પ્રહલાદજી પટેલનું જીવન એટલે સ્વાતંત્ર્યતાની લડત, ભૂ-દાન ચળવળ અને સમાજસેવાની ત્રિવેણી ધારામાં વહેલું જીવન:મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
ગુજરાતની ત્રણ શક્તિપીઠોમાંની એક એવા બહુચરાજીની ભૂમિ પર બહુમુખી પ્રતિભા ધરાવતા શેઠ પ્રહલાદજી જીવી ગયા તેનાથી બહુ ઓછા લોકો વાકેફ છે.પ્રહલાદજી પટેલનું જીવન એટલે સ્વાતંત્ર્યતાની લડત, ભૂ-દાન ચળવળ અને સમાજસેવાની ત્રિવેણી ધારામાં વહેલું જીવન, તેવું તેવું આજરોજ બહુચરાજી ખાતે યોજાયેલ પ્રહલાજી શેઠના જીવન ચરિત્રના પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું
સમગ્ર પરિવાર અને આ પુસ્તક પ્રકાશન પાછળ જહેમત ઉઠાવનારા તમામને અભિનંદન પાઠવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે,આ પુસ્તકના માધ્યમથી તમે સૌએ મોટી સેવા કરી છે.પ્રહલાદજી શેઠ એટલે માનવતાનું અજવાળું, નિખાલસતા, નિડરતા, સાદગી, પ્રામાણિકતા, પરિશ્રમ જેવા અનેક ગુણોનો ભંડાર એમ કહી શકાય. તેમનું વ્યક્તિત્વ અને કૃતત્વ જન-જન સુધી આ પુસ્તકથી પહોંચશે તેવો મને વિશ્વાસ છે.પ્રહલાદજી શેઠની જુનવાણી લાટીનું નવનિર્માણ કરી ‘શેઠ પ્રહલાદ બજાર’ નામ અપાયું છે. આ નવી બજાર પ્રહલાદજી શેઠની સ્મૃતિઓને ચિરકાલીન બનાવશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ, તેવું કહી તેઓએ ઉમેર્યું હતુ કે, પ્રહલાદ શેઠ જેવા નામી અનામી ક્રાંતિવિરોના ત્યાગ-બલિદાન અને તપસ્યાને યાદ કરવાનો, તેમાંથી પ્રેરણા લેવાનો આ ઉત્સવ છે.આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે પ્રહલાદજી શેઠના જીવન પરનું આ પુસ્તક આવનારી પેઢીઓ માટે પ્રેરણાપૂંજ બની રહેશે.શ્રી પ્રહલાદજી શેઠનું ભૂદાન યજ્ઞમાં પણ મોટું પ્રદાન હતું. પોતાની 200 વીધા જમીન ભૂદાનમાં આપવા ઉપરાંત તેમણે ઉત્તર ગુજરાતમાં આ આંદોલનને સફળ બનાવવમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
દેશના ભૌગોલિક એકીકરણ માટે સરદાર પટેલને તેમણે જરૂરી સહયોગ પણ આપ્યો હતો, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે,પ્રજાના પ્રતિનિધિ તરીકેનું જાહેરજીવન, સમાજ સુધારણા, અસામાજિક તત્વો સામેની મક્કમ લડત, શિક્ષણનો પ્રસાર, દલિતોનો ઉદ્ધાર, ગ્રામોત્થાન એમ વિવિધ ક્ષેત્રે તેમણે ઐતિહાસિક કામગીરી કરી હતી.
પ્રહલાદભાઈ શેઠને તેમની જન્મજયંતિ એ શ્રદ્ધાંજલિ અર્પણ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,દેશની આઝાદી માટેની વિરતાથી લડત લડનારા પ્રહલાદજી શેઠેના કાર્યને ઉજાગર કરવાથી આપણા ગુજરાતનું ગૌરવ વધશે.આઝાદીની લડત દરમિયાન બે વખત તેમણે સાબરમતી અને યેરવડામાં જેલવાસ ભોગવ્યો હતો.તેમના પિતાજીનું અવસાન થયું ત્યારે સ્વર્ગસ્થ પિતાજીની અંતિમક્રિયા પિતરાઇ પાસે કરાવી પણ માફી પત્ર લખી જામીન પર છુટવાનું તેમણે સ્વિકાર્યું નહીં-આ તેમની સરફરોશી તમન્ના હતી. પ્રહલાદજી શેઠ બીજા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓને આશરો આપી અંગ્રેજો સામેની ઢાલ બન્યા હતા. આઝાદીની લડતમાં તેમણે ખૂબ જુલમો સહ્યા હતા પીઠમાં પડેલા ચાઠાંને પ્રહલાદજી શેઠે અંગ્રેજોએ આપેલા સુવર્ણ ચંદ્રક ગણાવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રહલાદજી શેઠે એ જમાનામાં પોતાની જમીનમાં પ્રાકૃતિક ખેતીનો સફળ પ્રયોગ કર્યો હતો.તેઓ પોતે પ્રાકૃતિક ખેતીના હિમાયતી હતા. રાસાયણિક ખાતર અને કેમિકલ-દવાઓના છંટકાવથી પાકેલા અનાજ-શાકભાજી જમીન અને માનવી બેયના આરોગ્યને બગાડે છે. લોકો નાની ઉંમરે હૃદયરોગ,ડાયાબિટીઝ અને કેન્સર જેવા રોગોનો શિકાર બની જાય છે. આ માટે પ્રાકૃતિક ખેતી જ ઉપાય છે. એ વાત તેમણે એ સમયે સમજી આગવી કોઠાસૂઝ દર્શાવી હતી.
આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વીડીયો સંદેશામાં સ્વર્ગસ્થ પ્રહલાદભાઈ પટેલ ને 115 મી જન્મ જયંતીએ તેમને શ્રદ્ધાંજલિ આપી જણાવ્યું હતું કે દેશ હિત માટે પોતાના પરિવાર હિતને પણ ગૌણ ગળનારા પ્રહલાદભાઈ સ્વાતંત્ર સંગ્રામની એક ઉત્કૃષ્ટ મિસાલ છે. આઝાદી પછી સરદાર સાહેબના માર્ગદર્શન હેઠળ પહેલાદભાઈ એ આ વિસ્તારના ત્રણ રજવાડાના વિલીનીકરણ માં ભજવેલી ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે બહુચરાજી પંથકમાં શખાવત તરીકે તેમણે આપેલા યોગદાનની સ્મૃતિ તાજી કરી હતી.
પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઇ પટેલે જણાવ્યું હતું કે આઝાદીની લડતના સમય દરમિયાન કોઈ અહિંસા અને હિંસાના માર્ગ પર આગળ વધી દેશની આઝાદી માટે લડતા હતા.તે સમય દરમિયાન પ્રહલાદભાઈ શેઠે આઝાદીની લડતમાં ઝંપલાવ્યું હતું.તેમણે અખડ ભારતના નિર્માણ કાર્યમાં અને ભુડાણમાં યોગદાન આપ્યું છે તેમજ આ વિસ્તારના વિકાસ અને શિક્ષણ કાર્યમાં પણ યોગદાન મહત્વનું રહ્યું છે
ઝિલીયા ગાંધી આશ્રમના પદ્મશ્રી માલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે,મને શેઠ સાથે દસ વર્ષ કામ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે.ઝીલિયામાં ગાંધી આશ્રમ સ્થાપવામાં તેમનું પાયામાં યોગદાન રહયું છે. એમણે જાહેરજીવનમાં રહીને લોકસેવાના કાર્યો સાથે સમાજ સુધારક ના પણ કાર્યો કર્યા છે.રાધનપુર થી જુનાગઢ સુધીના અનેક નાના નાના રજવાડાઓને અખડ ભારતમાં જોડવાના કાર્યમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે.
મહેસાણા સાંસદ શ્રી શારદાબેન પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી દરમ્યાન આ કાર્યક્રમ નું આયોજન કરવા બદલ પરિવારજનોને અભિનંદન આપ્યા હતા. તેમના પરિવારે પ્રહલાદભાઈ શેઠના જીવન ચરિત્ર પર લખાયેલા પુસ્તક થકી નવી પેઢી આઝાદીની લડતની વાસ્તવિકતાથી વાકેફ થશે. આઝાદીની કિંમત સમજશે.
પૂર્વ નાબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રહલાદભાઈ શેઠ દેશની આઝાદીના લડતની સાથે સાથે બહુચરાજી પંથકમાં સામાજિક સુધારાના, શિક્ષણ અને આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. બહુચરાજી પંથકના શેઠના વિકાસ કાર્યને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે આગળ ધમપાવી રહ્યા છે. તેમજ આગામી સમયમાં બહુચરાજી પંથકમાં 10 હજાર કરોડ રૂપિયાનું માતબર રકમનું મૂડી રોકાણના એમ.ઓ.યુ પણ વડાપ્રધાન શ્રી ના હસ્તે કરવામાં આવ્યા છે
આ પ્રસંગે પ્રહલાદભાઈ શેઠના જીવન ચરિત્ર પુસ્તકના લેખક શ્રી રમેશ તન્નાએ તેમનો જીવન ચરિત્ર નો ટૂંકમાં પરિચય આપી જણાવ્યું હતું કે આ પુસ્તક 11 પ્રકરણ માં વિભાજીત કરવામાં આવ્યા છે. તેમજ ૫૬૨ રજવાડાને એકત્રીકરણની કાર્યમાં તેમણે કેવી રીતે યોગદાન આપ્યું હતું તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આ પુસ્તક આજની યુવા પેઢીને વાંચવું ગમે તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે.
આ અગાઉ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ચૈત્રી નવરાત્રીના પાવન પર્વે આજે બહુચર માતાજીના દર્શન કર્યા હતા. તેમજ પૂજા અર્ચના પણ કરી હતી. તેમના હસ્તે બેચરાજી ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત આત્મનિર્ભર ગ્રામ હાટ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમણે ગ્રામહાટની મુલાકાત લઇ સ્ટોલ સંચાલકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો મુખ્યમંત્રીશ્રીએ હાટમાંથી બેચર ગામના વાલજીભાઈના પાસેથી પાપડ ખરીદયા હતા. તેમજ ખીચડી ગામ ના અંકિત પંચાલ ખાટલા ભરત કામ ની માહિતી તેમના રજવાડી ખાટલામાં બેસીને મેળવી હતી.
આ પ્રસંગે નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ સહિત પહેલા જે હરગોવિંદદાસ પટેલના પરિવારજનો અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
Source: Information Department, Gujarat