી ભૂપેન્દ્ર પટેલ :-
……
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરના કોલવડા ગામેથી કરાવ્યો હતો.
ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તથા જ્યાં જેટલો વરસાદ થાય ત્યાં જ તેનો સંગ્રહ થાય તેવા ઉમદા હેતુસર લોકજાગૃતિ કેળવવા વર્ષ ૨૦૧૮થી આ જળ અભિયાન ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવે છે.
મુખ્યમંત્રીશ્રીએ પાણીને વિકાસનો મુખ્ય આધાર ગણાવતા આ પ્રસંગે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જળશક્તિનો મહિમા કરીને તેને જનશક્તિ સાથે જોડીને ગુજરાતને વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવ્યું છે.
ચેકડેમ, બોરીબંધ, સુજલામ-સુફલામ યોજના, નર્મદા કેનાલ નેટવર્ક, સૌની યોજના જેવા જળસંચય, જળસિંચન અને જળસંગ્રહ આયામોથી રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે. ખેડૂતોના ખેતરે ખેતરે પાણી પહોંચ્યું છે.
મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું કે આ સુજલામ સુફલામ અભિયાનને પરિણામે ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે અને માત્ર માનવી જ નહિ, પશુ પંખી સૌને પૂરતું પાણી મળતું થશે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આપણે પાણી બચાવી, વીજળી બચાવી દેશ સેવા કરી શકીએ એટલું જ નહિ, જળ આત્મનિર્ભરતા દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત સાકાર કરવા પણ તેમણે પ્રેરણા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર પાણીની સમસ્યા કે મુશ્કેલી લોકોને ન રહે તે માટે જળ વ્યવસ્થાપનના આયોજનોથી સતત સજાગ છે તેની ભૂમિકા આપી હતી.
તેમણે આ સંદર્ભમાં કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ હર ઘર જલ અન્વયે નલ સે જલ નું જે અભિયાન ઉપાડયું છે તેમાં પણ ગુજરાત અગ્રેસર રહેશે.
રાજ્યમાં ર૦રરના અંત સુધીમાં હરેક ઘરને નલ સે જલ ની ૧૦૦ ટકા નેમ સાકાર કરવાની પ્રતિબદ્ધતા પણ તેમણે વ્યક્ત કરી હતી.
શ્રી ભૂપેન્દ્ર પટેલે પાણીના મહાત્મ્યને ઉજાગર કરતાં ઉમેર્યુ કે, પાણી પરમેશ્વરનો પ્રસાદ અને પારસમણિ છે. ભગવાન મહાવીરે પણ પાણીનો ‘ઘી’ ની જેમ ઉપયોગ કરવાની શીખ આપેલી છે તેને સૌએ અપનાવી પાણીનો વ્યય અટકાવવો અને જળસંચય કરવો એ સમયની માંગ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઓછા પાણીએ તથા રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવી સાચા અર્થમાં ધરતીમાતાને સુફલામ સુજલામ બનાવવા આ અભિયાનમાં વધુને વધુ લોકો જોડાય તેવું પ્રેરક આહવાન કર્યું હતું
મુખ્યમંત્રીશ્રીએ કોલવડા ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીનો આરંભ કરાવી આ જળ અભિયાન વિધિવત રીતે શરૂ કરાવ્યું હતું.
પાંચમા તબક્કાના આ સુજલામ સુફલામ જળ અભિયાન અન્વયે તા. ૩૧ મે ૨૦૨૨ સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧૩ હજારથી વધુ કામ હાથ ધરવામાં આવશે.
તળાવો ઊંડા કરવા, ચેકડેમના ડિસીલ્ટિંગના કામો, જળાશયના ડિસીલ્ટિંગના કામો, નદીઓના કાંસની સાફ-સફાઈ કરી પુનઃ જીવીત કરવાના કામો, ચેકડેમ રીપેરીંગ તેમજ નવા ચેકડેમ જેવા જળસંચયના કામો સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ કરવામાં આવે છે
આ વર્ષે આવા કામો દ્વારા જળસંગ્રહ શક્તિમાં ૧૫ હજાર લાખ ઘન ફૂટ જેટલો વધારો થવાનો અંદાજ છે. મનરેગા હેઠળ થનારા કામોમાં આ અભિયાન અંદાજે ૨૫ લાખ કરતાં વધુ માનવદિન રોજગારી પૂરી પાડશે.
રાજ્યમાં આ જળ અભિયાનના ચાર તબક્કા જન સહયોગથી જવલંત સફળતાને વર્યા છે.
વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૨૧ના વર્ષોમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ૫૬૬૯૮ કામો થયા છે. ૨૧૪૦૨ તળાવો ઊંડા કરવાના અને નવા તળાવોના કામો તથા ૧૨૦૪ નવા ચેકડેમના કામો અને ૫૦૩૫૩ કિલોમીટર લંબાઇમાં નહેરો અને કાંસની સાફ-સફાઈના કાર્યો કરવામાં આવ્યા છે.
૪ વર્ષમાં આ કામોના પરિણામે કુલ ૬૧૭૮૧ લાખ ઘન ફૂટ જેટલો જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે આ ઉપરાંત ૧૫૬.૯૩ લાખ માનવદિન રોજગારી ઊભી થઈ છે.
ગાંધીનગરના ઘારાસભ્ય શ્રી શંભુજી ઠાકોરે જણાવ્યું હતું કે, સૂજલામ સુફલામ જળ અભિયાન- ૨૦૨૨નો રાજયવ્યાપી આરંભ આજથી ગાંધીનગરના કોલવડા ખાતેથી કરવામાં આવ્યો છે. રાજયમાં વરસાદની વહેંચણીમાં અસમાનતા છે. પરિણામે ભૂર્ગભજળનો વપરાશ વધી ગયો છે. પાણીના વપરાશ અંગે જાગૃત્તિ લાવવા અને પાણીની સંગ્રહશક્તિ વધારવા માટે વર્ષ- ૨૦૧૮થી સમગ્ર રાજયમાં આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. કોરાનાકાળમાં પણ આ અભિયાન ચાલું રાખવામાં આવ્યું હતું.
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેષ મકવાણાએ જણાવ્યું હતું કે, રાજયમાં અનિયમિત અને અપૂરતી માત્રામાં વરસાદ પડે છે. ગુજરાતની ભૌગલિક પરિસ્થિતિને ઘ્યાનમાં રાખી રાજયમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો કરવા માટે સમગ્ર રાજયમાં છેલ્લા ચાર વર્ષથી આ અભિયાન શરૂ કરવામાં આવે છે. ગાંધીનગર જિલ્લામાં ચાર વર્ષમાં ૬૫૮ કામો કરવામાં આવ્યા છે. જેમાં તળાવ અને ચેકડેમ ઉંડા કરવાના ૩૮૯ કામો, ખેત તલવાડી અને વન તલવાડીના ૬૩ કામો અને અન્ય જળ સંચયના કામો જેવા કે વરસાદી પાણીની લાઇનના સાફસફાઇ, રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી, નદીઓનું શુધ્ધિકરણ વગેરેના ૨૦૬ કામો કરવામાં આવ્યા છે. જિલ્લા જળ સંગ્રહ શક્તિમાં કુલ- ૬૧૭ લાખ ઘન ફૂટ જેટલો વઘારો થયો છે.
આ અભિયાનના આરંભ પ્રસંગે દહેગામના ઘારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઇ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જસવંતભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઇ પટેલ, રાજયના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, જળ સંપત્તિ સચિવ શ્રી કે. એ. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમ, જળસંપત્તિ વિભાગના શ્રી રાબડીયા, શ્રી ખલિયાણી સહિત અનેક મહાનુભાવો અને કોલવડા ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat