મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં ઔડાના ર૮પ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ – ખાતમૂર્હત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રજાના પરસેવાનો એક એક પૈસો વિકાસ કામોમાં વપરાય તેવી પારદર્શી-ભ્રષ્ટાચાર રહિત અને સુઆયોજિત વ્યવસ્થા વિકસાવી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં યોજનાઓના ભૂમિપૂજન થતાં પણ વરસો સુધી કામો પૂર્ણ જ ન થતાં, અમે જેના ખાતમૂર્હત કરીયે તેના લોકાર્પણ પણ અમે જ કરીયે તેવી સમયબધ્ધ કાર્યયોજના ત્વરિત નિર્ણયશકિત અને પારદર્શીતા દર્શાવી છે.
મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડાના વિકાસ કામો અંતર્ગત ઓઢવ બ્રિજનું લોકાર્પણ, શાંતિપુરા બ્રીજનું ભૂમિપૂજન, દહેગામ બ્રિજનું ભૂમિપુજન, શેલા ટાઉન હોલ ભૂમિપુજન, કઠવાડા ટાઉન હોલ ભૂમિપુજન, મણીપુર-ગોધાવી-ઘુમા ડ્રેનેજ લાઇન ભૂમિપૂજન, બોપલ ગાર્ડન તથા બાસ્કેટ બોલ કમ વોલીબોલ કોર્ટનું લોકાર્પણના વિકાસ કામોની ભેટ મહાનગરને ચરણે ધરી હતી.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરતનો વિકાસ દશે દિશાએ હવે ખિલ્યો છે અને દર ૧૦ કિ.મી.ના વિસ્તારમાં કોઇને કોઇ વિકાસ કામો થઇ રહ્યા છે. રાજ્યના વિકાસ માટે ૧ લાખ ૮ર હજાર કરોડ કરતાં પણ વધુ રકમનું વિકાસ બજેટ છે તે સંપૂર્ણપણે વપરાય અને સર્વગ્રાહી વિકાસથી ગુજરાતમાં વર્લ્ડ કલાસ ડેવલપમેન્ટની નેમ તેમણે વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ભ્રષ્ટાચારના મામલે રાજ્યમાં ધરણા-વિરોધ કરીને મુખ્યમંત્રીશ્રીનું રાજીનામું માંગી રહેલા વિપક્ષ કોંગ્રેસને સ્પષ્ટપણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર સામે જંગે છેડયો છે અને મક્કમ પગલાંઓ લઇ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની પ્રતિબધ્ધતા દાખવી છે ત્યારે જે લોકોને સત્તાના સપના આવે છે તેઓ વિરોધના ધરણા કરે છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, કોંગ્રેસના શાસનમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને કારણે દેશ કૌભાંડોથી ખદબદતો હતો, તેમના નેતાઓને કૌભાંડોમાં CBI એ જેલમાં મોકલેલા અને કોંગ્રેસના MLA પ૦ કરોડની લાંચમાં આજે પણ જેલમાં છે ત્યારે કયા મોઢે તેઓ ભ્રષ્ટાચાર મૂદો ઉછાળીને રાજીનામાની માંગ કરે છે?
ગુજરાતની જનતા જનાર્દને ર૩ વર્ષથી અમને સત્તા સોંપીને સેવાદાયિત્વની તક આપી છે તેને ભલિભાંતિ નિભાવતાં વિકાસ એ જ માત્ર એજન્ડા અને છેવાડાના માનવીના વિકાસ, ઉન્નતિ થાય, જ્યાં માનવી ત્યાં સુવિધાની નેમ સાકાર થાય તે માટે આ સરકાર કટિબધ્ધ છે તેમ શ્રી વિજયભાઇ રૂપાણીએ વિપક્ષ પર સરસંધાન તાકતા જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ બોપલ નગરપાલિકા વિસ્તારને આગામી સમયમાં રૂ. ૧૬૦ કરોડનાં ખર્ચે ૬૦ MLD નર્મદાના નીર પૂરાં પાડવાની વિકાસલક્ષી મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે, ૧૦ વર્ષ પહેલાં બોપલ – ઘુમામાં કંઈ નહોતું તેની જગ્યાએ આજે બોપલ– ઘુમા વિસ્તાર વિકાસથી ધમધમી રહ્યો છે તે અમારી કાર્યકુશળતાનો પુરાવો છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભ્રષ્ટાચાર દૂર કરવાં અમારી સરકારે ઓનલાઈન એન.એ. સીસ્ટમ વિકસાવી, પ્લાન-નકશા ૭ થી ૧૦ દિવસમાં પાસ થાય તેવી વ્યવસ્થા ગોઠવી છે
તેમણે કહ્યું કે, ગુજરાત પાણીની અછત ધરાવતું રાજ્ય છે ત્યારે પાણીનો મહત્તમ સંગ્રહ થાય તે માટે ચાલુ વર્ષે માર્ચ મહિનાથી જળસંચય અભિયાનો દ્વારા તળાવો ઉંડા કરી જળ સ્ત્રોતો વધારવા માટે જળસંચય અભિયાન શરૂ કરવું છે. વોટર રિચાર્જીંગ, રિયુઝ અને રીસાયકલ દ્વારા પાણીનો મહત્તમ ઉપયોગ થાય તેવું આયોજન કરાયું છે. ડીસેલીનેશન પ્લાન્ટ દ્વારા ખારા પાણીને મીઠુ બનાવવા રાજ્યમાં ડિસેલીનેશન પ્લાન્ટ PPP ધોરણે પણ કાર્યાન્વિત કરવાના છીયે.
તેમણે ઉમેર્યુ કે, આયોજનબધ્ધ વિકાસની નેમ સાથે એક જ વર્ષમાં ૧૦૦ થી વધુ ટી.પી. યોજના મંજૂર કરી છે. જી.ડી.સી.આર. પણ કોમન બનાવ્યા છે અને આ કાયદાઓને પણ સરળ બનાવી ગ્રંથમાંથી ચોપડીનું સ્વરૂપ આપ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં ૨૫ લાખ ઘરોનું નિર્માણ કરીને સામાન્ય નાગરિકને રોટલા સાથે ઓટલો પણ મળે તે માટે વિવાદ નહી સંવાદ દ્વારા ઘબકતું ગુજરાત – શ્રેષ્ઠ ગુજરાત બને તે માટે રાજ્ય સરકાર સદૈવ પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીશ્રીએ રૂ. ૫૭.૫૦ કરોડનાં ખર્ચે બનનાર ઓઢવ બ્રિજનું લોકાર્પણ, રૂ. ૯૪.૧૮ કરોડનાં ખર્ચે બનનાર શાંતિપુરા બ્રીજનું ભૂમિપૂજન, રૂ. ૬૦.૪૭ કરોડનાં ખર્ચે બનનાર દહેગામ બ્રિજનું ભૂમિપુજન, રૂ. ૨૯.૨૪ કરોડનાં ખર્ચે બનનાર શેલા ટાઉન હોલ ભૂમિપુજન, રૂ. ૨૯.૨૭ કરોડનાં ખર્ચે બનનાર કઠવાડા ટાઉન હોલ ભૂમિપુજન, રૂ. ૧૮.૩૭ કરોડનાં ખર્ચે બનનાર મણીપુર-ગોધાવી-ઘુમા ડ્રેનેજ લાઇન ભૂમિપૂજન, રૂ. ૨.૦૦ કરોડનાં ખર્ચે બનનાર બોપલ ગાર્ડન તથા બાસ્કેટ બોલ કમ વોલીબોલ કોર્ટનાં અંદાજીત રૂ. ૨૮૫ કરોડના કાર્યોનું લોકાર્પણ/ખાતમૂહૂર્ત ડીજીટલ રીતે કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વિવિધ દાતાઓ તરફથી મળેલા કુલ – રૂ. ૧૧.૦૩ લાખના કન્યા કેળવણી નીધિના ચેક સ્વીકાર્યા હતા.
ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, બોપલ-ઘુમા નગરપાલિકાનો રાજ્યની અન્ય નાગરપાલિકા કરતા સારો વિકાસ થયો છે. ભવિષ્યની બાબતો ધ્યાનમાં રાખી રીંગ રોડ તથા ઓવરબ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. ૧૮૬૬ ચો.કી. નો વિસ્તાર ઔડાનો છે ત્યારે ઔડાએ ઓછા કર્મચારીઓ સાથે પણ મહત્તમ કાર્યો પૂરા કર્યા છે.
અમદાવાદ મ્યૂનિસિપલ કમિશ્નરશ્રી અને ઔડાના ચેરમેનશ્રી વિજયભાઈ નેહરાએ જણાવ્યું કે, આજે એક સાથે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ થઈ રહ્યું છે. રૂ. ૩૫૦ કરોડના ખર્ચે ૭ બ્રિજનું કાર્ય થવાનું છે તે અંતર્ગત એક બ્રિજનું લોકાર્પણ થયું છે અને બે બ્રિજના ખાત મૂહૂર્ત આજે થયા છે.
રૂ. ૩૫૦ કરોડના ખર્ચે ૨૮૦૦ મકાનનું આયોજન હાથ ધરાયું હતું જે પૈકી ૧૪૦૦ મકાનો તૈયાર થઈ ગયા છે અને ૧૪૦૦ મકાનો ટૂંક સમયમાં જ તૈયાર થઈ જશે. જાણીતા સામાયિક ઈકોનોમિસ્ટ મુજબ અમદાવાદ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ૧૦૦ દેશોની યાદીમાં સામેલ થવાની અભૂતપૂર્વ સિધ્ધી સુઆયોજીત વિકાસ થી હાંસલ કરી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્યો સર્વશ્રી જગદીશભાઈ પંચાલ, અરવિંદભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, કનુભાઈ પટેલ, ખાદી ગ્રામોદ્યોગના ચેરમેનશ્રી કુશળસિંહ પઢેરીયા, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી આર.સી. પટેલ, બોપલ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જિગીસાબેન, ગૌ સેવા આયોગના ચૈતન્ય શંભુ મહારાજ, ઔડાના સી.ઈ.ઓ. શ્રી એ.બી.ગોર, કલેક્ટરશ્રી ડૉ. વિક્રાંત પાંડે તથા અમદવાદના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat