Latest News

મુખ્યમંત્રીશ્રીએ ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે આદ્યશકિત અંબાજી મંદિરમાં માતાજીના ભક્તિ ભાવપૂર્વક દર્શન કર્યા

  • મુખ્યમંત્રીશ્રીએ અંબાજી મંદિર સંકુલમાં એગ્રો મોલનો પણ શુભારંભ કરાવ્યો
  • મુખ્યમંત્રીશ્રીએ વિચરતી વિમુક્ત જાતિના કુલ ૪૧ લાભાર્થીઓને 80 ચોરસ મીટરના પ્લોટની સનદનું વિતરણ પણ કર્યું
  • પબ્લિક એડ્રેસ સિસ્ટમનું લોકાર્પણ તેમજ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની મોબાઇલ એપનું પણ લોન્ચિંગ કર્યું

******

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે  આદ્યશકિત મા અંબેના દર્શન અને ભક્તિ ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આદ્યશકિત ધામ અંબાજી મંદિરમાં શીશ નમાવી સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃધ્ધિ અને સલામતિ માટે પ્રાર્થના કરી હતી. એટલું જ નહિ જનહિતના કામો કરવાની માતાજી શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે અને ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીના કૃપા આશિષ વરસતા રહે તેવી તેમણે પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્રભાઇ પટેલે માં આદ્યશક્તિના દર્શન બાદ અંબાજી મંદિર સંકુલમાં એગ્રો મોલનો પણ શુભારંભ કરાવ્યો હતો. સાથે સાથે પબ્લિક એડ્રેસ સિસ્ટમનું લોકાર્પણ તેમજ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની મોબાઇલ એપનું લોન્ચિંગ પણ કર્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ફાર્મસ પ્રોડયુસર ઓર્ગેનાઇઝેશન અંતર્ગત પાંચ લાભાર્થીઓને ચાવી અર્પણ કરી હતી. સાથે સાથે વિચરતી વિમુક્ત જાતિના કુલ ૪૧ મહિલા લાભાર્થીઓને 80 ચોરસ મીટરના પ્લોટની સનદનું વિતરણ પણ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે અંબાજી ગામના આસપાસ રાહત મદારી, ભરથરી તથા વાદી જેવા વિચરતી વિમુક્ત જાતિના લોકોના પરિવારો માટે ‘ શ્રી શક્તિ વસાહત’નું  નિર્માણ થઈ રહ્યું છે. આ વસાહતમાં પાકા રહેણાક મકાનની સુવિધા સરકારના સહયોગથી ઉપલબ્ધ થશે.

આ અવસરે માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશ ભાઈ મોદી, સાંસદ શ્રી પરબતભાઇ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડીયા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, કલેકટર શ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર.આર. રાવલ, પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat